Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બાપુના પ્યારા સમાજનું શોષણ બંધ કરો મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપવા સફાઇના કામદારોની ભરતી કરોઃ કોંગ્રેસ

સ્વચ્છ ભારત માટે સફાઇ કામદારોની ભરતી અંગે નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરાશેઃ વિપક્ષનો વશરામ સાગઠિયાએ વડાપ્રધાનનો સમય માંગ્યો

રાજકોટ, તા.૨૮: વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટેની વારંવાર રજૂઆત કરેલ છે છેલ્લે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પણ લેખિત રજૂઆત કરેલ છે પરંતુ તેનું પરિણામ હજુ મળેલ નથી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે સ્વચ્છ ભારતનું મિશન લઈને નીકળ્યા છે ત્યારે  સફાઈ કર્મચારીની ભરતી કરવી જોઈએ અને સફાઈ કર્મચારીઓ જો સારી કામગીરી કરશે તો જ સ્વચ્છ ભારતનું મિશન જે નરેન્દ્રભાઈનું છે તે સાર્થક થઇ શકશે.

શ્રી સાગઠિયાએ વધુમાં જણાવાયુ છે કે, રાજકોટમાં વાલ્મીકી સમાજની ૭૦% વસ્તી ફકત વિજયભાઈના મત વિસ્તારમાં જ છે વિજયભાઈએ તેમની છેલ્લી ચુંટણીમાં વાલ્મીકી સમાજને વચન આપેલ હતું કે ૩ મહિનામાં સફાઈ કર્મચારીની ભરતી કરાવીશ અને કોન્ટ્રાકટ પદ્ઘતિ બંધ કરાવીશ પરંતુ, હજુ એ કરાવી શકયા નથી અગાઉ વજુભાઈ વાળા, મોહનભાઈ કુંડારિયા, વગેરે એ પણ વચનો આપ્યા હતા તે પૂર્ણ થયેલ નથી આજે પણ ફકત રૂ.૨૫૦૦/- માં સફાઈ કામ કરવા જતી દલિત (વાલ્મીકી) સમાજની બહેનો ભૂખમરાને હિસાબે જાય છે પોતાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે જાય છે આવી રીતે હાલ ભાજપના શાશકોમાં સફાઈ કામદારોનું શોષણ થઇ રહ્યું છે.

દરમિયાન શ્રી સાગઠિયાએ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને રજૂઆતનો સમય માંગ્યો છે જો તેઓ સમય આપશે તો દલિત સમાજના આગેવાન તરીકે દલિત સમાજના  શોષણની રજૂઆત  તેઓ કરનાર છે આ રજુઆતમાં શ્રી સાગઠિયા જણાવશે કે ગાંધીબાપુના સ્મારક (યાદ)માં  ૨૬ કરોડ ખર્ચ ઉપરાંત અન્ય ખર્ચા ઓ જોડશો તો ૪૦થી ૪૫ કરોડનો ખર્ચા પહોંચશે ત્યારે ગાંધી બાપુને સાચી શ્રંદ્ઘાજંલિ આપવી હોય તો ગાંધીબાપુના પ્યારા અને જેના ઘરે બાપુ વારંવાર જતા અને જમતા અને તેના વિકાસ માટે ભારતના બંધારણમાં પણ ડો.બાબાસાહેબ આંબેડકરની સાથે રહી ભલામણો કરતા તેવા અનુસૂચિતજાતીના લોકો (દલિત સમાજ)નું જીવનધોરણ સુધરે તેના માટે સફાઇ કામદારોની ભરતી કરવી જરૂરી છે. અને વાલ્મીકી (દલિત) સમાજના લોકોને સફાઈ કામદાર તરીકે નોકરી આપવાની જાહેરાત થશે તો ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને દલિત સમાજના લોકોને સાથે રાખી તેમનું સન્માન કરવાની તૈયાર શ્રી સાગઠિયાની છે. ઉપરાંત છેલ્લા ૨ વર્ષથી ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાયબ્રેરી તૈયાર હોવા છતાં ધૂળ ખાય છે તેમાં સમાજના લોકોએ સુધારા વધારા સુચવવામાં આવેલ કામો છે તે જલ્દીથી થઇ જાય અને લોકો પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે અને ડો.બાબા સાહેબ આંબેડકર જીલ્લા ગાર્ડન ચોક ખાતે દલિત સમાજને મળવા આવેલ હતા તેની યાદમાં આ સ્મારક અને પુસ્તકાલય બન્યું છે તેમાં ફકત એક થી દોઢ કરોડ ખર્ચીને આધુનિક બનાવવાની માંગ છે. ત્યારે સી.એમ. સાહેબ અને  પી.એમ. સાહેબ આ રજુઆતને માન્ય રાખી સફાઈ કર્મચારીનું શોષણ થતું અટકાવો અને વચનો પાળો અને ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાયબ્રેરી તાત્કાલિક પૂર્ણ કરો તેવી વિનંતી શ્રી સાગઠિયાએ નિવેદનના અંતે કરી છે.

(4:28 pm IST)