Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

હવે મચ્છરોનો ઉત્સવ શરૂઃ મેલેરિયાના કર્મચારીઓની હડતાલઃ ઉપદ્રવ ઘટાડવામાં તંત્ર વામણું સાબીત થઇ રહ્યું છે

રંગીલા રાજકોટની પ્રજાએ જન્માષ્ટમીની મોજ માણી લીધી : અધિકારીઓ-પદાધિકારીઓ પણ મચ્છર નાબુદીનાં અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ

રાજકોટ તા. ર૮: જન્માષ્ટમીનાં તહેવારોની મજા રંગીલા રાજકોટવાસીઓ માણી ત્યારે હવે મચ્છરોને પણ જાણે ઉત્સવ ઉજવવાની મોજ પડી છે. કેમકે આ સમય દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધુ ફેલાયો છે અને તહેવારોની મજા માણતાં તંત્ર વાહકો આ ઉપદ્રવ ઘટાડવામાં વામણાં સાબીત થઇ રહ્યા છે અને ડેંગ્યુ-મેલેરિયાનો રોગ ફેલાઇ રહ્યો છે. બીજી  તરફ મેલેરીયા વિભાગનાં કર્મચારીઓની હડતાલ પણ યથાવત છે.

આ અંગે હડતાલ ઉપર ઉતરેલા મેલેરિયા કર્મચારીઓએ શહેરીજનો પ્રત્યે ચિંતાની લાગણી વ્યકત કરી જણાવ્યું છે કે, વરસાદ ખુબ જ સારા પ્રમાણમાં  થયો છે. એટલે બધી બાજુ઼ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાથી એમાં મચ્છર ઇંડા મુકે છે. આ ઇંડામાંથી સાતમાં દિવસે એ મચ્છર થઇ ઉડી જાય છે. ચોખ્ખા પાણીમાં મચ્છર ઇંડા મુકે છે. આપણાં ઘરમાં રહેલ ફ્રિઝની પાછળની ટ્રેમાં ડેન્ગ્યુ જેવા ભયંકર મચ્છરનો જન્મ થાય છે.

આ બધી વાતો મેલેરિયા કર્મચારીઓ રાજકોટની જાહેર જનતાને રાડો પાડી પાડીને ઘરે ઘરે જઇને સમજાવે છે. જૂનથી ડિસેમ્બર સુધી એટલે કે છ માસમાં ડેન્ગ્યુના મચ્છરો થાય છે. દરમ્યાન મેલેરીયા જેવા રોગો થાય છે. આમ બારે માસ આરોગ્ય સેવાનો લાભ રાજકોટની જનતાને મળવો જોઇએ.

પણ આ રંગીલા રાજકોટની ભોળી જનતાને કયાં ખબર છે કે ર૦ લાખની વસ્તી સામે રાજકોટ મહાનગર પાલીકા પાસે તો ફકત ૭૦ માણસો જ કાયમી કામ કરે છે. બાકીના જે ર૦૦ સ્વયં સેવકો છે એ તો હડતાલ ઉપર છે અને તેઓ પાસે પણ છ માસ જ કામ કરાવે છે. ત્યારે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર તથા આરોગ્ય ચેરમેન તથા આરોગ્ય શાખાના અધિકારીઓ કે આ ભાજપ સરકારના પદાધિકારીઓની કોઇ જ જવાબદારી નથી? તેવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે.

(4:15 pm IST)