Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભૂપતના ભાઇ કિશોર બાબૂતર વિરૂધ્ધ દૂકાન પડાવી લઇ પાંચ લાખ પણ લઇ લીધાની ફરિયાદ

મવડી ગિરનાર સોસાયટીના લાલજીભાઇ આહિરે પેલેસ રોડ પરની દૂકાન મામલે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં અરજી

રાજકોટ તા. ૨૮: ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ભૂપત બાબૂતર સહિતના વિરૂધ્ધ નોંધાયેલા ગુનાઓ અને એક પછી એક થઇ રહેલી અરજી-લેખિત ફરિયાદમાં વધુ એકનો આજે ઉમેરો થયો છે. મવડી પ્લોટ ગિરનાર સોસાયટીમાં રહેતાં લાલજીભાઇ કાનજીભાઇ આહિરે ડીસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. જેમાં ભૂપતના ભાઇ કિશોર બાબૂતરે દૂકાનનો દસ્તાવેજ કરાવી લઇ પાંચ લાખ રોકડા લઇ લીધાનો આક્ષેપ છે.

લાલજીભાઇ આહિરે ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૭માં કમલેશભાઇ સગપરીયાના કહેવાથી સીટી સર્વે વોર્ડ નં. ૫ના સીટી સર્વે નં. ૧૩૯ આર.એમ.સી.ની હદમાં પેલેસ રોડથી નજીક પ્રહલાદ પ્લોટ-૫૧માં જાનકી કોમ્પલેક્ષના નામથી ઓળખાતા બિલ્ડીંગમાં ગ્રા.ન્ડ ફલોરમાં આવેલી દૂકાન નં. ૧, ૨ અને ૩ અમે જીતેન્દ્ર ગણેશભાઇ અકબરીના સંયુકત નામે ખરીદ કરી હતી.

આ ત્રણેય દૂકાનો પહેલા પરેશભાઇ પિત્રોડા અને કિશોરભાઇ પાંચાભાઇ અજાણીએ કમલેશભાઇના કહેવાથી ખરીદી હતી. તે વખતે દૂકાનોનો કબ્જો કિશોરભાઇ બાબૂતર (ભૂપતના ભાઇ) પાસે હતો. કમલેશભાઇએ કિશોર પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હોઇ તે પરત ન કરી શકયા હોઇ કિશોરે બળજબરીથી તાળા તોડી પોતાના તાળા મારી દીધા હતાં. તેમજ સામે આવેલ આશાપુરા ડેરીવાળાને કબ્જો સોંપી દીધો હતો.

એ પછી કમલેશભાઇ અને કિશોર બાબૂતર વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં કિશોરે કહેલ કે જો દૂકાનનો કબ્જો જોઇતો હોય તો એક દુકાનનો દસ્તાવેજ મને કરી આપવાનો અને ૫ લાખ રોકડા આપવાના. કમલેશભાઇએ આનાકાની કરતાં કિશોરે જીવવું હોય અને દૂકાન જોઇતી હોય તો અમે કહી એમ કરવું પડશે. જેથી કમલેશભાઇએ ડરીને સમાધાન કરી લીધેલ.

પરેશભાઇ પિત્રોડા અને કિશોરભાઇ અજાણી આ દૂકાનના માલિક હોઇ તેની પાસેથી અમે અરજદાર અને અમારા હિસ્સેદાર જીતેન્દ્રભાઇ અકબરીના નામે દસ્તાવેજ કારયેલ. જે દૂકાનો અમે ખરીદ કરતાં એક દૂકાનનો દસ્તાવેજ અમારે કિશોર બાબૂતરને કરી આપવો પડ્યો હતો. તેમજ પાંચ લાખ રોકડા ભૂપતની ઓફિસે મોકલ્યા હતાં. તેમ લાલજીભાઇએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

(3:06 pm IST)