Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

શહેરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે ૩૦૦૦નો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાફલો ઉતારાયો

૬ એસપી, ૧૯ ડીવાયએસપી, ૩૯ પીઆઇ, ૧૬૬ પીએસઆઇ અને ૨૭૫૦ એએસઆઇ, હેડકોન્સ. અને કોન્સ્ટેબલ તેમજ એસઆરપીની ૩ કંપની, ૧૮ ઘોડેશ્વાર, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ૭ ટીમો અને ૪ ચેતક ટીમો બંદોબસ્ત જાળવશે

રાજકોટ તા. ૨૮: રવિવારે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ પધારી રહ્યા છે ત્યારે તેમની ઝેડ પ્લસ સિકયુરીટી ઉપરાંતની સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ કરી છે. ૩૦૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમો ઉતારવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ વડાપ્રધાનશ્રી મોદીની સુરક્ષા માટે તેઓના આગમનથી સભા સ્થળ અને તેઓ જ્યાં જ્યાંથી પસાર થવાના છે એ રસ્તાઓ પર તેમજ જ્યાં જવાના છે એ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાની તમામ ગોઠવણ કરી લેવામાં આવી છે. કુલ ૬ એસપી તૈનાત રહેશે. જેમાં બે રાજકોટના હશે અને ચાર બહારથી આવશે.  આ ઉપરાંત ૪ ડીવાયએસપી રાજકોટના અને ૧૫ને બહારથી બોલાવાયા છે. ૧૮ પી.આઇ. રાજકોટના હશે અને ૨૧ને બીજા શહેર-ગામોમાંથી બંદોબસ્ત માટે બોલાવાયા છે. આ ઉપરાંત ૯૩ પીએસઆઇ લોકલ તથા ૭૫ પીઆઇ બહારથી આવશે. જ્યારે રાજકોટ શહેરના ૭૦૦ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને બહારના ૨૦૫૦ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલને બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે.  તેમજ એસઆરપીની ૩ કંપની, ૧૮ ઘોડેશ્વાર, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ૭ ટીમો, ચેતક કમાન્ડોની ૪ ટીમો બંદોબસ્ત જાળવશે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રીની રાહબરી હેઠળ તમામ અધિકારીઓ, કર્મચારીઓ વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત માટે ખાસ તૈયારી કરી રહ્યા છે.  ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો ત્યારે પણ રાજકોટ પોલીસે બંદોબસ્તની કાબીલેદાદ કામગીરી કરી હતી.

(4:47 pm IST)