Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની હડતાલ બીજા દિ'માં પ્રવેશીઃ બાળકો માટે ભોજન અંગે દોડધામ

સોમવારથી ગંભીર અસર થશેઃ રાજકોટ તાલુકા સિવાય અન્ય તાલુકામાં ભોજન અપાયું: ડે.કલેકટરનો નિર્દેશ

રાજકોટ તા. રર :.. પગાર વધારો અને ભોજનનું મેનું, કરિયાણુ-શાકભાજી વગેરે વપરાશનાં નિયમોમાં વિસંગતતાઓ સહિતનાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે  રાજયભરનાં મધ્યાહન ભોજન કેન્દ્રનાં રસોયાઓ સહિત હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હડતાલ પર ઉતરી ગયા ને આજે બીજો દિવસ છે, હડતાલ આજે ઉગ્ર બની છે, સોમવારથી તો ગંભીર અસર થવાની શકયતા ઉભી થઇ છે. હડતાલના કારણે રાજયભરનાં મધ્યાહન ભોજન કેન્દ્રનાં અંદાજે ૩પ લાખ જેટલાં બાળકો ભુખ્યા રહેશે. જો કે રાજકોટ શહેરના બાળકોને ભોજન મળશે.

રાજકોટ જીલ્લાના ૧૦૦૦ થી વધુ કેન્દ્રોમાં ભોજન લેતા ૧ લાખ ૧ર હજારથી વધુ બાળકોને ભોજન પહોંચાડવા અંગે સરકારી તંત્ર ભારે દોડધામ કરી રહ્યું છે, રાજકોટ જીલ્લાના ૧૦૩ર થી વધુ કેન્દ્રોના રસોયા- સંચાલકો હડતાલ ઉપર ઉતરી ગયા છે. દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટરે ઉમેર્યુ હતું કે અમે વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવી છે.  તલાટી - સરપંચ સહિતની મદદ લેવાઇ છે, સ્કુલોના પ્રિન્સીપાલ-સંચાલકોને પણ તૈયાર ભોજન અંગ સુચના આપી છે.

આ હડતાલથી રાજકોટ જીલ્લાનાં અંદાજ ૧ાા લાખ બાળકો ભુખ્યા રહેશે તેમ કર્મચારી મંડળે જાહેર કરી અને સરકાર આ પ્રશ્નો અંગે સહાનુભૂતિ પૂર્વક વિચારી ગરીબ બાળકોનાં આરોગ્યને ધ્યાને લઇ તાત્કાલીક પગાર વધારા સહિતનાં પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવાઇ છે.  દરમિયાન ડે. કલેકટરશ્રી પટેલે ઉમેર્યુ હતું કે રાજકોટ તાલુકા સિવાય અન્ય તમામ ૯ તાલુકામાં ભોજનની વ્યવસ્થા થઇ ગઇ છે, રાજકોટ-તાલુકામાં સંચાલક મહેશભાઇ સામે હવે એકશન લેવાશે. (પ-ર૦)

(3:57 pm IST)