Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ઉના પીપલ્સ બેંકના કર્મચારીઓને ફરી નોકરીમાં લેવાની અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા.૨૮:  ફરજ દરમ્યાન બેંકની જગ્યામાં અંધશ્રધ્ધા, મેલી વિદ્યા આચરી રાયના દાણા નાખવાના અને સાથી મહિલા કર્મચારીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાના આરોપસર છુટા કરાયેલ કર્મચારીનો નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો કેસ મજુર અદાલતે રદ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે ઉના પીપલ્સ બેન્કમાં ઉના ખાતે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર લક્ષ્મણદાસ કારયાને બેન્ક દ્વારા આરોપનામુ આપી આરોપો મુકેલ કે તેઓ દ્વારા બેન્કના સાથી મહિલા કર્મચારીને અવારનવાર મારી નાખવાની ધમકી આપવા તથા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી બેન્કન પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલ તેમજ બેન્કના અગત્યના દસ્તાવેજો ગુમ કરવા તથા ફરજ દરમ્યાન અંધશ્રધ્ધા અને મેલી વિદ્યાના ભાગરૂપે લેડીઝ વોશ એરીયા, કીચન એરીયા તેમજ સાથી મહિલા કર્મચારીની ખુરશી નીચે રાયના દાણા નાખવા, કેમેરા ઇન્સ્ટોલ કરનારને ફુટેજ નાશ કરવા તેમજ બેન્કના અન્ય કર્મચારી સાથે વારંવાર માથાકુટ કરવા જેવા ગંભીર આરોપી સબબ ખાતાકીય તપાસ કરવામાં આવેલ. તપાસનીસ અધિકારી દ્વારા અરજદાર વિરૂદ્ધ આક્ષેપો પુરવાર માનવામાં આવેલ જે અનુસંધાને બેન્ક દ્વારા અરજદારને છુટા કરવાનો હુકમ કરતા અરજદાર દ્વારા છુટા કરવાના પગલાને મજુર અદાલત સમક્ષ પડકારવામાં આવેલ હતો.

બંને પક્ષોની દલીલો તેમજ કેસમા રજુ થયેલ સર્વોચ્ય અદાલત તેમજ વિવિધ વડી અદાલતોના ચુકાદા ધ્યાને લીધા બાદ મજુર અદાલત દ્વારા અરજદારને નોકરીમાંથી બરતરફ કરવાનું ભરેલ પગલુ યોગ્ય જણાઇ આવે છે તેમજ અરજદારની ગંભીર પ્રકારની ગેરવર્તણૂંક પ્રત્યે રહેમ નજર રાખી શકાય નહી જેથી અરજદારને કરવામાં આવેલ સજામાં ફેરફાર કે ઘટાડો કરવો યોગ્ય જણાતો ન હોય અરજદારનો કેસ નામંજુર  રદ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ઉના પીપલ્સ  કો.ઓપ.બેંક-ઉના તરફે એસ.બી. ગોગીયા એસોસીએટસના ધારાશાસ્ત્રી શ્રી અનિલ એસ.ગોગીયા, શ્રી પ્રકાશ એસ. ગોગીયા (ગુજ. હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલ હતા.(૧.૨૪)

 

(3:44 pm IST)