Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આત્મીય કોલેજના બે વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયાઃ છાત્રોને જ વેંચતા!

એસઓજીએ બીઇ સિવિલ પુરૂ કરનાર મુળ ભાવનગરના દિવ્યેશ સોલંકી અને બીસીએ ભણતા સાધુ વાસવાણી રોડના હર્ષ ગાંધીને રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ તુલસીબાગ પાસેથી દબોચ્યાઃ રાતભર વોચ રાખતાં વહેલી સવારે ઝપટે ચડ્યા : ૩ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો, ટુવ્હીલર અને મોબાઇલ ફોન જપ્તઃ સુરત તરફથી લાવ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમને વધુ એક સફળતા

તસ્વીરમાં પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમ તથા દિવ્યેશ (અદબ વાળીને બેઠેલો) અને બાજુમાં હર્ષ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: શહેરમાં દારૂનો નશો કરનારા તો હતાં જ હવે ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર સહિતના માદક પદાર્થોના બંધાણીઓ પણ વધી ગયા છે. આવા નશાના રવાડે કોલેજીયન વિદ્યાર્થીઓ ચડી રહ્યા હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેર એસઓજી આ બદીને ડામી દેવા માટે સતત સક્રિય છે અને તેના પુરાવા રૂપે અગાઉ કરોડોનું માદક દ્રવ્ય અલગ-અલગ દરોડામાં પકડ્યું છે. તેમજ આવા નશીલા દ્રવ્યોનું વેંચાણ કરનારા અને સપ્લાય કરનારાઓને પણ પકડ્યા હતાં. ત્યાં વધુ એક વખત વહેલી સવારે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને ગાંજા સાથે ઝડપી લેતાં ચકચાર મચી ગઇ છે. આ બંને વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જ ગાંજો વેંચતા હોવાની કબુલાત આપતા ચકચાર મચી ગઇ છે. બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં હાલ વીઆઇપીની અવર-જવર હોઇ એસઓજીની ટીમે હોટેલ, ઢાબા, વાહનોનું ચેકીંગ શરૂ કર્યુ હતું. દરમિયાન મોડી રાતે પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમ ખાસ કામગીરીમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી મેઇન રોડ પર તુલસી બાગ પાસેથી બે વિદ્યાર્થી માદક પદાર્થ લઇને નીકળવાના છે.

આ બાતમી પરથી વોચ રાખવામાં આવતાં વહેલી સવારે એકસેસ ટુવ્હીલર પર બે યુવાન શંકાસ્પદ રીતે નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં રૂ. ૨૦૪૦૦ની કિંમતનો ૩.૪૦૦ કિ.ગ્રા. ગાંજો મળતાં બંનેને અટકાયતમાં લઇ યુનિવર્સિટી પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પુછપરછમાં આ બંનેએ પોતાના નામ દિવ્યેશ રમેશભાઇ સોલંકી (રજપૂત) (ઉ.૨૪-રહે. નવોદિતા પાર્ક, શેરી નં. ૨ રાજકોટ, મુળ ભાવનગર) તથા હર્ષ સુનિલભાઇ ગાંધી (વણિક) (ઉ.૧૯-રહે.  ગાયત્રી બંગલોમાં આવેલ નીલગ્રીવ મકાનની બાજુનું મકાન, સનસીટી સામે સાધુ વાસવાણી રોડ) જણાવ્યા હતાં. પોલીસે બંને પાસેથી ગાંજો, બે મોબાઇલ ફોન, ટુવ્હીલર મળી કુલ રૂ. ૧,૫૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વિશેષ તપાસમાં દિવ્યેશે જણાવ્યું હતું કે તે અનાથ હતો, અગાઉ ભાવનગરમાં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. બારમા ધોરણમાં સારી ટકાવારી આવ્યા પછી આત્મીય કોલેજમાં બીઇ સિવિલમાં એડમિશન લીધું હતું. હાલ આ અભ્યાસ પુરો થવામાં છે અને એટીકેટી આવી હોઇ તે સોલ્વ કરવાની છે. થોડા વર્ષ પહેલા તેને ગાંધીધામના એક પરિવારે દત્તક લીધો છે. પરંતુ પોતે હાલ રાજકોટમાં જ રૂમ રાખી રહે છે.

જ્યારે હર્ષ ગાંધીના પિતા પીજીવીસીએલમાં નોકરી કરે છે. જ્યારે હર્ષ આત્મીય કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં સેકન્ડ સેમમાં અભ્યાસ કરે છે. આ બંને જણા ગાંજો લાવી બીજા છાત્રોને જ વેંચતા હોવાની પ્રાથમિક કબુલાત આપી હોઇ પોલીસ પણ ચોંકી ગઇ છે. દિવ્યેશ સુરત તરફથી આ ગાંજો લાવતો હોવાનું રટણ કર્યુ છે. તે એક એક કિલો લાવી પડીકીઓ બનાવી ૫૦૦ થી ૭૦૦ લેખે એક પડીકી વેંચતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કેટલા વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવી દીધા છે? બીજા કોઇ આ ગોરખધંધામાં સામેલ છે કે કેમ? મુખ્ય સપ્લાયર કોણ છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર સંદિપસિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. આર. વાય. રાવલ, એએસઆઇ વિજયભાઇ શુકલ, હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, મોહિતસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા, નરેન્દ્રભાઇ ગઢવી, ગિરીરાજસિંહ જાડેજા, હરદેવસિંહ વાળાની ટીમે આ કામગીરી કરી હતી.

૧ કિલો ગાંજામાંથી પડીકીઓ બનાવી ૫૦૦થી ૭૦૦માં વેંચતાઃ

૧ કિલોના વેંચાણથી ૧૮ થી ૨૦ હજારનો નફો મળતો

એસઓજીએ ઝડપી લીધેલા બંને છાત્રની પ્રાથમિક પુછતાછમાં એવી વિગતો બહાર આવી છે કે દિવ્યેશ એક-એક કિલો છુટક છુટક ગાંજો લાવતો હતો અને તેમાંથી પડીકીઓ બનાવી મોટે ભાગે વિદ્યાર્થીઓને જ ૫૦૦ થી ૭૦૦ લેખે વેંચતો હતો. આ કામમાં હર્ષ તેની મદદ કરતો હતો અને નવા નવા ગ્રાહકો (છાત્રો) શોધી લાવતો હતો. એક કિલો ગાંજો વેંચવાથી દિવ્યેશને ૧૮ થી ૨૦ હજારનો ફાયદો થતો હોઇ મોજશોખમાં આ રકમ ઉડાવતો હતો. તે હાલ તો સુરત તરફથી ગાંજો લાવતો હોવાનું રટણ કરે છે. પણ પોલીસને વાત ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

દિવ્યેશ અનાથ હોઇ ગાંધીધામના કોઇ પરિવારે દત્તક લીધો છેઃ હર્ષના પિતા પીજીવીસીએલના કર્મચારી

.જાણવા મળ્યા મુજબ દિવ્યેશ સોલંકી મુળ ભાવનગર તરફનો છે. તેના અનાથ હોઇ તેને થોડા વર્ષ પહેલા સરકારી યોજના મુજબ ગાંધીધામના એક પરિવારે દત્તક લીધો છે. બીઇ સિવિલનો અભ્યાસ પુરો કર્યો છે પણ એટીકેટી આવી હોઇ તે સોલ્વ કરી રહ્યો છે. તે મોજશોખ પુરા કરવા અને ટૂંકા રોકાણમાં હજારોનો નફો મળતો હોઇ માદક પદાર્થ વેંચવાના રવાડે ચડ્યાનું હાલ બહાર આવ્યું છે. હર્ષ તેનો મિત્ર હોઇ તેને પણ ખિસ્સાખર્ચી અને મોજશોખ માટે ભરપુર પૈસા મળી રહેતાં હોઇ તે દિવ્યેશને આ ગોરખધંધામાં સાથ આપતો હતો. બંનેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

કયાં જઇ રહ્યું છે આજનું યુવાધન?

. એસઓજીએ અગાઉ પણ શહેરમાંથી ગાંજો, બ્રાઉનસ્યુગર, કોકેઇન સહિતના માદક પદાર્થના જથ્થા ઝડપી લઇ સુત્રધારો સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. પરંતુ આ દુષણ હવે ઘર કરી ગયું છે અને ખાસ કરીને યુવાધન આવા નશાના રવાડે ચડી બરબાદી તરફ ધકેલાઇ રહ્યું છે. અગાઉ પોલીસ-એસઓજીએ નશીલા દ્રવ્યો સાથે જેને પકડ્યા હતાં તે મોટા ભાગે મોટી વયના અને મજૂરીના કામ સાથે સંકળાયેલા હતાં. પરંતુ આ વખતે જે બે શખ્સ પકડાયા છે તે વિદ્યાર્થી છે અને તેઓ બીજા વિદ્યાર્થીઓને જ ગાંજો વેંચી બરબાદીના રવાડે ચડાવતાં હોવાનું સામે આવી રહ્યું છે. જે ખુબ ગંભીર બાબત છે.

(11:37 am IST)