Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજનાના છેલ્લા ૩ દિ'

આ યોજનામાં ૩૬૪૬ વ્યવસાયીકોએ લાભ લીધોઃ ૪.૨૧ કરોડની આવકઃ તા. ૩૦ અને ૩૧ ઓગષ્ટ સાંજના ૮ કલાક સુધી વેરો સ્વીકારાશે

રાજકોટ, તા. ૨૮ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી યોજના હોય વ્યવસાય વેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વ્યવસાય વેરામાં નોંધાયેલ કુલ ૧૧,૫૮૬ જેટલા બાકીદારોને વ્યવસાય વેરો ભરપાઈ કરવા નોટીસો પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાત ન આવ્યેથી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે. વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજનાની મુદત તા. ૩૧ ઓગષ્ટ સુધી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વ્યવસાય વેરા વ્યાજ માફી યોજનાનો કુલ ૩,૬૪૬ જેટલા વ્યવસાયીકો - ધંધાર્થીઓ દ્વારા લાભ લીધેલ છે જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાય વેરા પેટે રૂ. ૪.૨૧ કરોડની આવક થયેલ છે. તેમજ કુલ રૂ. ૩.૩૦ કરોડનું વ્યાજ માફ કરેલ છે. ચાલુ નાણાકીય વર્ષની વ્યવસાય વેરાની કુલ આવક રૂ. ૧૩.૭૬ કરોડ થયેલ છે.

વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના પ્રથમ અને છેલ્લી વખત આવેલ છે તેમજ તા. ૩૧-૮-૨૦૧૯ સુધી જ અમલમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૩૦ અને તા. ૩૧ એમ ૨ દિવસ નવા વ્યવસાય વેરાની નોંધણી અને તમામ પ્રકારની વહીવટી કામગીરી સાંજના ૭.૦૦ કલાક સુધી તમામ વોર્ડ ઓફિસ ખાતે ચાલુ રાખવા તેમજ વ્યવસાય વેરાની વસુલાત તમામ વોર્ડ ઓફિસ અને સીટી સિવિક સેન્ટર ખાતે સાંજના ૮.૦૦ કલાક સુધી ચાલુ રાખવા નિર્ણય કરેલ છે. વ્યવસાય વેરા અધિકારી શ્રી ધોણિયાની યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)