Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

આરટીઓમાં સાહિલ પાયકની હત્યાના ગુનામાં ફરાર અમરિશ ઉર્ફ કનુ ગોહેલ સહિત ૬ને બેટીના પુલ પાસેથી પકડી લેવાયા

રેડિયમ પટ્ટી વગર ટ્રકનું પાસીંગ કરાવવા મામલે ઝઘડો થતાં આહિર શખ્સે બીજા પાંચ જણા સાથે મળી છરીના ઘા ઝીંકી હત્યા કરી'તીઃ બીજા રાજ્યમાં ભાગી ગયા'તાઃ બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની સંયુકત કામગીરીઃ બ્રેઝા કાર અને છરી કબ્જે : હત્યા બાદ હરિદ્વાર, પુષ્કર અને દિલ્હીમાં રખડતા રહ્યાનું રટણઃ તમામની આગવી ઢબે પુછતાછ

માહિતી આપી રહેલા ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. એચ. એમ. ગઢવી, વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ધાખડા અને ટીમ તથા ઝડપાયેલા આરોપીઓ જોઇ શકાય છે. હત્યાનો ભોગ બનનારના પરિવારજનોએ પોલીસનો આભાર વ્યકત કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. તે છેલ્લી તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: આરટીઓમાં તેર દિવસ પહેલા દૂધ સાગર રોડ પર રહેતાં અને આરટીઓ ખાતે વાહનોમાં રેડિયમ પટ્ટી લગાડવાનું કામ કરતાં ઘાંચી યુવાન સાહિલ હનીફભાઇ પાયક (ઉ.૨૫)ની તેના જ ભાઇ અને મિત્રોની નજર સામે કોઠારીયા રોડના આહિર શખ્સ સહિત છ જણાએ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ટ્રકમાં રેડિયમ લગાડ્યા વગર પાસીંગ માટે આહિર શખ્સે માથાકુટ કરી હતી. એ પછી સમાધાન કરી લીધા બાદ કાવત્રુ ઘડી હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ગુનામાં ફરાર આ શખ્સ સહિત છ જણાને બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ કુવાડવાના બેટીના પુલ પાસેથી પકડી લઇ ગુનામાં વપરાયેલી કાર તથા છરી કબ્જે કરી છે. હત્યા બાદ બધા બીજા રાજ્યમાં ભાગી ગયા હતાં.

આરટીઓમાં ૧૫/૧૧ના બપોર બાદ હત્યાની ઘટના બની હતી. એ દિવસે સવારે કોઠારીયા રોડ વિસ્તારનો કનુ આહિર પોતાના ટ્રકનું પાસિંગ કરાવવા આવ્યો હતો. પરંતુ રેડિયમ લગાડાયા બાદ જ પાસિંગ થઇ શકે તેવી વાત રેડિયમનું કામ કરતાં આસીફ પાયકે કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું. એ પછી બપોર બાદ કનુ ટોળકી રચીને આરટીઓમાં ધસી આવ્યો હતો અને આસીફને છરીના ઘા ઝીંકી દીધા હતાં. વચ્ચે પડેલા તેના ભાઇ, મિત્રો ઉપર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આસિફ મોતને ભેટ્યો હતો.

હત્યાના બનાવમાં સતત ફરાર એવા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની તથા એસીપી જે. એચ. સરવૈયા અને એસીપી એસ.આર. ટંડેલે સુચના આપી હોઇ બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ દોડધામ ચાલુ રાખી હતી. દરમિયાન પીએસઆઇ એમ. એમ. ઝાલા અને હેડકોન્સ. મોહસિનખાન મલેક તથા કોન્સ. મહેશ ચાવડાને બાતમી મળી હતી કે  હત્યામાં સામેલ આરોપીઓ બ્રેઝા કાર જીજે૦૩કેએચ-૭૫૮૫માં કુવાડવાથી રાજકોટ તરફ આવી રહ્યા છે.

આ બાતમીને આધારે ટીમોએ બેટીના પુલ નજીક વોચ રાખતાં બાતમી મુજબની કાર આવતાં અટકાવીને તપાસ કરતાં અંદરથી મુખ્ય આરોપી અમરીશ ઉર્ફ કનુ નારણભાઇ ગોહેલ (ઉ.૩૯-રહે. કોઠારીયા રોડ, રણુજા મંદિર પાસે ગોકુલ પાર્ક-૧) તથા બીજા આરોપીઓ ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગા (ઉ.૨૪-રહે. રણુજા મંદિર સામે, ગોકુળ પાર્ક-૧), રાહુલ રાજુભાઇ ગોહેલ (ઉ.૨૩-રહે. રણુજા મંદિર સામે લાપાસરી રોડ ઋષિપ્રસાદ સોસાયટી-૧), નિતીન માધવજીભાઇ ડાભી (ઉ.૨૯-રહે. કોઠારીયા રોડ, હુડકો ચોકડી સિતારામ સોસાયટી-૧૦), મનસુખ કેશવભાઇ ઢોલરીયા (ઉ.૫૪-રહે. હરિ ધવા રોડ, વિનોદનગરની બાજુમાં, પુરૂષાર્થ સોસાયટી-૬) તથા મુકેશ ઉર્ફ કાનો ઉર્ફ કુલદીપ ખોડાભાઇ સોલંકી (ઉ.૩૨-રહે. કોઠારીયા રોડ, રણુજાનગર-૩) મળતાં છએયને સકંજામાં લેવાયા હતાં. પોલીસે ૪ લાખની કાર તથા હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી છે.

હત્યા બાદ બધા આરોપીઓ રાજ્ય બહાર ભાગી ગયા હતાં. તેઓ હરિદ્વાર, પુષ્કર અને દિલ્હીમાં રખડતા રહ્યા હતાં. પૈસાની ખેંચ ઉભી થતાં અને ઓનલાઇન પણ મળી શકે તેમ ન હોઇ પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે બેટી પાસે પકડી લેવાયા હતાં. તમામની ઓળખ પરેડ કરાવાશે તેમજ ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન કરાવાશે. છએયની પોલીસ કમિશનર કચેરી ખાતે આગવી ઢબે પુછતાછ થઇ હતી. 

આ કામગીરીમાં ઉપરી અધિકારીઓની સુચનાથી પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. મોહસીનખાન મલેક, મનોજભાઇ મકવાણા, કોન્સ. મહેશ ચાવડા, અજય બસીયા, મુકેશ ડામોર સહિતના જોડાયા હતાં.

(3:33 pm IST)