Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

તહેવારમાં માતા-પિતાને મળવા વતન ન જઇ શકતાં પદ્દમા નેપાળીનો ફાંસો ખાઇ આપઘાત

મોબાઇલ ફોન પણ ન હોઇ વાત પણ કરી શકતી નહોતીઃ મૃતકના ભાઇઓએ પ્રારંભે હત્યા થયાનો આક્ષેપ કરતાં મૃતદેહનું પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું: માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૨૮: શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૪માં કારખાનાની ઓરડીમાં રહેતી પદ્દમા સૂરજ સોની (નેપાળી) (ઉ.૨૨) નામની પરિણીતાનું ગળાફાંસાથી મોત નિપજતાં તેણીના ભાઇઓએ હત્યાનો આક્ષેપ કરતાં ચર્ચા જાગી હતી. પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી પતિ સૂરજને પુછતાછ માટે બેસાડી દીધો હતો. પોસ્ટ મોર્ટમમાં ગળાફાંસાથી જ મોત થયાનું ખુલ્યું છે. દરમિયાન પોલીસની વિશેષ તપાસમાં એવું ખુલ્યું છે કે બે મહિનાથી જ પદ્મા રાજકોટ આવી હતી. તે તહેવારની રજામાં માવતર પાસે વતન ન જઇ શકતાં અને મોબાઇલ ફોન ન હોઇ વાત પણ કરી ન શકતાં માતા-પિતાની યાદ આવતી હોઇ તેના કારણે આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સમ્રાટ એરિયા શેરી નં. ૪માં કારખાનાની ઓરડીમાં પદ્દમા સૂરજ સોની નામની નેપાળી પરિણીતા ઓરડીના પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળતાં ૧૦૮ના ઇએમટી દિનેશભાઇએ તેણીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પદ્દમાનો પતિ સૂરજ દલબહાદુર કારખાનામાં મજૂરી કરે છે. પદ્દમાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં અને સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. મૃતક પદ્દમા ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતી. તેના ભાઇ અર્જૂન સહિતનાએ એવો આક્ષેપ કર્યો હતો કે બહેને આપઘાત નથી કર્યો પણ પતિ સૂરજે તેની હત્યા કરી હોય તેવી શંકા છે. પોલીસે સૂરજને પુછતાછ માટે પોલીસ મથકમાં બેસાડી દીધો હતો. સૂરજે એવું રટણ કર્યુ હતું કે પોતે સાંજે કારખાનેથી ઓરડીએ આવ્યો ત્યારે દરવાજો અધખુલ્લો હતો અને પત્નિ લટકતી જોવા મળી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મોત ગળાફાંસાથી જ થયાનું ખુલ્યું હતું.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વતન રહેતાં માતા-પિતાની યાદ આવતી હોઇ પદ્દમા બે ત્રણ દિવસથી ગૂમસૂમ રહેતી હતી. તે તહેવારની રજામાં ત્યાં જઇ ન શકતાં પગલુ ભરી લીધું હતું.

(4:13 pm IST)