Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજવીને રજવાડી વિદાય સમગ્ર રાજકોટ હિબકે ચડ્યુ

મનોહરસિંહજી જાડેજા (દાદા) પંચમહાભૂતમાં વિલીન : શોકમગ્ન રાજકોટની મોટાભાગની બજારો બંધ : રણજીતવિલાસ પેલેસથી નીકળેલી પાલખીયાત્રામાં હજારો સજળ નયને જોડાયાઃ અંતિમ અંજલિ અર્પવા મુખ્યમંત્રી વિજયભાઇ, ગૃહમંત્રી પ્રદિપસિંહ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ પહોંચ્યા : સલામી આપવા ૯ બંદૂકો ધણધણી : અંતિમયાત્રા પૂર્વે રાજાશાહી પરંપરા મુજબ માંધાતાસિંહજીની ટીકાવિધી

રાજકોટ તા. ૨૮: રાજકોટ રાજ્યના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનું ગઇ સાંજે ૮૩ વર્ષની ઉમરે નિધન થયું. રણજીતવિલાસ પેલેસ ખાતેથી આજે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલી અંતિમયાત્રામાં લાખોની મેદની સજળનયને ઉમટી હતી. સવારે ૧૧:૩૦ કલાકે આ લખાય છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સ્વર્ગસ્થને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આવી પહોંચ્યા છે. રાજવી પરિવારના યુવરાજ માંધાતાસિંહજી જાડેજા અને કુંવર જયદીપસિંહજી (રામરાજા)એ સ્વર્ગસ્થ પિતાજી-દાદાજીને મુખાગ્નિ આપ્યો ત્યારે ઉપસ્થિત સોૈની આંખમાં અશ્રુ ઉમટી પડ્યા હતાં.  હજારોની મેદની સાથેની અંતિમયાત્રા જે-જે રાજમાર્ગો-બજારોમાંથી પસાર થઇ તે બજારો સ્વયંભૂ શોકમય બંધ રહી.

અંતિમયાત્રા પૂર્વે રાજાશાહી પરંપરા મુજબ માંધાતાસિંહજી જાડેજાની ટીકાવિધી કરવામાં આવી હતી. હવેથી દાદાના સ્થાને ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજીના સ્થાને યુવરાજ તરીકે જયદિપસિંહજી ગણાશે.

આ પહેલા છ ઘોડાની રજવાડી બગીમાં 'દાદા'ના પાર્થિવદેહને બેસાડી અંતિમયાત્રા નીકળી હતી. રાજકોટ પોલીસ બેન્ડ અને ઘોડેસ્વારોનો કાફલો પણ અંતિમયાત્રાની આગળ શોકમય સુરાવલી વહેવડાવતો જોડાયો હતો. અંતિમયાત્રાનો પ્રારંભ થયો એ પૂર્વે રણજીતવિલાસ પેલેસ ખાતે રાજવી પરંપરા મુજબ ૯ ગન સેલ્યુટ આપવામાં આવી હતી. સવારે ૮ થી ૧૦ સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ રણજીતવિલાસ પેલેસના દિવાન ખંડમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.

જો કે વહેલી સવારથી જ રાજકોટ જીલ્લાના તાલુકદારી ભાયાતો અને સોૈરાષ્ટ્રના રાજવી પરિવારો, વેપારી અગ્રણીઓ, સંતો-મહંતો અને ભાજપ-કોંગ્રેસના સ્થાનિક આગેવાનોનો તાતો લાગી ગયો હતો.

૧૮-૧૧-૧૯૩૫ના રોજ જન્મેલા મનોહરસિંહજી જાડેજામાં દાદા લાખાજીરાજ બાપુના લોકશાહીના મુલ્યો ઉતર્યા હતાં. રાજકોટની રાજકુમાર કોલેજમાં એમણે શિક્ષણ લીધું હતું. ત્યારપછી લંડનની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની અને ઇંગ્લીશ લિટરેચરની ડિગ્રી મેળવી હતી. પરિવારના વડવા મેરામણજી ત્રીજાએ લખેલા પ્રવિણસાગર ગ્રંથ અને કવિ કલાપી સાથેના કોૈટુંબીક સંબંધોએ તેમને સાહિત્યમાં પણ રૂચી ધરાવતાં કર્યા હતાં. પાછળથી તેઓ કવિ-લેખક તરીકે ઉભરી આવ્યા હતાં. વર્ષો સુધી તેમણે કવિતાઓ લખી હતી. તેમનો પહેલા કાવ્યસંગ્રહ 'કલ્પનાવાટે'નું પ્રકાશન ૧૯૯૭માં થયું હતું. એ પછી 'અનુરાગ', 'અનુગ્રહ' કાવ્યસંગ્રહ પણ દાદાએ સાહિત્ય જગતમાં આપી ગદ્ય અને પદ્ય બંનેમાં પોતાની હથોટી પુરવાર કરી હતી.

તેમનું રાજકિય જીવન આજપર્યંત લોકો માટે પ્રેરણારૂપ રહ્યું છે. બેસ્ટ પાર્લામેન્ટેરિયન તરીકે તેઓ ગુજરાતના રાજકારણમાં કાયમી છાપ છોડી ગયા છે. રાજકોટ રાજપરિવારના લોકશાહીના મુલ્યો, લોકલક્ષી અભિગમ આજ સુધી ઉજાગર રહ્યો છે. જેમાં મનોહરસિંહજી દાદાનો અમુલ્ય ફાળો રહ્યો હતો.

'દાદા'ની વિદાયથી રાજકોટ, સોૈરાષ્ટ્ર અને ગુજરાતે એક મોટા ગજાના ઉચ્ચ દરજ્જાના નેતા અને લોકસેવક ગુમાવ્યા છે. સ્વર્ગસ્થ મનોહરસિંહજીએ પોતાના પિતાશ્રીના અવસાન વખતે અંતિમયાત્રા પહેલા રાજ્ય પરંપરા મુજબ રાજ્યની જવાબદારી સ્વીકારી અને સદ્દગત પિતાજીની અંતિમયાત્રા પહેલા માતુશ્રીની મંજુરી લેવી એ કામગીરી કેટલી કપરી હોઇ શકે તે સમજાઇ શકે તેવું છે. 'જિંદગીભર જેણે અમારો ભાર વેંઠ્યો છે એનો આટલો ભાર શું અમે નહિ ઉપાડી શકીએ?' રથમાં બેસવા માટે સ્વજનોની વિનંતીનો અસ્વીકાર કરી સ્મશાન સુધી પિતાજીની અરથી ખંભે ઉંચકનારા શ્રી મનોહરસિંહ જાડેજા આજે જીવનના એક જુદા જ પંથે સોૈને અલવિદા કહી ચાલી નીકળ્યા છે.

(3:03 pm IST)