Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

ડીફોલ્ટરો પાસેથી નાણા ઓકાવવાને બદલે ગ્રાહકોના ભોગે બેંકોને બચાવવા કારસો

મોદી સરકારે નવુ બીલ રજુ કર્યું : સેવિંગ્ઝ ખાતેદારની મોટી રકમ ફીકસ ડીપોઝીટમાં કન્વર્ટ કરી દેવાય તેવી જોગવાઇ : અત્યાર સુધી બેઇલ આઉટ પ્રોગ્રામ સાંભળવા મળતો પરંતુ ભારતના ઇતિહાસમાં પહેલીવાર બેઇલ ઇન પ્રોગ્રામ લાવી રહી છે

રાજકોટ, તા. ર૮ : બેંકોને ખોટના ખાડામાંથી બહાર કાઢવા માટે અત્યાર સુધી આપણે સરકાર તરફથી બેઇલ આઉટ પ્રોગ્રામ જેવી વાત સાંભળતા હતાં, પરંતુ હવે કેન્દ્રની મોદી સરકારે ભારતમાં પહેલી વખત બેઇલ ઇન પ્રોગ્રામ શરૂ કરવાનું નક્કી કર્યું છે અને તે પણ એક કાળા કાયદા હેઠળ. આ કાળો કાયદો છે 'ધ ફાયનાન્સીયલ રીઝોલ્યુશન એન્ડ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ બીલ-ર૦૧૭' જે લોકસભામાં પસાર થાય તે પૂર્વે સંસદની સંયુકત સમિતિને તે સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે. આ બીલની છુપી જોગવાઇઓ બેંકમાં સેવિંગ્ઝ ખાતુ ધરાવતા ખાતેદારોને દઝાડી દયે તેવી હોવાનું જાણવા મળે છે.

રાજકારણીઓ-ઉદ્યોગપતિઓ અને બેંકના ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠને પરિણામે આજે બેંકોની આર્થિક સ્થિતિ ડગમગી ઉઠી છે અને બેંકોનું એનપીએ હિમાલયના શિખરે પહોંચી ગયું છે. આ એનપીએ ઘટાડવા લોન ચાંઉ કરી જનાર સામે ધોકો પછાડવાને બદલે બેઇલ ઇન ના રૂપાળા નામ હેઠળ બચતના ખાતેદારોને ડામ આપવા માંગણી હોય તેવું જણાય છે. આ બીલની કેટલીક ઘાતક જોગવાઇઓ છે જેનાથી દેશભરમાં જબરો દેકારો મચી જાય તેવી પણ શકયતા છે.

જાણવા મળતી વિગત મુજબ મોદી સરકાર બેંકોને ગ્રાહકોના ભોગે બચાવવા માંગે છે અને તે માટે આ બીલમાં કેટલીક ગ્રાહકને સ્પર્શતી જોગવાઇઓ છે. સરકાર સેવિંગ્ઝ ખાતામાં પડેલી રકમને ફીકસ ડીપોઝીટમાં કન્વર્ટ કરવા માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમારા સેંવિગ્ઝ ખાતામાં રૂ.૧પ લાખ પડયા હોય તો તે કાયદા અનુસાર ઘટીને રૂ.૧ લાખ થઇ જાય અથવા તો તમારા બચત ખાતામાં પડેલા ૧પ લાખ ફીકસ ડીપોઝીટમાં કન્વર્ટ થઇ જાય જેનું ચૂકવણું પ વર્ષ પછી કરવામાં આવે અને તેના ઉપર તમને માત્ર પ ટકા જ વ્યાજ મળે. કાયદો હોવાથી તમે પણ કશું કંઇ કરી ન શકો. તમારા પૈસા પ વર્ષ માટે બ્લોક કરી દેવા આ કાયદામાં જોગવાઇ છે.

મોદી સરકાર ડીફોલ્ટરો પાસેથી નાણા ઓકાવવાને બદલે આ રીતે ખાતેદારોને બુચ મારી દેવા માંગે છે તેવું આ બીલની જોગવાઇ ઉપરથી જણાય છે. સરકાર આ પૈસા બેંકોને ઉગારવા માટે ઉપયોગમાં લેશે, પરંતુ ખાતેદારના પૈસા બ્લોક થઇ જશે એવું માની શકાય. જોકે ખાતેદારના પૈસા ડૂબશે નહીં, પરંતુ લાંબાગાળા માટે બ્લોક કરી દેવાશે.

(4:17 pm IST)