Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

હરસુખભાઇ સંઘાણીની પૂણ્યતીથીએ ભાવવંદના

ફુલછાબના પૂર્વ તંત્રી અને પત્રકારત્વના ભિષ્મપિતા એવા

૧૯૯૪ ની પહેલી મે ના ૨૦ વર્ષની ઉંમરે પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કરનાર સ્વ. હરસુખભાઇ સંઘાણીનો જન્મ તા. ૨૧-૮-૧૯૩૦ ના ગોંડલ ખાતે થયો હતો. તેમના પિતાશ્રી મગનલાલ સંઘાણી ગોંડલ રાજયની શાળાના શિક્ષક હતા. હરસુખભાઇ ભણવામાં ખુબ તેજસ્વી હતા. સારા માર્કસ સાથે એસ.એસ.સી. પાસ કરેલ. કોલેજમાં આવ્યા ત્યારે તેમને સારા તબીબ બનાવવાની ઇચ્છાથી પિતાશ્રીએ પુનાની ફર્ગસન કોલેજમાં પ્રવેશ મેળવવા  મોકલ્યા. પરંતુ અળસીયાના ડીસેકશન દરમિયાન એક અળસીયુ તેમનાથી ફાટી જતા માર્કસ કપાઇ ગયા. માત્ર ૩ માર્કસ ઓછા આવવાથી મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળ્યો. અહીંથી તેમની દીશા બદલાઇ. બાદમાં રાજકોટમાં જ કોલેજ શરૂ કરી દીધી. એ દરમિયાન પ્રકારત્વમાં તેમનો પ્રવેશ થયો. સ્વ. અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના નેતૃત્વતળે સૌરાષ્ટ્રની ધરતીનો ધબકાર રજુ કરતા 'ફુલછાબ' માં તેમણે લોકાભિમુખ અને વિકાસશીલ પત્રકારિત્વની પરંપરાને વેગ આપ્યો. સતત ૩૭ વર્ષ સુધી એકધારા પ્રયાસો દ્વારા 'ફુલછાબ' ના નૂતન ઘડતરમાં તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યુ. 'ફુલછાબ' ને વિશિષ્ટ સ્થાને લઇ જવામાં તેમના અગ્રલેખોનો ફાળો પણ વિશેષ રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે હરસુખભાઇએ ફુલછાબનું તંત્રીપદ સંભાળ્યુ ત્યારથી તેમણે ગ્રામ વિસ્તારના સમાચારોને વધારેમાં વધારે પ્રાધાન્ય આપ્યુ. તેઓ માનતા કે આપણો સાચો વાચક ગામડામાં બેઠેલો ગામડીયો છે. ગામડાના નાનામાં નાના સમાચારને પુરતુ પ્રાધાન્ય અપાતુ. ગામડાને લગતા ખાસ વિભાગો પણ ફુલછાબમાં શરૂ કરાવ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને પ્રાધાન્ય આપવાની સાથોસાથ ફુલછાબ સૌરાષ્ટ્રની સમસ્યાઓને પ્રસિધ્ધિ આપવામાં   ફુલછાબનું મુખ્ય યોગદાન રહ્યુ. વય મર્યાદાના કારણે ૩૧ મી માર્ચ ૧૯૯૮ ના ફુલછાબમાંથી નિવૃત્ત થયા. તેઓની ૩૭ વર્ષની સુદિર્ઘ સેવા દરમિયાન ૨૩ વર્ષ તંત્રીપદે રહ્યા. તેમના કાર્યકાળમાં અનેક નવોદિત પત્રકારોનું ઘડતર થયેલુ. ૨૭ ઓગષ્ટ ૧૯૯૯ ના તેમનું અવસાન થયુ.

- વિપુલ પંચમીઆ

(4:17 pm IST)