Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કાલે જો હાર્દિકની સભા થવા નહિ દેવાય તો રાજકોટના તમામ પટેલોને હાજર થવા હાકલ 'પાસ'ના ૧૦૦૦ બેનરો ફગાવી દેવાયાઃ બ્રિજેશ

હાર્દિક પટેલ કાલે સાંજે પ વાગે નાના મવા સર્કલે જાહેર સભા ઉપરાંત રોડ શો કરશે ? : આજે હાર્દિકના આયોજકોને ગ્રાઉન્ડ સોંપવાને બદલે ત્યાં ભાજપનો ભોજન સમારોહ અને સ્નેહમિલન ગોઠવાયોઃ ચારેકોર કેસરિયો ઝંડોઃ પાસ કાર્યકર્તાઓ લડી લેવાના મૂડમાં: ભારે આક્રોશ

રાજકોટ, તા. ૨૮ :. આવતીકાલે તા. ૨૯ને બુધવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર નાનામવા સર્કલે પાસના સુપ્રીમો હાર્દિક પટેલની જાહેરસભા પૂર્વે ભારે ગરમાવો સર્જાયો છે.

સભા માટે ગ્રાઉન્ડ લેવાયુ ત્યારે ૨ દિવસ અગાઉ 'પાસ'ને સોંપી દેવાનું નક્કી થયેલ પરંતુ આ ગ્રાઉન્ડ (નાનામવા સર્કલ-કોર્પોરેશન હસ્તક) ઉપર આજે ભાજપનું સ્નેહમિલન અને ભોજન સમારોહ રાત્રે યોજાયેલ છે, એટલે ગ્રાઉન્ડ રાત્રે ૧૨ પછી મળે તો મળે.

પાસના બ્રિજેશ પટેલે 'ફેસબુક લાઈવ'  ઉપર આજે આ ગ્રાઉન્ડ ઉપર ચારેકોર ભાજપની ઝંડી લગાવાઈ ગયાનું, હાર્દિકના સ્ટેજની જગ્યાએ ભાજપનું રસોડુ ઉભુ કરી દેવાયાનું જણાવી, આ સ્થળે પાસ દ્વારા સભા ન યોજી શકાય તેવો કારસો રચાયાનો ખૂલ્લો આક્ષેપ કર્યો છે.

શ્રી બ્રિજેશ પટેલે ફેસબુક લાઈવ ઉપરથી આજે રાત્રે જો ગ્રાઉન્ડ 'પાસ'ને ન સોંપાય તો રાજકોટના તમામ પટેલોને અહીં ઉમટી પડવા હાકલ કરતા ભારે ગરમાવોે આવી ગયો છે.

નાનામવા સર્કલ-યોગ ગ્રાઉન્ડ ઉપર પાસ-હાર્દિકની સભા યેનકેન પ્રકારે રોકવા ભાજપ સરકાર અને તંત્ર દ્વારા હિટલરશાહી થઈ રહ્યાનું પાસ કન્વીનર બ્રિજેશ પટેલ કહે છે.

બ્રિજેશ કહે છે કે, સહુ પહેલા ૨૯મીની મંજુરી આપ્યા પછી મંજુરી કેન્સલ કરવા પ્રયત્નો થયા જે સફળ નહિ થતા હવે કાલની સભાના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનું શરૂ થયુ છે. સામાન્ય રીતે મોટી સભા પૂર્વે ગ્રાઉન્ડ તૈયાર કરતા ૨ દિવસ થાય છે ત્યારે ગ્રાઉન્ડ તૈયાર ના કરી શકાય તે માટે ૨૮મીએ આજે ભાજપ દ્વારા આ નાનામવા સર્કલ ગ્રાઉન્ડમાં અચાનક કાર્યક્રમ કરવામાં આવ્યાનું પાસ કન્વીનરે જણાવેલ.

શ્રી બ્રિજેશ પટેલે જણાવેલ કે જુદી-જુદી સોસાયટી અને ગ્રાઉન્ડમાં ૧૦૦૦ ઉપર બેનર લગાવાયેલ હતા તે કાઢી નાખ્યા છે. ખાનગી જગ્યાઓમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા છે. જુદા-જુદા અખબારોમાં કાલે સાંજે પ વાગે યોજાનાર હાર્દિકની મહાક્રાંતી સભાની વિગતો સાથેની પત્રિકા નાખવાની હતી તે પણ દબાણ લાવી કઢાવી નખાયેલ છે.

બ્રિજેશ પટેલ કહે છે કે આજે આખી રાત જાગીને પાસ કાર્યકરો અને પાટીદાર સમાજ નાના મવા સર્કલ-યોગ ગ્રાઉન્ડ તૈયાર કરશે અને ભાજપ સરકાર સાથે હાર્દિક સભા કરશે જ. આ સભામાં સૌરાષ્ટ્રમાંથી સેંકડો બસ અને વાહનો આવશે અને વિવિધ સમાજ દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત થશે તેમ શ્રી બ્રિજેશ પટેલ અને શ્રી હેમાંગ પટેલે જણાવ્યુ છે.

આવતીકાલે સાંજે પ વાગે યોજાનાર હાર્દિક પટેલની જાહેર સભા અને સંભવિત રોડ-શો પુર્વે ભારે ગરમાવો આવી ગયો છે.

(4:34 pm IST)