Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

૨૨મીથી બંધ કારખાનુ ગઇકાલે ખોલ્યું ત્યારે ઉપરના હોલમાંથી જીવાતથી ખદબદતી કોહવાયેલી લાશ મળી!

કોઠારીયા સોલવન્ટના રવિ કેડ કારખાનામાં રહસ્યમયી ઘટનાઃ કારખાનેદાર કે કર્મચારીઓ મૃતકને ઓળખતા નથી : આશરે ૪૦ વર્ષના યુવાનના ચહેરાનો ભાગ ખવાઇ ગયોઃ શરીરમાં પણ જીવાતો પડી ગઇઃ ઓળખ માટે મથામણઃ મોબાઇલ મળ્યો તે પાસવર્ડ લોક છેઃ મૃતક છતના ભાગેથી કારખાના ઉપરના હોલમાં કયા ઇરાદે આવ્યો?...મોત કઇ રીતે થયું?...શરીર પર ઇજાના નિશાનો નથી...ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ ડાબા હાથની ટચલી આંગળીમાં વીંટી પહેરી છે. શરીરે લાલ કાળો સફેદ રંગની મોટી લાઇનીંગવાળો શર્ટ પહેર્યો છે અને કાળા રંગનું પેન્ટ પહેર્યુ છે. કમરના ભાગે લીલા રંગની દોરી બાંધી છેઃ કોઇને મૃતક વિશે માહિતી હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: કોઠારીયા સોલવન્ટમાં જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત ગત ૨૨મીએ બંધ કરવામાં આવેલુ કારખાનુ પટેલ કારખાનેદારે ગઇકાલે સાંજે ખોલ્યું ત્યારે ઉપરના માળે આવેલા હોલમાંથી અજાણ્યા પુરૂષની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર જાગી છે. મૃતક શખ્સ કોણ છે? તે અંગે કારખાનેદાર અને કર્મચારીઓ અજાણ હોઇ પોલીસ માટે રહસ્ય સર્જાયું છે. છતના ઉપરના ભાગેથી આ શખ્સ અંદર આવ્યાની અને બાદમાં કોઇપણ રીતે મોત નિપજ્યાની શંકા છે. શરીર પર દેખીતી કોઇ ઇજા નથી. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. મૃતકની ઓળખ મળ્યા બાદ પોલીસ તપાસ આગળ વધશે.

રહસ્યમય ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા ગામના સ્વાતિ પાર્કમાં રહેતાં પટેલ આશિષભાઇ વસંતભાઇ ભુવાના કારગીરો ગત સાંજે પોણા નવેક વાગ્યે કોઠારીયા સોલવન્ટ નારાયણ વે બ્રીજાવાળી શેરીમાં આવેલા આશિષભાઇના રવિ કેડ નામના વીએમસી પાર્ટ્સના કારખાને રાતપાળીમાં કામ માટે આવ્યા ત્યારે ઉપરના હોલના ભાગેથી અત્યંત દૂર્ગંધ આવતી હોઇ તેમણે આશિષભાઇને વાત કરતાં તેઓએ ત્યાં પહોંચી તપાસ કરતાં અજાણ્યા આશરે ૪૦ વર્ષના યુવાનની કોહવાઇ ગયેલી અને દૂર્ગંધ મારતી લાશ જોવા મળતાં સોૈ ચોંકી ગયા હતાં. કારણ કે મૃતક યુવાન આ કારખાનાનો કર્મચારી નહોતો!

આ મામલે આશિષભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. કાળુભાઇ ગામેતી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતાં એવું જણાવાયું હતું કે ૨૨મીએ આશિષભાઇએ કારખાનુ બંધ કરવામાં આવ્યું હતું. ગઇકાલથી કામ ચાલુ કરવાનું હોઇ રાતપાળીમાં કારીગરો આવ્યા ત્યારે ઉપર લાશ પડી હોવાની જાણ થઇ હતી.

પોલીસના કહેવા મુજબ આશરે ૪૦ વર્ષના યુવાનનો ચહેરો લાશ કોહવાઇ ગઇ હોવાથી અને અને જીવાતો પડી ગઇ હોઇ ચહેરાનો ભાગ ખવાઇ ગયો હોવાથી ઓળખી શકાય તેમ નથી. તેણે ડાબા હાથની ટચલી આંગળીમાં વીંટી પહેરી છે. શરીરે લાલ કાળો સફેદ રંગની મોટી લાઇનીંગવાળો શર્ટ પહેર્યો છે અને કાળા રંગનું પેન્ટ પહેર્યુ છે. કમરના ભાગે લીલા રંગની દોરી બાંધી છે. આ સિવાય તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.

પોલીસે સીસીટીવી કેમેરો ચેક કર્યો છે. પણ ઉપરના ભાગની જગ્યા કવર થાય એ રીતે કેમેરાની ગોઠવણ નથી. વળી કેમેરો પણ બંધ જણાયો હતો. મૃતક શખ્સ કાં છતના ભાગેથી કે બાજુની અગાસીએથી કોઇપણ ઇરાદે આવ્યા બાદ તેનું ભેદી સંજોગોમાં મોત થયું હતું.

મૃતક યુવાનના શરીર પર દેખીતી ઇજાના નિશાન નથી. પરંતુ બપોર બાદ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પછી મોતનું કારણ બહાર આવ્યે આગળ તપાસ થશે. મૃતક યુવાન વિશે કોઇની પાસે કોઇપણ માહિતી હોય કે તેને ઓળખતા હોય તો આજીડેમ પોલીસ સ્ટેશનનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા કે.વી. ગામેતી (તપાસનીશ)ને મો. ૯૬૦૧૧ ૬૧૯૮૩ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:59 pm IST)