Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કૂચીયાદળ પ્રકરણઃ નવી જૂની શરતો-વેચાણના વ્યવહાર તથા પ્રિમીયમ હુકમ રદ્દ કરતા કલેકટરઃ હાઈવેવાળી જગ્યા ખાલસા

મૂળ સાથળીવાળી જગ્યા ચાલુ રખાતા આશ્ચર્યઃ બીનખેતીમાં નવા સોફટવેરમાં ૧૦ હજાર ડેટા એન્ટ્રી પુરી : રૂડાનો ૫૨ ગામોને નર્મદાનું પાણી આપતો ૪૦૦ કરોડનો પ્રોજેકટનો ડીપીઆર તૈયારઃ ૨ દિ'માં સરકારમાં મોકલાશે

રાજકોટ, તા. ૧૭ :. આજે રાજકોટ કલેટરશ્રી રાહુલ ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીતમાં ખળભળાટ મચાવનાર રાજકોટ તાલુકાના કૂચીયાદડ જમીન કૌભાંડ અંગે માહિતી આપતા ઉમેર્યુ નવી-જૂની શરતોમાં ફેરવતી મામલતદારની એન્ટ્રી, વેચાણના થયેલા વ્યવહારો, પ્રાંત દ્વારા પ્રિમીયમ ભરવાનો હુકમ વિગેરે તમામ બાબતો પોઈન્ટ ઓફ વ્યુ અને કેસો ચલાવી-અભ્યાસ કરી રદ્દ કરી દેવાયાનું ઉમેર્યુ હતું.

આ ખળભળાટ મચાવતી કરોડોની જગ્યા મૂળ સાથણીદાર કોળી રવા મુળુને અપાઈ હતી, તેની પાસેથી સર્વે નં. ૨૫૬ પૈકી ૪૧ની આ ૧૮૨૧૧ ચો.મી. જગ્યા જે તે સમયે માલતીબેન બચુભાઈ આત્રોલીયાએ ખરીદી હતી.

આ પછી આ જગ્યાને બદલે માપણીમાં હાઈવેવાળી જગ્યા દેખાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ પ્રકરણ અંગે તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ડે. કલેકટર-મામલતદાર સામે નોટીસો તો સર્કલ ઓફિસરને સસ્પેન્ડ કરવાના અને માપણીદારો સામે ખાતાકીય પગલા લેવા અંગેના હુકમો કર્યા હતા. ઘટનાએ આ કેસે મહેસુલી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી હતી.

આ પછી વર્તમાન કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ વધુ આકરા પગલા લઈ ઉપરોકત ચુકાદાઓ આપી દઈ હાઈવેવાળી જગ્યા શ્રી સરકારે દાખલ કરતો પણ હુકમ કરી દીધો છે અને મૂળ સાથણીદારની જગ્યા ચાલુ રાખી મામલતદારે પાડેલ એન્ટ્રી, પ્રાંતના હુકમો રદ્દ કરી નાખતા સન્નાટો પ્રસરી ગયો છે.

દરમિયાન બીનખેતીમાં આવી રહેલ અદ્યતન સોફટવેર તથા બીનખેતીમાં આવી રહેલ સુધારાઓ અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે સરકાર દ્વારા પ્રોવાઈડ થયેલ સોફટવેર ઓપન કરી લેવાયુ છે અને ૧૦૭૦૦ જેટલી ડેટા એન્ટ્રી કરી દેવાઈ છે. જેમાં બીનખેતીના કેસ, યુએલસી, જમીન સંપાદન, સૂચિત, એએલસીના કેસ સહિતની બાબતોનો સમાવેશ થાય છે અને બે દિવસમાં હજુ ૫ હજાર એન્ટ્રી કરી લેવાશે.

રૂડાનો ૪૦૦ કરોડનો પ્રોજેકટ

રૂડાના ૫૨-ગામોને નર્મદાનું પાઈપ લાઈન દ્વારા રોજ પાણી અંગે રૂડાનો એશીયન ડેવલપમેન્ટ બેંકની લોનવાળા પ્રોજેકટ અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે, ટાટા કંપની તરફથી આનો ડીપીઆર આવી ગયો છે, જે બે દિ'માં સરકારમાં મોકલી દેવાશે, તે પછી ટેન્ડરીંગ અને ચોમાસા પછી કામ શરૂ કરી દેવાશે.

સૂચિત સોસાયટી અંગે કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે નોંધમાં રાજકોટ રાજ્યભરમાં પ્રથમ નંબરે છે.(૨-૨૦)

(4:13 pm IST)