Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૧૩ વર્ષની સગીરા ઉપરના બળાત્કાર-પોકસોના કેસમાં 'ચાર્જશીટ' બાદ આરોપીના જામીન નામંજુર

સમાધાનના સંદર્ભે થયેલ ફરીયાદીનું સોગંદનામુ ધ્યાને લઈ શકાય નહિઃ કોર્ટ

રાજકોટ, તા. ૨૦ :. ચાર્જશીટ ફાઈલ થયા બાદ કેસના ગુણદોષ કે કોઈ સંજોગો બદલાયેલ ન હોય સગીરવયની બાળા પર દુષ્કૃત્યના ગુન્હાના આરોપીની પુનઃ જામીન અરજી સેન્સસ કોર્ટે નકારી કાઢી હતી.

આ કેસની હકીકત એવી છે કે મેટોડા ગામ (મોટા રામપર) તા. પડધરી જિ. રાજકોટના રહે. આરોપી લાલજી ઉર્ફે લાલો ચુડાસમા વિરૂદ્ધ ફરીયાદી દ્વારા એવી ફરીયાદ કરવામાં આવેલ કે તેણીની સગીર વયની પુત્રીની ઉ.વ. ૧૨ વર્ષ ૮ માસવાળીને આરોપી અરજદાર તેમના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ દુષ્કૃત્ય આચરેલ હતું.

અરજદાર આરોપી દ્વારા જામીન ઉપર છુટવા હાલની અરજી કરતા જણાવેલ કે તેઓ દ્વારા અગાઉ જામીન અરજી તપાસ ચાલુ હોવાના કારણસર રદ કરવામાં આવેલ બાદમાં તેઓ વિરૂદ્ધના ગુના સબબ તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઈલ થતા સંજોગો બદલાયેલ હોય અરજદારને પુનઃ જામીન ઉપર મુકત થવા હાલની અરજી કરેલ.

સરકાર પક્ષે એ.પી.પી. અનિલ એસ. ગોગિયા હાજર થઈ જામીન અરજી વિરૂદ્ધ તપાસ અધિકારીનો અભિપ્રાય, પોલીસ તપાસના કાગળો તેમજ ચાર્જશીટ રજુ કરેલ અને દલીલો કરતા જણાવેલ કે અરજદાર આરોપી વિરૂદ્ધ ગંભીર ગુન્હા સબબનો આક્ષેપ છે. મુળ ફરીયાદીએ રજુ કરેલ સોગંદનામુ પોલીસ તપાસનો ભાગ ન હોય તે ધ્યાને લઈ શકાય નહી જેથી અરજદાર આરોપી દ્વારા કરવામાં આવેલ પુનઃ જામીન રદ કરવા રજુઆત કરેલ હતી.બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજકોટના એડીશનલ સેસન્સ જજ અને સ્પે. જજ પોકસો દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે ચાર્જશીટ ફાઈલ થવાથી કેસના કોઈ ગુણદોષો બદલાયેલા હોય તેવું અરજદાર તરફે દર્શાવી શકેલ નથી. અરજદાર વિરૂદ્ધ ઈ.પી.કો. તેમજ બાળકોના અધિનિયમ ૧૨ મુજબના ગુન્હાના આક્ષેપો છે. ભોગ બનનારની ઉંમર બનાવ વખતે ૧૩ વર્ષ કરતા ઓછી હોવાનું તપાસ કાગળો પરથી માલુમ પડે છે તેમજ મુળ ફરીયાદીએ હાલની આ અરજીના કામે કરેલ એ પોલીસ તપાસનો કોઈ ભાગ ન હોય જેથી તે ધ્યાને લઈ શકાય નહીં. આમ કેસના ગુણદોષમાં કોઈ ફેરફાર થયેલ ન હોય જેથી ચાર્જશીટ બાદ જામીન પર મુકત થવા માટે રજુ થયેલ હાલની આ ફોજદારી પરચુરણ અરજી રદ કરતો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગીયા એ રજુઆત કરેલ.

(4:00 pm IST)