Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કાયદો વ્યવસ્થામાં કડક અને માનવતાની વાત આવે ત્યારે નરમદિલ અધિકારીની છાપ

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસઃ ઠેર ઠેરથી શુભકામનાઓ

ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા શ્રી અગ્રવાલ ૧૯૯૧ની બેચના સિનીયર આઇપીએસ

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. ૧૯૯૧ની બેચના સિનિયર આઇપીએસ શ્રી અગ્રવાલ ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા છે. ૨૮-૦૯-૧૯૬૫ના રોજ ઉત્તરપ્રદેશમાં તેમનો જન્મ થયો છે. તેમણે બી.ટેક., એમ.ટેક., જેવી ટેકનિકલ ડિગ્રી સાથે સાયબર સોસાયટીમાં ડિપ્લોમા પણ કર્યુ છે. દાહોદ ખાતે એસપી, ગોધરા કચ્છ સહિતના સ્થળોએ ફરજ બજાવી ચુકેલા શ્રી અગ્રવાલે રિટાયર્ડ ડીજી અને પાવરફુલ આઇપીએસ કે.આર. કોૈશિક તથા સીબીઆઇના એડીશનલ ડિરેકટર શ્રી પ્રવિણ સિન્હા પાસે વિશેષ તાલીમ મેળવી છે.

તેઓ સાયબર ક્રાઇમને નાથવામાં માસ્ટરી ધરાવતાં હોવાથી હોમ સેક્રેટરી હતાં ત્યારે તે વખતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઇઝરાયલ ગયા હતાં. શંકાસ્પદ ટેરરીસ્ટને ઓળખી કાઢવા માટેની ટેકનોલોજી તેઓ ગુજરાત અને રાજકોટમાં લાવવા સતત સક્રિય રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ખાસ એપ્લિકેશનની નોંધ દિલ્હી સુધી લેવાઇ ચુકી છે. એવોર્ડ પણ મળ્યો હતો. એફએસએલ જે. એમ. વ્યાસ દ્વારા વર્લ્ડ લેવલનો જે સેમિનાર યોજાય છે તેમાં પણ તેઓની ભુમિકા મહત્વની હોય છે. શહેર પોલીસ કમિશનર તરીકેના ફરજકાળમાં તેમના સુપરવિઝન હેઠળ તેમની ટીમોએ અનેક ગંભીર ગુનાખોરીઓના ભેદ ઉકેલ્યા છે અને ગુનેગારોને કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું છે. કાયદો વ્યવસ્થાની વાત આવે ત્યારે કડક અને માનવતાની વાત આવે ત્યારે નરમદિલ ઇન્સાનની છાપ ધરાવતાં શ્રી અગ્રવાલે કોરોનાકાળ દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાય તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબ સતત કડક કાર્યવાહીનો આગ્રહ રાખ્યો છે. તો લોકડાઉન, કર્ફયુના સમયમાં જરૂરીયાત મંદ લોકોની જઠરાગ્નિ ઠારવાનું માનવતાનું કામ પણ કર્યુ છે. શહેર પોલીસ પરિવારો માટે પણ તેઓ એક સતત જાગૃત અધિકારી તરીકેને છાપ ઉભી કરવામાં સફળ રહ્યા છે.

તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના સ્વજનોને કોરોનાની વેકસીન અપાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. હેડકવાર્ટરમાં પોલીસ પરિવારો માટે ભરપુર સુવિધાઓ, મા અંબાજીના મંદિરનો જીર્ણોધ્ધાર, રામનાથપરા પોલીસ લાઇનમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ, પોલીસ પરિવારો માટે નવા રહેણાંકની સુવિધાઓ, તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે સતત દરકાર, રમતોત્સવનું આયોજન, સહિતના કાર્યોમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. શહેરમાં એક તબક્કે માથુ ઉંચકી ગયેલી ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવાની કામગીરી પણ તેમના સમયમાં થઇ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને આજે તેમના જન્મદિવસ નિમીતે અલગ-અલગ સોશિયલ મિડીયા ગ્રુપમાં સતત શુભકામનાઓ મળી રહી છે. તેમજ રૂબરૂ પણ અધિકારીઓ, કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. કોરોના મહામારીમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા તેઓ સતત હિમાયતી રહ્યા છે. લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે તઓ સમયાંતરે અપિલ-અનુરોધ કરતાં રહે છે અને સાથોસાથ જે લોકો કાયદાને માન ન આપે તેને કાયદાનું ભાન પણ કરાવી રહ્યા છે.

(9:54 am IST)