Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રણુજામાંથી પાંચ વર્ષથી લાપતા શિલ્પાબેન ટાંક પીરવાડી પાસેથી હેમખેમ મળ્યા

એન્ટીહયુમન ટ્રાફીકીંગ સ્કવોડની ટીમે મહિલાને શોધી પરીવારને સોંપી

રાજકોટ, તા., ૧૧: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાંથી પાંચ વર્ષથી લાપતા કડીયા મહિલાને એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ સ્કવોડની ટીમે પીરવાડી પાસેથી શોધી કાઢી હતી.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા શીલ્પાબેન ભાવેશભાઇ ટાંક (ઉ.વ.૩૭) ગત તા.૯-૧ર-ર૦૧પના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના ભાવનગર ખાતે રહેતા ભાઇએ તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. પોલીસે તપાસ કરતા પણ મહિલાનો કોઇ પતો ન લાગતા તેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. બાદ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા આ તપાસ રાજકોટ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ સ્કવોડને સોંપવામાં આવી હતી. દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા મીસીંગ સેલ અને એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટના નોડલ ઓફીસર જયદીપસિંહ સરવૈયાની સુચનાથી સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એએસઆઇ જોષી, મહેતા, એએસઆઇ ચંદ્રકાંતભાઇ, હેડ કોન્સ. બાદલભાઇ, જગદીશભાઇ, કિશોરદાન, મયુરસિંહ અને જયદેવસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. બકુલભાઇ, ધર્મેન્દ્રસિંહ, દીગ્વીજયસિંહ, જયપાલસિંહ તથા મહંમદ અઝરૂદીનભાઇ બુખારીને મળેલી બાતમીના આધારે શીલ્પાબેન ભાવેશભાઇ ટાંક (ઉ.વ.૩૭)ને પીરવાડી પાસે માધવ રેસીડેન્સીમાંથી શોધી કાઢી તેના પરીવારજનોને જાણ કરવામાં આવી હતી.

કડીયા મહિલાને પતિ શંકા-કુશંકા કરી મારકુટ કરી ત્રાસ આપતો હોઇ તેથી કંટાળી તેણે પાંચ વર્ષ પહેલા ઘર છોડયું હતું. બાદ તે પીરવાડી પાસે એક મહિલા સાથે રહેતા હતા અને છાત્રોની હોસ્ટેલમાં રસોઇ બનાવવાનું  કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા  હતા.

પોલીસે ભાવનગર ખાતે રહેતા તેના ભાઇને જાણ કરી તેને સોંપવા તજવીજ હાથ ધરી છે.

(3:56 pm IST)