Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કરણાભાઇએ મિતુલ દોંગા અને અરવિંદ રૈયાણી સામે પ્રચારનું રણશિંગ ફુંકયુ

કોંગ્રેસ - બીટીપી ગઠબંધનના બેનર સાથે : છોટુભાઇ વસાવાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું કોંગ્રેસ સાથે જોડાણ થયું હોવાથી ૬૮-રાજકોટ વિધાનસભા (સામાકાંઠા)ની ટિકિટ બીટીપીને ફાળવવામાં આવી હોવાથી કરણાભાઇ મેદાનમાં છેઃ મિતુલ દોંગાએ જોડાણનો ભંગ કરી પોતાનું ફોર્મ પાછુ ખેંચ્યું ન હોવાથી કોંગ્રેસ પ્રેરીત બે ઉમેદવારો ચુંટણી લડી રહ્યાનો તાલ

રાજકોટ તા. ૨૮ : રાજકોટ પૂર્વ વિધાનસભા-૬૮માં કોંગ્રેસ સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)નું ગઠબંધન થવાના કારણે બીટીપીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં જંપલાવનાર કરણાભાઇ માલધારીએ કોંગ્રેસ - બીટીપીના સંયુકત ઉમેદવાર તરીકે પોતાને ઘોષીત કરી પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે. સામાકાંઠા વિસ્તારની આ સીટ કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી અને બીટીપીના શરદ યાદવ વચ્ચે મંત્રણા બાદ બીટીપીને ફાળવવામાં આવી હતી. ઉપરથી પ્રદેશ અગ્રણી છોટુભાઇ વસાવાએ કરણાભાઇ માલધારીને વિધિવત રીતે પોતાનો મેન્ડેટ આપી ચુંટણી લડવા ઉતાર્યા છે. આજે કરણાભાઇ માલધારીની પ્રચાર પુસ્તીકા, પેમ્પફેલટસ, બેનરો ઉપર કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધન બાદના સંયુકત ઉમેદવાર તરીકે કરણાભાઇ દર્શાવાયા છે. તેમનું ચુંટણીનું નિશાન ઓટો રીક્ષા છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી મતદારોના વર્ચસ્વ તરીકે આ બેઠકને રાજકીય માંધાતાઓ મૂલવી રહ્યા છે. શહેરના વોર્ડ નં. ૩ (અડધો), ૪, ૫, ૬, ૭, ૧૫ અને ૧૬થી બનેલી આ વિધાનસભા સીટમાં અઢી લાખથી વધુ મતદારો છે. જેમાં ૧,૭૫,૦૦૦ સામાજીક - શૈક્ષણિક પછાત (ઓબીસી) અને ૨૫,૦૦૦ શેડ્યૂલ્ડ કાસ્ટ મતદારો છે. પછાત વર્ગોના ૨,૦૦,૦૦૦ મતદારો ધરાવતી આ બેઠકના વિસ્તારમાં ૧૩૫ નાના-મોટી ઝુંપડપટ્ટીઓ આવેલી છે. કરણાભાઇ માલધારી આ વિસ્તારના જાણીતા સામાજીક અગ્રણી છે. તેઓએ સમગ્ર પછાત મતદારોના વિકાસના નિર્ધાર સાથે પ્રચાર કાર્ય જોશભેર આરંભી દીધું છે.

તેઓ બે ટર્મ કોર્પોરેટર તરીકે રહી ચુકયા છે. પક્ષીય રાજકારણની પરવા કર્યા વગર તેઓ સામાજીક - શૈક્ષણિક વર્ગોના નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે આ બેઠક ઉપર તેમની ઉમેદવારી મહત્વની જોવામાં આવી રહી છે.

 તેમના સાથી મિત્ર દાનુભા સોઢાએ જણાવેલ કે, શરદ યાદવ અને રાહુલજીની મંત્રણા બાદ આ બેઠક કોંગ્રેસે બીટીપીને ફાળવી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મિતુલ દોંગાએ પોતાનુ ફોર્મ પાછુ ખેંચ્યુ નથી અને બંને પક્ષના મોભીઓના નિર્ણયની ઉપરવટ જઇ ચુંટણી લડી રહ્યા છે. અમે અમારા સિધ્ધાંતો સાથે મેદાનમાં છીએ. તસ્વીરમાં કરણાભાઇ માલધારીના બેનરમાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને બીટીપીના પ્રદેશ અધ્યક્ષ છોટુભાઇ વસાવાના ફોટા સાથે જોવા મળે છે. બેનરમાં કરણાભાઇના ફોટા સાથે તેમને કોંગ્રેસ અને બીટીપીના સંયુકત ઉમેદવાર તરીકે દર્શાવાયાનું વંચાય છે બીજી તસ્વીરમાં પછાત વિસ્તારોમાંથી મળી રહેલુ જનસમર્થન નજરે પડે છે.

(5:13 pm IST)