Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

અંતે લુગડા ઉતર્યા

પ્રચંડ રોષ સામે યુનિવર્સિટીના સત્તાધીશો ઘૂંટણીયે... ઝભ્ભો, સુરવાલ, કોટીના રૂ.૨૨૦૦નો ખર્ચ સિન્ડીકેટ સભ્યો ભોગવશે

ગોલ્ડમેડલ વિજેતા પર છાત્રોનો ખર્ચ હવે યુનિવર્સિટી ચૂકવશે : ભપકાદાર નિર્ણયમાં પીછેહઠ

રાજકોટ, તા. ૨૮ : બે દાયકા પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તર ખૂબ નીચુ હતું. પરંતુ કર્મઠ કુલપતિ ડો.કનુભાઈ માવાણીએ હાથ ધરેલા સનિષ્ઠ પ્રયાસોની ફળશ્રુતિએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દૃષ્ટિએ સમગ્ર દેશમાં ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે. પરંતુ વર્તમાન સત્તાધીશોની નાણાની રેલમછેલ અને ભપકાદાર નિર્ણયથી યુનિવર્સિટીની આર્થિકની સાથે સાથે સામાજીક દૃષ્ટિએ પણ મોટી ખોટ આવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખી મોટાભાગે નિર્ણય થતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓના નામે તાગડધીના કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ હવે વિદ્યાર્થીઓની સાથે પોતાના પણ 'લુગડા' સીવડાવીને ઠાઠ દેખાડવાનો પ્રયાસ કરતા સમગ્ર ઉચ્ચ શિક્ષણ જગત અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

પ્રચંડ રોષને કારણે યુનિવર્સિટીના સત્તાધીશોએ તેમને તેમનો ભપકાદાર નિર્ણય ફેરવવાની નોબત આવી છે. યુનિવર્સિટીના ખર્ચે અમદાવાદના ટેઈલર પાસે સીવડાવવા આપેલ ઝભ્ભો, સુરવાલ અને કોટીનો ખર્ચ યુનિવર્સિટીના કુલપતિ, કુલનાયક, સીન્ડીકેટ સભ્યો અને એકેડેમીક કાઉન્સીલના સભ્યો હવે રૂ.૨૨૦૦ લેખે પોતાના ખર્ચે ચૂકવશે.

જાણવા મળતી વિગતો મુજબ આગામી ૭ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન મહોત્સવ યોજાવાનો છે. તેમા ડ્રેસકોડ માટે કુલપતિ, કુલનાયક, સીન્ડીકેટ સભ્યો એકેડેમીક કાઉન્સીલના સભ્યો ઉપરાંત સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓનો એકસરખો પરિવેશ રહે તે માટે રૂ.૫ હજારના ખર્ચે બ્લેઝર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ બ્લેઝરને બદલે હવે ઝભ્ભો, સુરવાલ અને કોટી સીવડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક વ્યકિતદીઠ રૂ.૨૨૦૦નો ખર્ચ થનાર હતો. કુલ ૮૭ જોડી માટે ૧,૯૧,૪૦૦ રૂપિયાનું ભારણ યુનિવસિર્ટીના માથે આવવાનુ હતું.

આ પદવીદાન સમારોહ માટે અમદાવાદથી ખાસ ટેઈલરને બોલાવી બધા વ્યકિતઓના માપ લેવામાં આવ્યા હતા.

સીન્ડીકેટ સભ્ય અને એકેડમીક કાઉનસીલના સભ્યો યુનિવર્સિટીના ખર્ચે સીવડાવવાના હોય પ્રચંડ રોષને પગલે સત્તાધીશોની શાન જાણે ઠેકાણે આવી હોય તેમ હવે માત્ર સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને જ યુનિવર્સિટીના ખર્ચે ઝભ્ભો, સુરવાલ અને કોટી સીવડાવવામાં આવશે. સીન્ડીકેટ સભ્યો અને એકેડમીક કાઉન્સીલના સભ્યો પોતાના ગજવામાંથી રૂ.૨૨૦૦ ચૂકવશે.

(3:37 pm IST)