Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સાસુ - વહુ અને દિકરીનું સ્નેહમિલન... કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન

શ્રી પટેલ સેવા સમાજ - રાજકોટ દ્વારા ૨૮ જાન્યુઆરીએ આયોજન : 'એકબીજાને ગમતા રહીએ' બુક પરિવારદીઠ અપાશે : ૨૫ હજાર મહિલાઓ લાલ સાડીમાં હાજર રહેશે : ઘરે - ઘરે રંગોળી અને માતાજીનો અખંડ દિવો પ્રગટાવાશે

રાજકોટ, તા. ૨૮ : શ્રી પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે તા.૨૮ જાન્યુઆરીના રવિવારે બપોરે ૩:૩૦ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે રાજકોટ શહેરની પચ્ચીસ હજાર કડવા પાટીદાર સમાજની મહિલાઓનું સાસુ - વહુ અને દિકરીનું એક વિશાળ સ્નેહમિલન યોજવામાં આવનાર છે.

શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ)ના જણાવ્યા મુજબ સમાજના તાણાવાણાને મજબૂત બનાવવા માટે આપણી નારી શકિતને ઓળખી તેને યોગ્ય તકો પૂરી પાડવી પડશે. સમગ્ર ગુજરાતની નારી શકિતને પોખવા અને ઓળખવા માટેનો શંખનાદ રાજકોટમાં યોજાનાર આ મહિલા સંમેલનના માધ્યમથી શરૂ થશે. મહિલા શકિતના આ મજબૂત પ્રવાહને પછી કોઈ રોકી નહિં શકે. વેદોમાં પણ કહેવાયુ છે કે જયાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. દેશની ૫૦%ની સંખ્યા ધરાવતી મહિલાઓની શકિતને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કામે લગાડીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવાના છે. આમ, સમાજમાં સામાજીક ક્રાંતિ મહિલાઓ જ કરી શકે છે.

શ્રી પટેલ સેવા સમાજની સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ચાંગેલા છેલ્લા એક વર્ષથી આ સંમેલન ઐતિહાસિક અને વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહે તે માટે વિવિધ પ્રકારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં રાજકોટની ૫૦૦ જેટલી અગ્રણી મહિલા કાર્યકર્તાઓ વોર્ડ વાઈઝ ડોર ટુ ડોર જઈને પ્રત્યેક ઘરની માહિતી એકત્ર કરી લીધી છે. રાજકોટ શહેરમાં વસતા કડવા પાટીદાર સમાજના ઘર દીઠ શ્રી પટેલ સેવા સમાજ - દ્વારા સંપાદિત એક બીજાને ગમતા રહીએ બુક વિનામૂલ્યે આપવામાં આવશે. સામાજીક ક્રાંતિમાં મહિલાઓની ભૂમિકા અંગે ગુજરાતના ખ્યાતનામ લેખકોના લેખોનું આ પ્રકારનું સંપાદન ગુજરાતમાં પ્રથમવાર થયુ છે. સ્નેહમિલનના દિવસે પ્રત્યેક ઘરને રંગોળીથી સજાવવામાં આવશે તથા ઘરમાં સવારથી સાંજ સુધી માતાજીનો અખંડ દિવો પ્રગટાવવામાં આવશે. સંમેલનમાં ભાગ લેનાર તમામ મહિલાઓ ક્રાંતિના પ્રતિક સમાન લાલ સાડીમાં સજ્જ થઈને આવશે. તેમજ ૯૦ વર્ષથી ઉપરના મહિલાઓનું સમાજ દ્વારા શાલ ઓઢાડીને તેમજ બુકેથી વિશેષ સન્માન મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

તસ્વીરમાં મનીષભાઈ ચાંગેલા, કિશોરભાઈ ઘોડાસરા, પ્રો. જે. એમ. પનારા, જગદીશભાઈ પરસાણીયા, વિજયાબેન વાછાણી, ભાવનાબેન રાજપરા, વર્ષાબેન મોરી, કીર્તીબેન માકડીયા, ભાવનાબેન માકડીયા, નયનાબેન માકડીયા, નયનાબેન ડાંગરેશીયા, કંચનબેન મારડીયા, રાજેશ્રીબેન રોજીવાડીયા નજરે પડે છે.

શ્રી પટેલ સેવા સમાજ રાજકોટની સંગઠન ટીમ

મનીષભાઈ ચાંગેલા (ચેરમેન શ્રી સંગઠન સમિતિ), કિશોરભાઈ ઘોડાસરા (માનદ મંત્રી), પ્રો. જે. એમ. પનારા (ચેરમેનશ્રી પ્રચાર સમિતિ), જગદીશભાઈ પરસાણીયા (કો-ઓર્ડીનેટર) તથા મહિલા સંગઠન ટીમ વિજયાબેન વાછાણી (પ્રમુખ મહિલા મંડળ), ભાવનાબેન રાજપરા (કન્વીનર મહિલા મંડળ), વર્ષાબેન મોરી (ઈન્ચાર્જ - મહિલા મંડળ), કીર્તિબેન માકડીયા (પ્રમુખ - વોર્ડ નં. ૮), ભાવનાબેન માકડીયા (પ્રમુખ - વોર્ડ નં. ૯), નયનાબેન માકડીયા (પ્રમુખ - વોર્ડ નં. ૧૦), નયનાબેન ડાંગરેશીયા (પ્રમુખ વોર્ડ નં. ૧૧), કંચનબેન મારડીયા (પ્રમુખ- વોર્ડ નં. ૧૨), રાજેશ્રીબેન રોજીવાડીયા (પ્રમુખ - વોર્ડ નં. ૧૩).

રાજકોટમાં ઉમિયા સંકલ્પયાત્રા વોર્ડવાઈઝ ઘરે - ઘરે ફરશે : આમંત્રણ આપશે

રાજકોટ : શહેર મહિલા મંડળના પ્રમુખ શ્રી વિજયાબેન વાછાણી, કન્વીનર ભાવનાબેન રાજપરા તથા ઈન્ચાર્જ વર્ષાબેન મોરીના જણાવ્યા મુજબ આ સ્નેહમિલનની તૈયારી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. ૫૦૦ મહિલા કાર્યકર્તાઓએ વોર્ડવાઈઝ ઘરે - ઘરે જઈને પચીસ હજાર મહિલાઓના નામ, સરનામા અને ફોન નંબર સહિતની માહિતીની નોંધણી કરી લીધી છે. આમ છતાં જે વિસ્તારમાં હજુ મહિલાઓના રજીસ્ટ્રેશન માટે કાર્યકર્તાઓ ન પહોંચી શકયા હોય તેમણે છેલ્લી તા.૧૨ જાન્યુઆરી શુક્રવાર સુધીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે. (મો. ૯૪૦૮૬ ૨૫૫૨૪) રાજકોટ શહેરમાં ઉમિયા સંકલ્પ યાત્રા વોર્ડ વાઈઝ ઘરે - ઘરે ફરશે ત્યારે પ્રવેશ - ભોજન પાસ, બુક મેળવવાનો પાસ તથા પરિવારનું માહિતીપત્રક આપવામાં આશે જે અચુકપણે લઈને સ્નેહમિલનમાં બપોરે ૩:૩૦ કલાકે સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જેમાં રાજકોટ શહેરમાં ઉમિયા સંકલ્પ યાત્રા વોર્ડ નં.૧૨માં તા.૫ જાન્યુ. ને શુક્રવાર વોર્ડ નં. ૧૩માં તા. ૬ જાન્યુ.ને શનિવાર, વોર્ડ નં.૯માં તા.૭ જાન્યુ. ને રવિવાર, વોર્ડ નં. ૧૧માં તા.૮ને જાન્યુ.ને સોમવાર, વોર્ડ નં. ૮માં તા.૯ જાન્યુ.ને મંગળવાર, વોર્ડ નં. ૧૦માં તા.૧૦ જાન્યુ. ને બુધવાર, વોર્ડ નં. ૩માં તા.૧૧ જાન્યુ.ને ગુરૂવારે મહિલા મંડળ ઘરે - ઘરે જઈ મહિલા સંમેલનનું નિમંત્રણ પાઠવશે.

આ સંમેલનને જાણીતા કોલલીસ્ટ અને વકતા શ્રી જય વસાવડા તથા શ્રી નેહલ ગઢવી ભટ્ટ સંબોધિત કરશે. સંમેલનની બહેનો દ્વારા વકતાઓ સાથે પ્રશ્નોતરી તથા ચર્ચા સભા પણ થશે. આ સંમેલનથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કડવા પાટીદાર સમાજને એક નવજાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવશે અને વધુ આનંદની વાત એ છે કે આ સમાજ જાગૃતિ અભિયાનનો પ્રારંભ મહિલાઓ દ્વારા આ સંમેલનને સફળ બનાવવા માટેની તમામ તડામાર તૈયારીઓ થઈ રહી છે.

જય વસાવડા - નેહલ ગઢવી ભટ્ટ સંમેલનને સંબોધશે : ૨૯ મુદ્દાની પ્રશ્નોત્તરી

૧)   સાસુ અને વહુએ મા - દિકરીની જેમ રહેવા શું કરવું જોઈએ?

૨)   શું વહુઓની ફરજ નથી કે પોતે ઘરમાં દિકરી થઈને રહે? શું તેને પોતાની              સાસુને 'મા'ની જેમ રાખવી ન જોઈએ?

૩)   જો સાસુઓ દિકરી અને વહુમાં અંતર રાખે તો તે યોગ્ય છે?

૪)   સાસુ પણ કોઈની દિકરી જ છે છતાં પોતાની વહુ પાસે સ્ત્રીભૃણ હત્યા શા માટે           કરાવે છે?

૫)   સાસુ - વહુ વચ્ચેના ઝઘડાના મુખ્ય કારણો કયાં હોય છે? તેમના સંબંધો               સુધારવા કઈ કઈ બાબતોની આવશ્યકતા છે?

૬)   સાસુ - વહુના સંબંધો મધુરતાપૂર્ણ રહે તે માટે પતિની ભૂમિકા કેવી હોવી                જોઈએ?

૭)   સાસુ - વહુના સંબંધો મિઠાશભર્યા રહે તે માટે પરિવારની દિકરીનો અભિગમ            કેવો હોવો જોઈએ?

૮)   સાસુએ વહુને કઈ રીતે રાખવી જોઈએ?

૯)   સાસરીયામાં સારી રીતે રહેવા માટે ''માં'' એ દિકરીને કયા પ્રકારની ટ્રેનીંગ               આપવી જોઈએ?

૧૦) ઘરની વહુ માટે સાસુ, સસરા, પતિ, જેઠાણી, નણંદ વગેરેનો અભિગમ કેવો             હોવો જોઈએ?

૧૧) વહુથી જો ભૂલ થતી હોય તો તેને સુધારવા સાસુએ શું કરવું જોઈએ?

૧૨) દિકરીએ સાસરે આવ્યા પછી પોતાના પિયર પ્રત્યેનો વ્યવહાર કેવો રાખવો             જોઈએ?

૧૩) પોતાના ભવિષ્યના સુખી જીવન માટે દિકરીએ કયા પ્રકારની તૈયારી કરવી             જોઈએ અને પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ? કયાં પ્રકારના સંસ્કારો          કેળવવા જોઈએ?

૧૪) માતા - પિતાએ સાસરે ગયેલી પોતાની દિકરી અને તેના પરિવાર પ્રત્યે કયા           પ્રકારનો વ્યવહાર રાખવો જોઈએ?

૧૫) આંતર જ્ઞાતિય લગ્ન કરેલ દિકરીને વહુ તરીકે કેવી રીતે સ્વીકારવી?

૧૬) સ્ત્રીઓની પુરૂષ સાથેની અસમાનતા દૂર કરવાની જાહેરાતો તો ખૂબ થાય છે,            પરંતુ સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ સુધારો કેમ થતો નથી?

૧૭) મહિલાઓ પરના અત્યાચારોના કારણો શું છે અને તેના ઉપાયો માટે શું કરવું           જોઈએ.

૧૮) કેળવણી લેવાથી મહિલાઓ પરના અત્યાચારો અટકશે તેમાં આપ માનો છો?

૧૯) માત્ર કાયદાઓ બનાવી દેવાથી મહિલાઓ પરના અત્યાચારો અટકશે તેમ               આપ માનો છો?

૨૦) મહિલાઓ પર અત્યાચારો કેવા કેવા કારણોસર થાય છે?

૨૧) મહિલાઓની સમસ્યાઓ કોણ ઉકેલશે? કેવી રીતે ઉકેલશે?

૨૨) પ્રચાર માધ્યમો દ્વારા રોજ ઉઠીને આપણે જાણીએ છીએ કે ઘર કંકાશને કારણે           બહેનો બળી મરી, આપઘાત કર્યો, બાળકોને મારી નાખી પોતે આત્મહત્યા કરી           લીધી, તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે તે માટે શું કરવું જોઈએ?

૨૩) ગ્રામ્ય વિસ્તારની બહેનોની હાલત સુધારવા શું કરવું જોઈએ?

૨૪) શું આજની નારી ખરેખર સ્વતંત્ર છે? કે સ્વરછંદી છે?

૨૫) શું આજની નારી પુરૂષ સમોવડી છે?

૨૬) આજે વિભકત કુટુંબની વધતી સંખ્યા અટકાવવા શું કરવુ જોઈએ? સંયુકત              પરિવારના શું ફાયદાઓ છે?

૨૭) આજે છૂટાછેડાના વધતા જતાં બનાવો અટકાવવા શું કરવું જોઈએ?

૨૮) આપણી દિકરી માત્ર જોયા વગર આંતરજ્ઞાતીય લગ્ન કરે તેવા કિસ્સા ઓછા            બને તેની સમજ આપવી

૨૯)    આપણે માતા-પિતાની સાથે રહીએ છીએ પરંતુ માતા - પિતા આપણા સાથે                   રહેતા નથી તેવુ વિચારતા થવુ જોઈએ તેની ચિંતા પરીવારના સભ્યોએ કરવી જોઈએ.

(3:32 pm IST)