Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટમાં ઈદે મિલાદુન્નબીની અનોખી ઉજવણી : કોમી એકતાના થયા દર્શન

'કલામે ઈલાહી મેં લીખા હુઆ હૈ કોઈ ભી મોહમ્મદ કે જૈસા નહિં હૈ, જો રૂતબા ખુદાને નબી કો દીયા હૈ કિસી ઔર કા ઐસા રૂતબા નહિં હૈ' : અનેક હિન્દુ આગેવાનો પણ જોડાયા : આમ ન્યાઝમાં વેજીટેબલ બિરયાની અને મિઠાઈ પિરસાઈ : મુસ્લિમ સમાજના 'અવ્વલ અને આખરી' મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણીમાં આસ્તાના - એ તુર્કીયાના બાળકોની 'તકરીરે' સૌના દિલ જીતી લીધા : યુસુફભાઇ જુણેજા

રાજકોટ : સમગ્ર દેશ અને દુનિયામાં મુસ્લિમ સમાજના હબીબ મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવાતા અને મુસ્લિમ સમાજમાં જેની સૌથી મોટા તહેવાર તરીકે ગણના થાય છે તેવા ઈદ-એ- મિલાદુન્નબીની રાજકોટમાં અનોખી ઉજવણી થઇ હતી.

ઇદના તહેવારની હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ એક સાથે મળીને હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી કરી હતી. આ તકે હિન્દુ-મુસ્લિમ સમાજના આશરે હજારોની સંખ્યામાં લોકોએ આમ ન્યાઝનો લાભ લીધો હતો. યૌમુન્નબી કમિટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હોય.

કોઇ શાયરે ખુદાના અત્યંત પ્યારા મોહમ્મદ પૈયગમ્બર સાહેબની શાનમાં લખ્યું છે કે 'કલામે ઇલાહી મેં લીખા હુઆ હે, કોઇ ભી મોહમ્મદ કે જૈસા નહી હૈ, જો રૂતબા ખુદાને નબી કો દિયા હૈ, કિસી ઔર કા એસા રૂતબા નહી હૈ. મોહમ્મદ પૈયગમ્બર સાહેબની શાનમાં શાયરે વધુમાં લખ્યું છે કે 'યારે નબી પે કૈસા ખુદા મહેરબાન હૈ, સદકે મેં મોહમ્મદ કે બનાયે જહાં હૈ, અવ્વલ નબી ભી આપ હૈ, આખીર નબી ભી આપ, ઈસકી ગવાહી દેતા ખુદા કા કુરઆન હૈ, યે મોહમ્મદ કો શાન હૈ...

રાજકોટમાં યૌમુન્નબી કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજા સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝૂલૂસ, આમ ન્યાઝ, આસ્તાના-એ-તુર્કિયાના બાળકો દ્વારા ઇંગ્લીશમાં તકરીર, નાત શરીફ અને દેશમાં અમન, શાંતિ, ભાઇચારો અને કોમી એખલાસની ભાવના રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી.

શહેરના લઘુમતી વિસ્તારો ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો ઝૂલૂસમાં જોડાયા હતા. ઝૂલૂસમાં સૌથી વધુ આંખ ખેંચે તેવી ઘટના એ હતી કે તમામ મુસ્લિમ બિરાદરોના બાઈક અને કાર પર તિરંગા લહેરાતો હતો. જે મુસ્લિમોની દેશદાઝ વ્યકત કરતું હતું.

યૌમુન્નબી કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાના વડપણ હેઠળ હાજી મુસાભાઇ જુણેજા, હનીફભાઇ જુણેજા, નાસીરભાઇ જુણેજા, યુનુસભાઇ જુણેજા (લક્કી) આસીફભાઇ સલોત, એજાજબાપુ બુખારી, રાજુભાઇ દલવાણી, રજાકભાઇ જામનગરી, ઇંલુભાઇ શમા, હારૂનભાઇ શાહમદાર, રાજનભાઇ જુણેજા, ફારૂકભાઇ કટારીયા, ઈબુભાઇ શેખ (આઇં.કે.સિલેકશન), આરીફભાઇ ચાવડા, સૈયદ મુન્નાબાપુ, ઇરફાન સાહીબ, હાજી ઇકબાલ ભાણુ, હાજીભાઇ ઓડીયા, ઇકબાલભાઇ સક્કરીયાણી, હાસમભાઇ પ્યારે, તારીફભાઇ સુમરા, બાબાભાઇ ગુડલક, ઇસ્માઇલભાઇ ખીયાણી, અલ્લાઉદીનભાઇ કારીયાણીયા, કકુભાઇ સાંધ, મહમદભાઇ લાખાણી, હાજી આસીફભાઇ દલવાણી, નાગજીભાઇ પટેલ, વજુભાઇ પટેલ, મનસુખભાઇ રતલામ, લીલાધરભાઇ પટેલ, ભાનુભાઇ ડાંગર, પદુભા જાડેજા, મુકેશભાઇ પટેલ (ગવરીદળ), ચંદુભાઇ પટેલ (ગવરીદળ), ડો.દિલાવરભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

ઇદ-એ-મિલાદના પ્રસંગે રેસકોર્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના હરીભાઇ ભગવાનભાઇ ડોડીયા (પ્રાંત અધ્યક્ષ), ભૂપતભાઇ ગોવાણી (પ્રાંત મંત્રી), શાંતુભાઇ રૂપારેલીયા (નગર પ્રમુખ), હરેશભાઇ ચૌહાણ (બજરંગ દળ પ્રદેશ પ્રમુખ), હસુભાઇ ચંદારાણા (નાયબ કાર્યપાલ પ્રમુખ) પણ ભાગ લેવાનું ચૂકયાં ન હતા અને તેઓએ યૌમુન્નબી કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજા તથા આગેવાનોના મીઠાઇથી મોં મીઠા કરાવ્યા હતા અને મુસ્લિમ સમાજના દિવાળી જેવા મનાતા તહેવારમાં સામેલ થઇ પોતાની ખુશી વ્યકત કરી હતી.

હિન્દુ બિરાદરોએ પણ પ્રસાદ લીધો

મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસ નિમિતે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ આમ ન્યાઝો કાર્યક્રમ મુસ્લિમ પુરતો મર્યાદીત રહ્યો ન હતો. યૌમુન્નબી કમિટી કાયમી કોમી એકતામાં માનતી હોય આમ ન્યાઝમાં વેજીટેબલ બિરયાની અને મિઠાઇ જ પીરસવામાં આવી હતી. આમ ન્યાઝમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ બિરાદરોએ પણ લાભ લીધો હતો જે ઐતિહાસીક ઘટના માનવામાં આવે છે.

વિ.હી.પ.ના આગેવાનોનું સન્માન

આસ્તાના-એ-તુર્કિયા કે જે સંસ્થાનું સંચાલન છેલ્લા ઘણા સમયથી હાજી યુસુફભાઇ જુણેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેના બાળકોએ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લીશમાં તકરીર રજૂ કરી સૌને દંગ રાખી દીધા હતા. પૈયગમ્બર સાહેબના જન્મદિવસ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં આસ્તાના-એ-તુર્કિયાના બાળકો દ્વારા ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના આગેવાનોનું સંસ્થા દ્વારા દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવતા મેગેઝીન અર્પણ કરી સન્માન કરાયું હતું. આ મેગેઝીનમાં કોમ્પીટીવ એકઝામ સહિતની રસપ્રદ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

યૌમુન્નબી કમિટીની અપીલ : શરિયતનું પાલન

રાજકોટમાં મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસની શાનો શૌકાતથી ઉજવણી કરવા માટે યૌમુન્રબી કમિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો અને પૈયગમ્બર સાહેબની શાલગીરાહમાં કોઈ 'ઓછક' ન આવે તે માટે કમીટી દ્વારા શરીયત મુજબ સૌને કાર્યક્રમમાં ઉપસ્થિત થવા અપીલ કરવામાં આવી હતી. જેમાં ઝૂલુસમાં ફટાકડા ન ફોડવા, કેક ન કાપવી અને મહિલાઓએ પર્દાનશીન થઈને આવવા અપીલ કરવામા આવી હતી. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:22 pm IST)