Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ગોલીડામાં હત્યા કેસના સાક્ષી ધીરૂભાઇને જામીન પર છુટેલા કાળુ કાઠીની ધમકીઃ વાડીએ તોડફોડ

વાડીના ભાગીયાને લાકડીથી ફટકાર્યોઃ કાઠી શખ્સે અગાઉ પણ ગામમાં દૂકાનો બંધ કરાવી હતી : મિલ્કત માટે ગયા વર્ષે કાળુ અને તેના ભાઇ દિનેશે ૭૫ વર્ષના મામીની હત્યા કરી બારોબાર લાશની અંતિમવિધીનો પ્રયાસ કર્યો હતોઃ દિનેશ હજુ જેલમાં છે

રાજકોટ તા. ૨૮: સરધારના હડમતીયા ગોલીડામાં ગયા વર્ષે મણીબા નાનભા કાીની મિલ્કત બાબતે તેના જ બે ભાણેજ કાળુ અને દિનેશે હત્યા કરી બારોબારો અંતિમવિધીનો પ્રયાસ કર્યો હતો. આ હત્યા કેસમાં સાક્ષીમાં રહેલા મણીબાના કોૈટુંબીક સગા ધીરૂભાઇ આપાભાઇ ખાચર (કાઠી) (ઉ.૫૨)ની વાડીએ હત્યા કેસમાં જામીન પર છુટેલા કાળુ જાતવડાએ પહોંચી તોડફોડ કરી વાડીના ભાગીયાને લાકડીથી માર મારી તેમજ 'તારા શેઠ ધીરૂભાઇને કહી દેજે મણીડોસીના કેસમાં સાક્ષીમાંથી હટી જાય નહિતર તેને પણ મારી નાંખીશ' તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. 

આજીડેમ પોલીસે ધીરૂભાઇ ખાચરની ફરિયાદ પરથી કાળુ કાથડભાઇ જાતવડા (કાઠી) સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. ધીરૂભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે બોઘરાવદરના રસ્તે ખેતીની ૧૭ વિઘા જમીન છે. જે કાળુભાઇ મનજીભાઇ નાઇ (રહે. વાઘબોર પંચમહાલ)ને ભાગમાં વાવવા આપી છે. અમારા ગામમાં એક વર્ષ પહેલા મણીબેન નાનભાઇ ખાચર જે અમારા કુટુંબી સગા થતાં હતાં તેની હત્યા તેના જ બે ભાણેજ કાળુ   કાથડભાઇ જાતવડા અને તેના ભાઇ દિનેશ  કાળુભાઇ જાતવડાએ મણીબેનની મિલ્કત કબ્જે કરવા માટે કરી હતી. જેમાં દિનેશ જેલમાં છે અને કાળુ પાંચેક મહિનાથી જામીન પર છુટ્યો છે.

૨૫/૮ના હું રાત્રે ઘરે હતો ત્યારે મારા ભાગીયા કાળુભાઇ અને તેના પત્નિ સંગીતાબેન રડતાં રડતાં ઘરે આવ્યા હતાં અને કાળુ કાથડે વાડીએ આવી ઓસરીની લાઇટો, ટ્રેકટરની લાઇટો, હાથબત્તી, શટર આગળની લાઇટોમાં તોડફોડ કરી પોતાને મારકુટ કર્યાની વાત કરી હતી. તેમજ કાળુએ 'તારા શેઠ ધીરૂભાઇને કહેજે મણી ડોશીના કેસમાં સાક્ષીમાંથી હટી જાય નહિતર તેને પણ મારી નાંખશું' તેવી ધમકી આપી હતી. કાળુએ ગામમાં પણ આગલા દિવસે દૂકાનો બંધ કરાવી હતી અને દેવીપૂજકને માર માર્યો હતો. હવે ફરીથી ડખ્ખો કરી તોફાન મચાવી હત્યા કેસના સાક્ષીને ધમકી આપી તેની વાડીએ નુકસાન કરતાં પીએસઆઇ આર. વી. કડછા, પરેશભાઇ સાંગાણી, કાળુભાઇ ગામેતી સહિતે તપાસ શરૂ કરી છે.

(1:27 pm IST)