Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પીડીએમ કોલેજમાં યુવતિની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

પરીક્ષા આપવા ગયેલ દિક્ષા મકવાણાની સગાઇ બીજા સાથે થયેલ હોય પ્રેમી રાજુ ઉર્ફે રાજ મકવાણાએ ગુપ્તીના ૧૭ ઘા મારીને યુવતીની હત્યા કરી હતીઃ બનાવ સ્થળે આરોપીની હાજરી તેમજ ગુપ્તી, આરોપી અને મરનારના લોહી ઉપરથી પણ કેસ પુરવાર થાય છેઃ સરકારી વકીલ પ્રશાંત પટેલની રજૂઆત કોર્ટે ગ્રાહય રાખી સજા ફટકારી

હત્યાનો ભોગ બનનાર દીક્ષા મકવાણાનો  તથા આરોપી રાજુ ઉર્ફે રાજ મકવાણાનો ફાઇલ ફોટો અને ઘટના સ્થળ જોઇ શકાય છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૮ :.. રાજકોટના કોઠારીયા રોડ, હુડકો પોલીસ ચોકીની પાછળ, પુજા પાર્ક શેરી નં. ર માં રહેતી દિક્ષા દિનેશભાઇ મકવાણા નામની યુવતીનું પી. ડી. માલવીયા કોલેજના ગ્રાઉન્ડમાં ગુપ્તીના ૧૭ ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ કોઠારીયા રોડ, બાલાજી પાર્ક શેરી નં. ૧ માં રહેતા રાજુ ઉર્ફે રાજ પ્રદીપભાઇ મકવાણા સામેનો કેસ ચાલી જતા એડી. સેશન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે આરોપીને તકસીરવાન ઠરાવી આઇ. પી. સી. કલમ ૩૦ર મુજબ આજીવન કેદની સજા તથા રૂ. પ૦૦૦ દંડ તથા જી. પી. એકટની કલમ ૧૩પ (૧) મુજબ ચાર મહીનાની સજા અને રૂ. પ૦૦ દંડની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મરણજનાર દિક્ષાને આરોપી રાજ પ્રેમ કરતો હતો અને દીક્ષાની સગાઇ અન્ય સાથે થઇ જતા આરોપીને સારૂ નહી લાગતા તેનો ખાર રાખી તા. ર૩-૪-ર૦૧પ ના રોજ દીક્ષા પીડીએમ કોલેજે તેના નાની ગીતાબેન સાથે પરીક્ષા આપવા ગયેલ ત્યારે આરોપીએ ગુપ્તી કાઢીને દીક્ષને આડેધડ ૧૭ જેવા ઘા મારી મોત નીપજાવેલ હતું.

આ બનાવ અંગે ત્રંબા ગામે રહેતા મરનારના નાની ગીતાબેન મનસુખભાઇ પીઠવાની ફરીયાદી નોંધીને માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ ૧૮ સાહેદો તપાસીને ર૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને સરકારી વકીલ શ્રી પ્રશાંત પટેલએ નજરે જોનાર સાહેદ તેમજ પંચો તપાસી પુરાવાની કડીઓ મેળવીને કેસમાં પોતાની દલીલ રજૂ કરીને ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો.

આ કેસમાં સરકારી વકીલ શ્રી પ્રશાંત પટેલે રજુઆત કરેલ કે, ડીસ્કવરી પંચે લોહીનાં ડાઘાવાળુ હથીયાર તેમજ કાળી બેગ વિગેરે ઓળખી બતાવેલ છે તેમજ આ ગુપ્તી ઉપર મળી આવેલ લોહી તથા બનાવ જગ્યાએ મળી આવેલ લોહી તેમજ મરનારના લોહીનો નમુનો અને આરોપીના કપડા ઉપરથી મળી આવેલ લોહી મરનારના રૂધિર જુથનું છે જેથી આરોપી બનાવ જગ્યાએ હાજર હોવાનું જણાય છે, વધુમાં નજરે જોનાર ફરીયાદોએ મરનારને બનાવ સ્થળે આરોપીએ જ ગુપ્તીના ઘા મારી ઇજા કર્યાનું જણાવી કોર્ટ રૂબરૂ આંગળી ચીંધીને ઓળખી બતાવેલ હોવાનું જણાવેલ જેથી ફરીયાદીની જુબાનીને માનવી જોઇએ.

વધુમાં સરકારી વકીલ પ્રશાંત પટેલે રજૂઆત કરેલ કે આરોપીનો અગાઉથી ખુન કરવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે તથા ફરીયાદી પક્ષ દ્વારા રજૂ થયેલ પુરાવા જોતા આરોપી વિરૂધ્ધ કેસ પુરવાર થતો હોય ખુનના ગુનામાં આરોપીને મહત્તમ સજા કરવી જોઇએ. એડી. સેશન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે સરકારી વકીલશ્રીની દલીલ સાથે સહમત થઇને આરોપીને કસુરવાર ઠરાવી ઉપર મુજબનો ચુકાદો આપેલ હતો. આ કેસમાં સરકાર પક્ષે એ. પી.પી. પ્રશાંત પટેલ રોકાયેલ હતાં

(4:11 pm IST)