Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

રાજકોટ જીલ્લા પોલીસે ગૂમ થયેલ ૧૬ લાખના ૧૧૧ મોબાઇલ ફોન મુળ માલીકોને પરત કર્યા

બીલ વગરના મોબાઇલ ન લેવા અને બિનવારસી મોબાઇલ નજીકના પોલીસ મથકમાં જમા કરાવવા જીલ્લા પોલીસની અપીલ

તસ્વીરમાં એસપી બલરામ મીણા મુળ માલીકને મોબાઇલ ફોન પરત કરતા અને બીજી તસ્વીરમાં મોબાઇલ ફોન નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૮: રાજકોટ રૂરલ પોલીસે જીલ્લામાં ગુમ થયેલ અંદાજે ૧૬ લાખના ૧૧૧ મોબાઇલ ફોન મુળ માલીકોને પરત કર્યા હતા.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી મુખય મથક રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એચ.વાજા તથા કોમ્પ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ જીલ્લામાં  ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે ખંતપુર્વક મહેનત કરી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરી તા.૧-પ-૧૯ થી તા.૩૦-૧૧-૧૯ સુધીમાં ગુજરાત રાજય તથા બહારના રાજયો જેવા કે મેઘાલય, કર્ણાટક, ઝારખંંડ, પશ્ચિમ બંગાલ મળી કુલ મોબાઇલ ફોન નંગ-૧૧૧ની કુલ અંદાજીત કિંમત રૂ. ૧૬,૧૬,૧૧૦ ના શોધી કાઢી જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તક તેમના મુળ માલીક સુધી પહોંચતા કરાયા હતા.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્યના પીએસઆઇ એચ.એચ.વાજા, પો.કોન્સ. મહેશભાઇ પો.કોન્સ. વૈભવભાઇ ગોહેલ તથા પો.કોન્સ. ધર્મેશભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બીનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમા કરાવી સારા નાગરીક તરીકેની ફરજ નીભાવવા જાહેર જનતાને અપીલ છે.

(11:43 am IST)