Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પીઓપી પાવડરની આડમાં રાજકોટ તરફ આવી રહેલો ૧૧ લાખનો દારૂ પકડાયો

થરાદ પોલીસે ટ્રક સહિત ૨૧.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ બે પકડાયાઃ એકનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૨૮: તહેવારો નજીક આવતાં જ બૂટલેગરો મેદાને આવી ગયા છે. થરાદ પોલીસે બાતમીને આધારે ૧૧ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટીમે પંચો સાથે દુધવા ગામના પાસેઆઈ શેણલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. એ વખતે બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં પીઓપી પાવડરની પાછળના ભાગે છૂપાવી રાખેલો ૧૧ લાખનો દારૂ જપ્ત કરી બે શખ્સોને દબોચી કુલ રૂ. ૨૧.૯૮ લાખનો મુદ્દામાલ ઝડપી પકડ્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાં આ કાર્યવાહી થઇ છે. પીઓપી પાવડરના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો ભરેલો હતો. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં દારૂની હેરાફેરી પણ બેફામ બની છે. આ તરફ થરાદ પોલીસે બાતમી આધારે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ- ૨૮૦, બોટલ નંગ-૩૩૬૦ , કિ.રૂ.૧૧,૭૬,૦૦૦ અને ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૧,૯૮,૩૦૦ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ પોલીસે ૨ ઇસમોને ઝડપી પાડી તેમની સામે પ્રોહી એકટની કલમ ૬૫(a), ૬૫(e), ૧૧૬-B, ૯૮(૨), ૯૯, ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બે આરોપી રીંછપાલ બાબુલાલ દેવારામ જાટ (ચૌધરી) તથા મધારામ કેશારામ ઇસરારામ જાટ (ચૌધરી)ને દબોચ્યા છે. જ્યારે મુકનારામ જાટનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. રાજકોટ તરફ આ ટ્રક આવી રહ્યાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.

(11:01 am IST)