Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

નામચીન શકિત ઉર્ફે પેંડાના સાગ્રીત પાર્થરાજસિંહની હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ર૮: હોળીના દિવસે નામચીન શકિતસિંહ ઉર્ફે પેંડા સાગરીત એવા પાર્થરાજસિંહ ઉર્ફે ગટયા નું મર્ડર થયેલ. જેના આરોપમાં જેલમાં રહેલ આરોપી ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા એ ચાર્જશીટ પછીની રેગ્યુલર જામીન અરજી કરતા જે રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટ આ નામંજુર કરેલ છે.

આ ચકચારી કેસની વિગત જોઇએ તો ગત તારીખ ર૦/૩/૧૯ના રોજ આરોપીના ઘરની સામે લોહી લુહાણ હાલતમાં પાર્થરાજસિંહ ઉર્ફે ગટયો પડેલ હોવાની મરણ જનાના પિતાને જાણ કરતાં તેમણે તાત્કાલિક હોસ્પિટલ એ ખસેડવામાં આવેલ જયાં પાર્થરાજસિંહ ઉર્ફે ગટયા ને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ. જેથી પોતાના એકના એક દીકરાની ખૂનની ફરિયાદ હરદેવસિંહ જાડેજા રહે-૧પ૦ ફૂટ રિંગ રોડ, પુનિતનગરના ટાંકા પાસે વાળાઓએ તાલુકા સ્ટેશનમાં કરતાં તાલુકા પોલિસ સ્ટેશન એ આઇ.પી.સી.ની કલમ ૩૦ર, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩પ૯(૧) મુજબ ગુનો દાખલ કરેલ અને આ આરોપી તરીકે ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા રહે-૧પ૦ ફૂટ રોડ, પાણીના ટાંકા સામે, વૃંદાવન સોસાયટી શેરી નં. ૧પ રાજકોટ વાળાની ધરપકડ કરેલ.

આ ફરિયાદ મુજબ આ કામના આરોપીઓએ બનાવના બે મહિના અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી આ કામના મરણ જનાર પાર્થરાજસિંહ ઉર્ફે ગટયાને ઉપરોકત આરોપીઓએ ઘર પાસે જ છરી જેવા તીક્ષ્ણ હથિયારના જીવલેણ ઘા પેટમાં તથા છાતીના ભાગે આશરે આઠેક જેટલા ઘા મારી મૃત્યુ નિપજાવેલ હતું.

આ ગુનાના કામમાં જેલ હવાલે રહેલ આરોપીએ પોતાના વકીલ મારફતે રાજકોટની એડિશનલ સેશન્સ અદાલત ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન અરજી કરેલ.

મૂળ ફરિયાદીના વકીલ કુલદીપસિંહ જાડેજા એ પોતાની દલીલો તથા જામીન અરજી સામે વાંધાઓ રજૂ કરતાં જણાવેલ કે આ કામમાં એકથી વધારે નજરે જોનાર સાક્ષીઓ છે. અને તમામ આરોપીના ઘરની પાસે રહેતા હોય જો જામીન આપવામાં આવશે તો સાક્ષી પુરાવાને આરોપી હેમ્પર-ટેમ્પર કરે. આરોપી સામે મર્ડર જેવો ગંભીર ગુનો હોય જામીન પર છોડી શકાય નહીં. સરકાર તરફે કે. બી. ડોડીયા સાહેબે દલીલ કરેલ કે સહઆરોપીનું એકસ્ટ્રા જયુડિસિયલ કંફેશનથી કેસ ખૂબ જ મજબૂત થતો હોય જામીન મંજૂર કરવા જોઇએ નહીં.

આ કેસની જામીન અરજી રાજકોટના જજશ્રી પી. કે. સતીસકુમારની કોર્ટમાં થતાં આરોપીના વકીલ, સરકારશ્રી, પોલિસનું સોગંદનામું તથા મૂફરિયાદીના વાંધાઓ ધ્યાને લઇને આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે.

આ ચકચારી કેસમાં સરકારશ્રી તરફે કમલેશભાઇ ડોડીયા તથા મૂળ ફરિયાદી વતી કુલદીપસિંહ બી. જાડેજા રોકાયેલ હતા.

(3:31 pm IST)