Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રૂ. બે લાખનો ચેક પાછો ફરવા અંગેના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૦: રાજકોટ શહેરમાં જામનગર રોડ પર પુનિતનગર-ર, શેરી નં. ૪, પ્રેસ કોલોની પાછળ, રાજકોટમાં રહેતા દિપેશભાઇ ચંદ્રકાંતભાઇ પરમારે જામનગર મુકામે રહેતા આરોપી મનોજભાઇ જમનભાઇ ગધેથરીયા વિરૂધ્ધ કેબલ નાખવા માટે બ્લોઇંગ મશીન તથા ડીઝલ એન્જીન હાઇડ્રોલીક મશીન ભાડાની રકમ રૂ. ર,૦૦,૦૦૦/- ચુકવવા આપેલ ચેક રીર્ટન થતા તે સબંધે ફોજદારી ફરીયાદ, ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એન. જી. સુરતી એ આરોપી મનોજ જમનભાઇ ગધેથરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતો જોઇએ તો ફરીયાદી રાજકોટ મુકામે રહેતા હોય અને કેબલ બ્લોઇંગ મશીન તથા ડીઝલ એન્જીન હાઇડ્રોલીક મશીન ભાડે આપવાનું કામ કરતા હોય, અગાઉ ફરીયાદી રીલાયન્સમાં નોકરી કરતા હોય ત્યારે આરોપી મનોજભાઇ પણ કેબલ બ્લોઇંગનું કામ કરતા હોય આરોપીની ફરીયાદી સાથે ઓળખાણ થયેલ. તેમજ આરોપીને ટેલીફોન લાઇન નાખવા અંગેનો કોન્ટ્રાકટ મળેલ, જેથી ફરીયાદી પાસેથી મશીન માસિક રૂ. ૩પ,૦૦૦/-ના ભાડેથી ભાડે રાખેલ, જેના છ મહિનાની ભાડાની રકમનો ચેક આરોપીએ ચેક આપેલ, જે ચેક 'ડ્રોઅર્સ સીગ્નેચર ડીફર્સ'ના શેરા સાથે રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા આરોપીને હાજર રહેવા સમન્સ કરવામાં આવેલ અને કેસ ચાલવા પર આવતા ફરીયાદીએ મૌખિક સાથે દસ્તાવેજી પુરાવો આપેલ અને આરોપીએ મૌખિક પુરાવો આપેલ અને બન્ને પક્ષે વિગતવાર દલીલો પૈકી આરોપીના એડવોકેટ સહદેવ દુધાગરા દ્વારા જુદા જુદા ચુકાદાઓ સાથે લંબાણપૂર્વકની રજુઆતો કરેલ હતી.

તહોમતદારે ફરીયાદી પાસેથી મશીન ભાડે લીધેલ હોવાનો એકપણ લેખિત પુરાવો ફરીયાદી રજુ કરેલ નથી. આમ ફરીયાદપક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ નિવડેલ છે, અને ચેકનું એકઝીકયુશન થયું તે સમયે કોઇ લીગલ ડેબ્ટ અસ્તિત્વ ધરાવતું હતું તેવું દર્શાવતો કોઇ પુરાવો રજુ કરેલ નથી અને લીગલ ડેબ્ટ પુરવાર કરી શકેલ નહીં, તેવી હકીકતો માની રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે આરોપી મનોજ ગધેથરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં આરોપી મનોજ ગધેથરીયા વતી રાજકોટના એડવોકેટ યુવા એડવોકેટ સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની રોકાયેલા હતા.

(4:02 pm IST)