Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટ શહેરમાં સ્ટેમ્પ ડયુટીના જૂના ૧૦૦ કેસોમાં બાકીદારોને મિલ્કત જપ્તીની નોટીસઃ ઝુંબેશમાં ર કરોડ ૪૭ લાખની વસુલાત

સીટી પ્રાંત-ર જેગોડા દ્વારા ધડાધડ કાર્યવાહીઃ કુલ ૬પ૦ કેસોમાંથી ૧રપમાં આખરી હુકમઃ ૭ કરોડ ૩૩ લાખની વસુલાત થશેઃ રાજકોટ શહેર-ર ગ્રામ્ય વિસ્તારમાં ૩પ૦૦ માંથી ૪૪૧ કેસોમાં આખરી હુકમઃ ૯૪ કેસમાં વસુલાત કરી લેવાઇ...

રાજકોટ તા. ર૮: રાજય સરકારે દરેક કલેકટરોને સ્ટેમ્પ ડયુટીના બાકી કેસોમાં રીકવરી કરવા, ધડાધડ વસુલાત કરવાના આદેશો આપ્યા બાદ રાજકોટ કલેકટરની સુચનાથી રાજકોટ-૧ અને રાજકોટ-ર (ગામડા) વિસ્તારમાં આવા હજારો બાકીદારો સામે ૧ મહિનાથી કાર્યવાહી ચાલુ થઇ છે.

રાજકોટ સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી જેગોડા કે જેઓ રાજકોટ-૧ અને રાજકોટ-ર સ્ટેમ્પ ડયુટીના બંને વિસ્તારો સંભાળે છે, અને તેના ડે. કલેકટર છે, તેમણે ઝડપી કામગીરી કરી ૧રપ કેસોમાં આખરી હુકમો કરી દીધા છે.

આ અંગે વિગતો આપતા ડે. કલેકટર શ્રી જેગોડાએ ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે રાજકોટ શહેર-૧ વિસ્તારમાં કુલ ૬પ૦ બાકી કેસોમાં કલમ-૩ર અને કલમ-૩૩ હેઠળ નોટીસો ફટકારાઇ અને તેમાંથી ૧રપ કેસોમાં આખરી હુકમો કરી દેવાયા છે, જેમાં ૭ કરોડ ૩૩ લાખ જેવી વસુલાતના ઓર્ડરો થતા, ર કરોડ ૪૭ લાખ વસુલ પણ કરી લેવાયા છે, અને બાકી કેસોમાં નોટીસો ફટકારાયાનું ચાલુ છે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે સ્ટેમ્પ ડયુટીના આખરી-જૂના કેસોમાંથી ૧૦૦ કેસ એવા છે કે જેમના બાકીદારોને કલમ-૧પર હેઠળ મીલકત જપ્તી અંગેની નોટીસો ફટકારાઇ છે, જે લાલ નોટીસ કહેવાય છે, આ તમામને સાંભળ્યા બાદ નિર્ણય લેવાશે.

રાજકોટ-ર-કે જે ગ્રામ્ય વિસ્તાર એટલે કે ગામડાઓ આવે છે, તેમાં સ્ટેમ્પ ડયુટીના કુલ ૩પ૦૦ થી વધુ કેસો બાકી છે તેમાંથી ૪૪૧ કેસોમાં આખરી હુકમો કરી દેવાયા છે, જેમાં ૯૪ કેસોમાં વસુલાત થતા ૭ લાખ પ૦ હજાર જેવી રકમ ભરાઇ છે અને ૬૦૦ બાકીદારોને નોટીસો ફટકારાઇ રહી છે.

(4:00 pm IST)