Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પોલીસમેન વિશાલ સોનારા પાસેથી મળેલી પોણા ચાર લાખની લાંચની રકમ સંબંધે એક દિવસની અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો દાખલ

રાજકોટ, તા. ૨૮ :. જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડ અને પોલીસમેન વિશાલ ગોવિંદભાઈ સોનારા સામે ગયા મહિને ૮ લાખની લાંચ માંગી સ્વીકારવાની ટ્રેપ એન્ટીકરપ્શન બ્યુરોએ કરી હતી. આ મામલામાં વિશાલ સોનારાની કારમાંથી મળી આવેલા ૩ લાખ ૭૩ હજાર રૂપિયાને અપ્રમાણસર મિલ્કત ગણી એસીબીએ કલમ ૧૩(૧)(બી) અને (૧૩)(૨) મુજબ ગુન્હો નોંધી વિધિવત કાર્યવાહી શરૂ કરી છે.

વિશાલ ગોવિંદભાઈ સોનારા હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. ટ્રેપની કાર્યવાહી દરમિયાન આરોપી વિશાલની સ્વીફટ ડીઝાયર કાર નં. જીજે ૦૩ એચકે ૧૫૭૪ની ઝડતી દરમિયાન ૩ લાખ ૭૩ હજાર રોકડા મળી આવ્યા હતા. આ બાબતે મદદનિશ એસીબી નિયામક એચ.પી. દોશીની પ્રાથમિક તપાસમાં રોકડ સંદર્ભે કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો ન હતો. વિશાલ સોનારાએ આ રકમ તેમના માતાની બિમારીની સારવાર માટે રાખ્યાનું જણાવ્યુ હતુ પરંતુ તપાસ દરમિયાન આ હકીકત સાબિત થતી નથી. મળી આવેલા નાણા બાબતે સંતોષકારક ખુલાસો કે દસ્તાવેજી રજૂ કરી શકયા નથી માટે તેની પાસેથી મળી આવેલી રોકડ પોતાની એક દિવસના ચેક પીરીયડ દરમિયાનની કાયદેસરની આવકના પ્રમાણમાં સંપૂર્ણ રીતે અપ્રમાણસર ગણી અલગથી ગુન્હો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ. આચાર્યએ શરૂ કરી છે.

સરકારી અધિકારી-કર્મચારીની અપ્રમાણસર-બેનામી મિલ્કતો અંગે માહિતી આપોઃ એસીબીની અપીલ

રાજકોટઃ એસીબીના મદદનિશ નિયામક એચ.પી. દોશીએ જાહેર જનતાને અપીલ કરી છે કે, ઉપરોકત કેસ અથવા તો અન્ય કોઈપણ સરકારી અધિકારી-કર્મચારીની અપ્રમાણસર અને બેનામી મિલ્કતો જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટની સચોટ માહિતી કોઈપણ નાગરિકને હોય તો એસીબી કચેરીના ફોન નં. ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ફેકસ નં. ૦૭૯-૨૨૮૬૬૭૨૨, વોટસએપ નં. ૯૦૯૯૯ ૧૧૦૫૫, ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર કચેરી સમય દરમિયાન મોકલી શકો છો અથવા તો રૂબરૂ સંપર્ક કરી સીડી કે પેનડ્રાઈવથી માહિતી આપી શકો છો.

(3:56 pm IST)