Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શહેર પોલીસ આયોજીત 'રન ફોર યુનિટી'માં ૩૬૪ અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા

રાજકોટ તા. ૨૮: પોલીસ શહિદ દિવસ અંતર્ગત ૨૧ થી ૩૧મી સુધી ઉજવણી કરી અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ૨૫મીએ શહેર પોલીસે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જો કે કોવિડ-૧૯ને કારણે આ કાર્યક્રમમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ પોતપોતાના રહેણાંક આસપાસ કે અનુકુળતા મુજબના રૂટ પર ૦૨ કિ.મી. કે એથી વધુ રનીંગ કરી તેનો ફોટો, વિડીયો અપલોડ કરવાનો હતો. એ મુજબ અનેક લોકોએ ભાગ લીધો હતો.

રન ફોર યુનિટી કાર્યક્રમ સફળતા પુર્વક યોજવા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ એસીપી, તમામ પીઆઇ, રિઝર્વ પીઆઇએ અંગત રસ દાખવી અધિકારીઓ, કર્મચારીઓ પણ ભાગ લે તે માટે પ્રેરિત કર્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરાયું હતું. શહેર પોલીસના ૩૬૪ અધિકારી, કર્મચારીઓ રન ફોર યુનિટીમાં જોડાયા હતાં.

વીર શહિદોને પોલીસ અને એસઆરપી બેન્ડ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઇ

આ ઉપરાંત વીર શહિદોને શહેર પોલીસ અને એસઆરપી ગ્રુપ-૧૩ના બેન્ડ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઇ હતી. અલગ-અલગ ગીતોની સુરાવલી વહાવી આ કાર્યક્રમ યોજાયો હતો અને સીટી પોલીસના ફેસબૂક પેજ પર લાઇવ પ્રસારણ કરાયું હતું.

(12:49 pm IST)