Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

નવાગામની ૧૬ વર્ષની સગીરાને મુળ ભાવનગર પંથકનો વિપુલ ભગાડી ગયો

મિત્ર લાલપરીના ગુલામમુસ્તુફાએ એકટીવાની વ્યવસ્થા કરી મદદ કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૮: સગીરાના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુળ વિંછીયાના મોઢુકા રોડ પર રહેતાં અને હાલ રાજકોટના નવાગામ દિવેલીયાપરામાં મામાપીરના ખીજડા પાસે ભાડેથી ઓરડીમાં રહેતાં એક બહેનની ૧૬ વર્ષની દિકરીને મુળ ભાવનગરના મેથાડાનો વિપુલ વિજાભાઇ બારૈયા ભગાડી જતાં અને તેને મિત્ર લાલપરીના  ગુલામમુસ્તુફા શકીલભાઇ પઠાણે મદદ કરતાં બંને વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ થયો છે.

કુવાડવા રોડ પોલીસે આ મામલે વિપુલ બારૈયા અને ગુલામમુસ્તુફા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદી બહેનની સગીરવયની દિકરીને મુળ ભાવનગર મેથાડાનો વિપુલ બારૈયા ૧૯/૧૨ના રોજ બપોરે ત્રણેક વાગ્યે ભગાડી ગયો હતો. તેને તેના મિત્ર લાલપરીના ગુલામમુસ્તુફાએ પોતાના વાહનનો ઉપયોગ કરી મદદ કરી હતી. ફરિયાદી મહિલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં કામ કરે છે. દિકરી પણ ત્યાં સાથે ઘણીવાર જતી હતી. આરોપી વિપુલ પણ આ વિસ્તારમાં કામ કરતો હોઇ તે સગીરાના પરિચયામાં આવ્યો હતો. એ પછી તેણીને  ભગાડી ગયો હતો. પી.આઇ. એમ.આર. પરમાર, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા અને ડી. સ્ટાફની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)