Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પડધરીના હડમતીયા ગામના ડખ્ખામાં શિવરાજસિંહ જાડેજાની વળતી રજૂઆત

શિવરાજસિંહે કહ્યું-મારા કાકા દિલુભાને પાઇપ-ધોકા ફટકારી ગંભીર ઇજા પહોંચાડાઇ હતીઃ તેનું નિવેદન નોંધ્યુ પણ ફરિયાદ હજુ નોંધી નથી

રાજકોટ તા. ૨૪: પડધરીના હડમતીયામાં હુમલો અને લૂંટની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદ અંતર્ગત રજૂઆત થયા બાદ સામા પક્ષે શિવરાજસિંહ આર. જાડેજાએ વળતી રજૂઆત કરી છે કે પોતાના કાકા દિલુભા જાડેજા ઉપર પણ લાકડી અને પાઇપથી હુમલો થયો હતો અને નાકમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. આ મામલે રાજકોટ હોસ્પિટલ ચોકી મારફત નિવેદન નોંધી પડધરી પોલીસને મોકલાયું હોવા છતાં કોઇપણ ગુનો નોંધવાની કાર્યવાહી થઇ નથી.

શિવરાજસિંહે રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. ૧૧-૪ના રોજ રાત્રે ગામના હરિજનવાસ પાસે ડાંગરાના રસ્તા પર મોટરસાઇકલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં મારા કાકા દિલુભા મહિપતસિંહ જાડેજાની સાથે ખાખરાના રહેવાસી મહિપતસિંહ પથુભા (દાજીભી)ના નાના દિકરાએ માથાકુટ કરી હતી. તેણે મારા કાકા સાથે મોટર સાઇકલ ભટકાડ્યું હતું બાદમાં ખાખરાના બીજા શખ્સો સાથે મળી કાકા દિલુભા પર  લાકડી પાઇપથી હુમલો કરી ત્રણ દાંત પાડી નાંખ્યા હતાં. તેમજ નાક પર અને ડાબી આંખ પર ઇજા કરી હતી. આ અંગેનો સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ, એકસરે રિપોર્ટ પણ પોલીસમાં રજૂ કરાયા છે. છતાં આમ છતાં ફરિયાદ દાખલ થઇ નથી.

મારા કાકા સારવાર માટે રાજકોટ દાખલ થયા હતાં. ત્યાં હોસ્પિટલ ચોકી મારફત નિવેદન નોંધી પડધરી મોકલાયુ હતું. પરંતુ કોઇપણ કારણોસર પડધરી પોલીસે હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધી નથી. ઘવાયેલા દિલુભા હાજર થશે પછી ફરિયાદ દાખલ કરીશું તેમ જણાવાયું હતું. આ અંગે તાકીદે યોગ્ય કરવા અમારી માંગણી છે. તેમ શિવરાજસિંહે વળતી રજૂઆતમાં જણાવ્યું છે.

(12:34 pm IST)