Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પોસ્ટ માસ્તરને ગાળો આપી પ્રોપર્ટીને નુકશાન કરવા અંગે આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા.૨૮: રાજકોટ મુકામે આવેલ શિવનગર શેરી નં.૫માં આવેલ પોસ્ટ ઓફીસમાં તા.૨૭-૯-૨૦૧૪ના રોજ કલાક ૪:૦૦ વાગ્યે આરોપી જયુભા નરેન્દ્રસિંહ જાડેજા, ઇલાબા યશરાજસિંહ સરવૈયા તથા ધીરજબા નરેન્દ્રસિંહ જાડેજાએ ગાળો આપી ટેબલ પર રાખેલ કોમ્પ્યુટર પછાડી દઇ રૂ.૧૫,૦૦૦ નુ નુકશાન પહોંચાડી એક બીજાને મદદગારી કરી ગુનો આચર્યાની ફરીયાદ પોસ્ટ માસ્તર ઘોઘુભા દિપકસિંહ જાડેજાએ રાજકોટ માલવીયાનગર પો.સ્ટે.માં નોંધાવેલ જે અંગેનો કેસ રાજકોટના અધિક ચીફ જયુડી.મેજી. કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે તા.૨૭-૯-૨૦૧૪ના રોજ કલાક-૧૬: ૦૦ વાગ્યે રાજકોટ મુકામે શીવનગર શેરી નં.૫ માં કાર્યરત પોસ્ટ ઓફીસ કે જે નરેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં ભાડે આવેલ હોય અને ત્યા ઉપર જયુભા નરેન્દ્રસિંહ જાડેજા, દક્ષાબા યશરાજસિંહ સરવૈયા અને ધીરજબા નરેન્દ્રસિંહ જાડેજા રહેતા હોય લોબીમાં કેમ ટેબલ અને કોમ્પ્યુટર રાખેલ છે તેમ કહી આરોપીએ પોસ્ટ માસ્ટર ઘોઘુભા દિપસિંહ જાડેજાને ગાળો આપી ટેબલ પર રાખેલ કોમ્પ્યુટર પછાડી દઇ રૂ.૧૫,૦૦૦ નું નુકશાન પહોંચાડી એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યાની ફરીયાદ પોસ્ટ માસ્તર ઘોઘુભા દિપસિંહ જાડેજાએ માલવીયાનગર પો.સ્ટે.માં ડેમેજ ઓફ પબ્લીકન પ્રોપર્ટી એકટની કલમ-૩,૭ તથા ભારતીય દંડ સહિતાની કલમ-૫૦૪,૧૧૪ મુજબની નોંધાવેલ અને પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ.

આ કામે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ફરીયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનુ માની રાજકોટના પ માં અધીક ચીફ જયુડી. મેજી.એ આરોપીઓ (૧) જયુભા નરેન્દ્રસિંહ જાડેજા (૨)ઇલાબા યશરાજસિંહ સરવૈયા અને (૩)ધીરજબા નરેન્દ્રસિંહ જાડેજા, રહેઃ શીવનગર-૫, રાજકોટવાળાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ.ભગત, ચૈતન્ય બી.સાયાણી, આનંદકુમાર ડી.સદાવ્રતિ તથા ધર્મેન્દ્ર ડી.બરવાડીયા રોકાયેલા હતા.

(3:55 pm IST)