Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

મેળામાંથી ટનબંધ કચરો ઉપાડવા સ્ટોલ ખાલી કરાવ્યા સવારથી કલેકટર-કોર્પોરેશનના અધિકારીઓનો પડાવ..

સીટીપ્રાંત-૧ ચૌહાણ તથા ડે. કમીશ્નર ચેતન ગણાત્રાએ ટીમો ઉતારીઃ ધડાધડ સૂચના : એક ડઝન તલાટીઓને કામે લગાડયાઃ સવારથી ૧૦૦થી વધુ સફાઇ કામદારો તૈનાતઃ બપોર બાદ ૨૫૦ સફાઇ કામદારો મુકાશે :જેસીબી ઉતારાયું: મંડપ કોન્ટ્રાકટરને પણ ધડાધડ સ્ટોલ છોડવા આદેશોઃ સ્ટોલ ધારકોએ ર દિ' કહેતા કડક ભાષામાં સમજાવી દેવાયું : ધડાધડ સ્ટોલ ખુલવા માંડયાઃ સસ્તા ભાવે વસ્તુ લેવા રાજકોટની પ્રજાનું સતત આવન-જાવન

લોકમેળામાં આજે સવારથી કચરો સાફ કરાવવા કલેકટર-કોર્પોરેશન દ્વારા અભિયાન હાથ ધરાયું છે, તસ્વીરમાં ડે. કલેકટર અને સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણ, મ્યુ.ના ડે. કમીશ્નરશ્રી ચેતન ગણાત્રા, ''અકિલા''ને વીગતો આપતા જણાય છે. અન્ય તસ્વીરોમાં મેળાના તમામ દરવાજે પોલીસ બંદોબસ્ત, મેળાની અંદર બહાર ટન બંધ કચરો, સફાઇ અભિયાન, જેસીબી દ્વારા કાર્યવાહી વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા.૨૮, લોકમેળાનું સમાપન થયું, અને આજે સવારથી મેળાનું મેદાન ખાલી કરાવવા, ટનબંધ કચરો ઉપાડવા, સ્ટોલ ખાલી કરાવવા કલેકટર અને કોર્પોરેશનના તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે સફાઇ અને ખાલી અભિયાન હાથ ધર્યું છે.

સીટીપ્રાંત-૧, ડે. કલેકટર અને મેળાનું સફળ સુપરવિઝન કરનાર શ્રી ચૌહાણ પોતાના મામલતદારો અને તલાટીઓની ટીમો સાથે તથા કોર્પોરેશનના ડે.કમીશ્નર શ્રી ચેતન ગણાત્રા સેનેટરી ઇન્સપેકટરો,૧૮૦થી વધુ સફાઇ કામદારો અને બે જેસીબીની મદદ લઇ મેળાના મેદાનમાં પહોંચી ગયા હતા, સ્ટોલ ધારકોને બોલાવી ધડાધડ પોતાનો માલ ઉપાડવા, સ્ટોલ ખાલી કરવા જણાવી દીધુ હતુ, સ્ટોલ ધારકોએ ૨ દિવસ લાગશે એવુ જણાવતા, રસોઇનું કહેતા બંને અધિકારીઓએ કડક વલણ અપનાવતા અને સ્ટોલધારકોને સાનમાં સમજાવી દેતા ધડાધડ સ્ટોલ ખાલી થવા માંડયા છે. બે લાઇન તો ખાલી પણ થઇ ગઇ છે. જેસીબી દ્વારા કામગીરી શરૂ કરી દેવાઇ છે. એથ્લેટીક મેદાન રોડ ઉપર પણ સફાઇ કામદારો અને સ્વીપર મશીનો કામે લગાડાયા છે.

 ડે. કલેકટરશ્રી ચૌહાણ ''અકિલા''ને જણાવ્યું હતુ કે મેળો એંકદરે સફળ રહયો છે. સ્ટોલધારકોને ખર્ચ મુજબ આવક પણ થઇ છે. કોઇ ઘટના બની નથી અને રંગીલા રાજકોટની રંગીલી પ્રજાએ મનભરીને મેળો માણ્યો છે.

ડે. કમીશ્નર શ્રી ચેતન ગણાત્રાએ ''અકિલા''ને જણાવ્યું હતુ કે સવારથી ૧૦૦ સફાઇ કામદારો-જેસીબીની મદદ લઇ સફાઇ અભિયાન હાથ ધરાયું છે. બપોર પછી ૨૫૦થી વધુ સફાઇ કામદારોની ફોજ ઉતારી દેવાશે.

ડે. કલેકટરશ્રી ચૌહાણ દ્વારા મામલતદારો અને એક ડઝન તલાટીઓની ટીમો ઉતારી સ્ટોલની દરેક લાઇનમાં ફરી વળતા અને સ્ટોલ ખાલી કરાવવા સુચના અપાઇ હતી.

સવારથી મેળાની અંદર અને ચારેય ગેઇટ પાસે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ વખતે પણ સવારે ૧૦ વાગ્યાથી સસ્તા ભાવે રમકડા લેવા રાજકોટની પ્રજાનું મેળાની અંદર સતત આવન - જાવન રહયું હતુ. ખાસ કરીને રમકડા લેવા માટે લોકો આવ્યા પણ તંત્રે સ્ટોલ બંધ કરાવતા-ખાલી કરાવતા લોકોને પરત ફરવું પડયું હતુ. (૪૦.૧૧)

(4:04 pm IST)