Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

પાટીદાર સમાજ હવે ભાજપને બરાબર ઓળખી ગયો છે : મિતુલ દોંગા

રાજકોટ, તા. ૨૮ : રાજકોટ - ૬૮ના કોંગી ઉમેદવાર મિતુલ દોંગાએ એક યાદીમાં જણાવ્યું છે કે દાયકાઓ સુધી ભાજપની સાથે રહેલા પાટીદાર સહીતના સમાજો હવે ભાજપને બરાબર ઓળખી ગયા છે અમાનુષી અત્યાચાર, બંદુકની ભાષામાં વાત, ગુજરાતને એક પણ પૈસો ન આપવાની ધમકી. દરેક સમાજને પોતાનું આત્મસન્માન વ્હાલું હોય ત્યારે કોંગ્રેસે એકપણ પાટીદાર મુખ્યમંત્રીને જંપીને બેસવા દીધા નથી વગેરે વિધાનો કરીને ભાજપે લોકોની લાગણી જીતવાનો ખેલ પાડી રહ્યા છે, પરંતુ આ ખેલ ઉંધો પડવાનો છે. ગુજરાતની પ્રજાએ ભાજપને જાકારો આપવાનું નક્કી કરી લીધું છે.

કોર્પોરેટર વલ્લભભાઇ પરસાણા, કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરા, પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા અને કોંગ્રસના આગેવાન નાથાભાઈ કયાડાએ નિવેદનમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન જે ચાર પાટીદારો મુખ્યમંત્રીઓની ખુરશી છોડાવવામાં કોંગ્રેસનો હાથ ગણાવે છે તે વાત જાહેરમાં ઉચ્ચારતા પહેલા તેમણે હોમવર્ક કરી લેવાની જરૂર હતી.

વિકાસનાં નામે ચુંટણી લડવા નીકળેલ ભાજપ વિકાસના નામે મત માંગવાને બદલે જ્ઞાતિ-સમાજો પર આધારિત બની રહ્યો છે, તે વાતથી સ્પષ્ટ થાય છે કે હવે પાટીદાર સહીતનાં સમાજો ભાજપથી વિમુખ બન્યા છે અને ભાજપ પોતાનો પરાજય નજરે નિહાળી રહ્યો છે. લોકશાહીમાં કોઈપણ વ્યકિત કે સમાજને પોતાનો હક્ક માંગવાનો અધિકાર છે.

(3:39 pm IST)