Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પ્લાસ્ટીકનો વિકલ્પ બાયો પોલીમર

મકાઈ, શેરડી, બટેટા અને ફૂડ વેસ્ટમાંથી કોમ્પોસ્ટેબલ અને બાયોડિગ્રેડેબલ પ્રોડકટ તૈયાર કરવામાં જર્મનીની ડિગ્રી ધરાવતા દિવ્યેશ ડઢાણીયાને ધારી સફળતા : રીસર્ચ ચાલુ

રાજકોટ, તા. ૨૮ : ભારત દેશમાં ઘણા રીસર્ચ ચાલે છે. ભારત સરકારે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી અને સીઓઈ (સેન્ટર ઓફ એકિસલેન્સ) જેવી ઘણી બધી સંસ્થાઓ સ્થાયી છે અને પુરતુ ભંડોળ પણ આપ્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર જુદી જુદી સંસ્થાઓમાં કામ કરે છે અને અવનવી ટેકનોલોજીનું સંશોધન કરે છે. પેપર પબ્લીશ (આંતરરાષ્ટ્રીય સ્તર પર) થાય છે. પેટન્ટ્સ રજીસ્ટર થાય છે પણ એવુ ઘણુ ઓછુ અથવા નહિવત સાંભળ્યુ છે કે રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં સંશોધન થયેલી ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝ સ્તર પર આવે અને દેશમાં બધાને ફાયદો થાય તેમ રાજકોટના યુવા વિદ્યાર્થી શ્રી દિવ્યેશ ડઢાણીએ જણાવ્યુ હતું.

જર્મન ડિગ્રી ધરાવતા દિવ્યેશ ડઢાણીયાએ આવો જ એક પ્રયાસ કરેલો છે. દિવ્યેશનું પોસ્ટ ગ્રેજ્યુએશન જર્મનીમાં પોલીમર ટેકનોલોજી પર થયેલુ છે. ત્યારબાદ તે જર્મનીમાં જુદા જુદા ફિલ્ડમાં રિસર્ચ કરતા હતા. તેઓનું ધ્યાન ખેંચાયુ કે ભારતમાં કેમ નવી નવી ટેકનોલોજી ડેવલપ થતી નથી. અથવા ઘણા ઓછા અંશે થાય છે. ભારતને જર્મની, અમેરીકા અને બીજા યુરોપિયન દેશોમાંથી ટેકનોલોજી એડોપ્ટ કરવી પડે છે અને ખૂબ ઉંચુ મૂલ્ય ચૂકવવુ પડે છે. આ જ ઉદ્દેશ સાથે તેણે હાલનો પ્લાસ્ટીક પોલ્યુશન્સનો પ્રોબ્લેમ નિવારવા માટે બાયો પોલીમર પર રિસર્ચ શરૂ કર્યુ. પહેલા જાતે જ અમદાવાદમાં લેબોરેટરીમાં પ્રયોગો શરૂ કર્યા અને સફળતા મળી પછી વધારે સપોર્ટ અને આધુનિક લેબોરેટરી અને સાધનોની સગવડ માટે આઈઆઈટી ગુવાહાટીનો સંપર્ક કર્યો. આઈઆઈટી ગુજરાતીમાં આવેલા સેન્ટર ઓફ એકિસલન્સ ફોર સસ્ટેનેબલ પોલીમર (સીઓઈ-સસ્પોલ)ની લેબોરેટરીની મુલાકાત લીધી. સાથે ઈન્ડસ્ટ્રીઝ સપોર્ટ માટે અમદાવાદની કંપની કે.પી. ટેક મશીન (ઈન્ડિયા) પ્રા.લી.નો પણ સંપર્ક સાધ્યો. કે.પી.ટેક.ના સીએમડી પીંકલભાઈ શેખલીયાના માર્ગદર્શન હેઠળ આ કામ આગળ વધ્યુ અને જુલાઈ ૨૦૧૮ના આઈઆઈટી ગુજરાતી અને કે.પી. ટેક સાથે એમઓએ (મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ) સાઈન કર્યુ ત્યારથી પ્રોજેકટનું રીસર્ચ કામ આઈઆઈટી ગુજરાતીમાં ચાલુ થયુ.

પ્રોજેકટનો મુળ હેતુ બાયો પોલીમર મેન્યુફેકચર કરવાની કોમર્શીયલ ટેકનોલોજી ડેવલપ કરવાનો છે. બાયોપોલીમર દેખાવમાં પ્લાસ્ટીકના દાણા જેવા જ હોય છે. જેને બીજા પ્લાસ્ટીકની જેમ જુદી જુદી પ્રોડકટ્સ બનાવવામાં વાપરી શકાય છે. જેમ કે સીંગલ યુઝ પ્લાસ્ટીક એપ્લીકેશન (કપ, પ્લેટ, કટલેરી, કોથળીઓ, કેરી બેગ, ફૂડ કન્ટેઈનરસ), ૩ડી પ્રિન્ટીંગ, નોન - વોવન વપરાન (બેગ, એપ્રોન, માસ્ક, કેપ વગેરે જેની મેડીકલ વપરાશ), ટેકસટાઈલ્સ વગેરે જેવી જગ્યાએ ઉપયોગમાં આવી શકે છે. આ પોલીમરનો મહત્વનો ફાયદો એ છે કે તેના વપરાશ પછી પ્રોપર કંડીશન જાળવવામાં આવે તો ૯૦ દિવસમાં નાશ પામે છે. અથવા જાહેરમાં ફેંકી દીધા પછી પાણી (હવામાં રહેલો ભેજ), સૂર્યપ્રકાશ અને જમીનમાં રહેલા બેકટેરીયાની હાજરીમાં નાશ થવાની પ્રોસેસ શરૂ થાય છે. ટૂંકમાં આ પ્રોડકટ્સ પૂરે પૂરી કોમ્પોસ્ટેબલ અને બાયોડિગ્રેડેબલ છે. જે નાશ પામીને ખાતરમાં પરિણમે છે.

શ્રી ડઢાણીયાએ વધુમાં જણાવેલ કે હાલમાં પર્યાવરણલક્ષી પ્રોબ્લેમ જે પ્લાસ્ટીક પોલ્યુશનને લીધે થાય છે તેના માટે ખૂબ જ સારૂ સોલ્યુશન છે. સરકાર પણ પ્લાસ્ટીકને લીધે થતા પોલ્યુશન પર અંકુશ લેવા ઘણા પ્રયત્નો કરી રહી છે અને ઘણા બધા વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ અને પર્યાવરણને સપોર્ટ કરતા બાયોપોલીમરનો વપરાશ અનિવાર્ય છે. આ ઉપરાંત જે મેડીકલ વેસ્ટના પ્લાસ્ટીકને ઉંચા તાપમાન પર સળગાવીને નાશ કરવામાં આવે છે અને તેના લીધે હવાનું પ્રદુષણ થાય છે અને ગ્રીન હાઉસ ઈફેકટ ઉદ્દભવે છે. તેના માટે પણ બાયોપોલીમર ખૂબ સારો ઓપ્શન છે. બીજા ઘણા બધા ક્ષેત્રોમાં અમારૂ રિસર્ચ ચાલી રહ્યુ છે અને જુદી જુદી જગ્યાએ આ બાયો પોલીમરનો વપરાશ કરવાની દિશામા આગળ વધી રહ્યા છીએ.

આ બાયો પોલીમર બનાવવા માટેનું રો મટીરીયલ મકાઈ, શેરડી, બટેટા, ટેપીઓકા, એગ્રીકલ્ચર અને ફૂડ વેસ્ટ વગેરે છે. જેનાથી ભારતના ખેડૂતને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. આજે દેશમાં મકાઈ અને શેરડીના પોષણક્ષમ ભાવ ન મળવાને લીધે ખેડૂત તેનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટાડતા જઈ રહ્યા છે. કૃષિપ્રધાન દેશ માટે ખરાબ સમાચાર છે. મકાઈ માંથી બનતી ઈન્ડસ્ટ્રીઝ રીલેટેડ પ્રોડકટનું માર્કેટ પણ ધોવાતુ જાય છે. જેના લીધે મકાઈ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ પણ સરખી રીતે ચાલી નથી રહી. અહિં બાયો પોલીમર જેવુ કોઈ વેલ્યુ એડેડ પ્રોડકટનું પ્રોડકશન મકાઈ અને શેરડી જેવા રો મટીરીયલમાંથી કરવામાં આવે તો ખેડૂતને પણ વધુ ઉત્પાદન કરવા તરફ પ્રોત્સાહિત કરી શકાય. ઈઝરાયલની જુદી જુદી પદ્ધતિથી પણ મકાઈનું ખૂબ સારૂ ઉત્પાદન લઈ શકાય છે.

પ્લાસ્ટીકથી પર્યાવરણને થતા પારાવાર નુકશાનને અટકાવી શકાય છે અને પર્યાવરણ જાળવણીમાં ઘણુ યોગદાન આપી શકાય છે. સરકારને પણ સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે ખૂબ સારો ઓપ્શન મળી રહે છે.

આ પ્રોજેકટ માટે જાપાનના કયોટો ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના નિવૃત પ્રોફેસર પણ એડવાઈઝર તરીકે સંકળાયેલા છે. જેનું નામ પ્રો.યોશીહારૂ કીમુરા છે અને તેણે બાયોપોલીમરમાં ૪૦ વર્ષથી વધુનો અનુભવ છે અને ઘણી બધી બાયોપોલીમર રીલેટેડ ટેકનોોલજીમાં સંકળાયેલા છે અને  પેટન્ટ્સ ધરાવે છે. છેલ્લે નવેમ્બર ૨૦૧૮માં તેમને જાપાનીઝ ટીમ સાથે ગુજરાત અને ગુવાહાટીની મુલાકાત લીધી હતી. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સેક્રેટરી શ્રી એમ. કે. દાસની જાપાનીઝ ટીમ સાથે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પર્યાવરણ વિભાગના આઈએએસ શ્રી એસ.જે. હૈદર અને જીઆઈડીસીના ડી.થારાની મુલાકાત લીધી હતી.

હાલમાં આ પ્રોજેકટમાં લેબોરેટરી સ્કેલના સફળ પ્રોડકશન પછી આ ટેકનોલોજીને લેબોરેટરી સ્કેલના પાઈલટ પ્લાન્ટ સુધી ડેવલપ કરવામાં આવી હતી. લેબોરેટરી સ્કેલના પાઈલટ પ્લાન્ટના સફળ પ્રોડકશન પછી આ ટેકનોલોજીને ઈન્ડસ્ટ્રીઝ લેવલના પાઈલટ પ્લાન્ટ માટે ડેવલપ કરવામાં આવી હતી અને સફળતા પૂર્વકના પ્રોસેસ ઓપ્ટીમાઈઝેશન પછી એન્જીનિયરીંગ ડિઝાઈન બનાવેલ છે. હાલમાં ઈન્ડસ્ટ્રીઝ  પાઈલટ પ્લાન્ટ જેની કેપેસીટી ૧૦૦ ટીપીએ છે, ની એન્જીનીયરીંગ ડિઝાઈન સફળતાપૂર્વક પૂરી કરેલી છે અને આગળની પ્રોસેસ ચાલુ હોવાનું તેઓએ અંતમાં જણાવ્યુ હતું. તસ્વીરમાં શ્રી દિવ્યેશ ડઢાણીયા (મો. ૯૯૯૮૮ ૯૬૯૯૦) સાથે શ્રી હિરેન ડઢાણીયા નજરે પડે છે.(૩૭.૨૫)

(4:18 pm IST)