Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ખોટા કેસમાં પકડી ઢોર માર મારી ધરપકડ કરી ખોટુ ચાર્જશીટ કરવાના કેસમાં દલિત વિદ્યાર્થીઓને છોડી મૂકતી કોર્ટ

વર્ષ ૨૦૧૧માં વિદ્યાર્થીઓને પોલીસે રાયોટીંગ, એસ.ટી.બસોમાં પથ્થરમારો, ટાયર સળગાવવાના અને કાલાવડ રોડ ચક્કાજામ કરવાનો બનાવ હતો

રાજકોટ, તા. ૨૮ : ગઈ ૧૪મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે પારેવડી ચોકથી મોરબી જવાના રસ્તે ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને કોઈ આવારા તત્વોએ નુકશાન કરેલ. તેથી રાજકોટના દલીત સમાજ તરફથી રોષ ભભૂકી ઉઠતા જુદા જુદા વિસ્તારમાં દલિત લોકો દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવેલ. દરમિયાન કાલાવડ રોડ પર આવેલ અનુસુચિત જાતિની કોલેજીયન વિદ્યાર્થીઓ માટેની એમ.જી. હોસ્ટેલ પાસે આવેલ રોડ પર કોઈ આવારા તત્વો ચક્કાજામ કરી ટાયરો સળગાવી, એસ.ટી.બસોના કાચ તોડી નુકશાન કરેલ. તેથી ગાંધીગ્રામ પોલીસે ત્યાં સ્થળ પર આવી એમ.જી. હોસ્ટેલમાં ભણતા દલીત યુવાન વિદ્યાર્થીઓને તેઓના રૂમમાં જઈ આડેધડ લાકડીઓથી માર મારી પકડીને ધરપકડ કરેલી. લગભગ ૧૦ થી ૧૨ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો તે પૈકી બે વિદ્યાર્થીઓને હાથ - પગમાં ફ્રેકચર પણ થયેલા. આ વિદ્યાર્થીઓ પૈકીના (૧) ભરત કરશનભાઈ બાબરીયા (૨) જગદીશભાઈ નારણભાઈ પરમાર (૩) રમેશ ભીમાભાઈ રાઠોડ (૪) મનુભાઈ નાથાભાઈ ગોહિલ (૫) રમેશભાઈ પુનાભાઈ ચાવડા (૬) અરવિંદભાઈ વિરાભાઈ પરમાર (૭) રાહુલ ખીમજીભાઈ રાઠોડને પોલીસે અટક કરેલા તે ઉપરાંત ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ કે જે ૧૮ વર્ષથી નાના હતા તેઓને પકડેલા. આ તમામને ઈજાઓ થયેલ હોવાથી સૌપ્રથમ પોલીસે કોઈપણ જાતનંુ અટક પંચનામુ કર્યા વગર ગેરકાયદેસર રીતે પકડીને સૌપ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવેલ. ત્યારબાદ એકાદ દિવસ લોકઅપમાં રાખ્યા પછી તા.૧૫-૪-૨૦૧૧ના રોજ રાજકોટના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)શ્રીના બંગલે ૯ વાગ્યે રજૂ કરતા આ વિદ્યાર્થીઓ પૈકીના અમુક વિદ્યાર્થીઓએ મેજીસ્ટ્રેટ સમક્ષ પોલીસે તેઓને માર મારેલ છે તેવી હકીકત જણાવેલ. પરંતુ આ વિદ્યાર્થીઓની તરફેણમાં અને પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થયેલ નહિં.

ઉપરોકત સાતેય પુખ્ત વયના દલીત યુવાન વિદ્યાર્થીઓ વિરૂદ્ધ આઈ.પી.સી.ની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૪૧, ૪૨૭, ૩૨૩ તથા ૧૧૮ મુજબના ગુનાઓનું સાવ ખોટુ બોગસ બનાવટી અને ગેરકાયદેસરનું ચાર્જશીટ કરેલ અને છેલ્લે રાજકોટના એડીશ્નલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર ૬૧૯૩/૨૦૧૯ થી કેસ બોર્ડ પર ચાલવા પર આવેલ ત્યારે કેસમાં ઉપરોકત આરોપીઓ તરફથી નિવૃત એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ અને એડવોકેટ શ્રી કે. બી. રાઠોડ તથા એડવોકેટ શ્રી રાજુભાઈ પટેલનાએ સી.આર.પી.સી.ની કલમ ૨૫૮ તથા અન્ય કલમો નીચે આરોપીઓ વિરૂદ્ધની કાર્યવાહી એટલે કે પ્રોસીડીંગ ડ્રોપ કરી આરોપીઓને છોડી મૂકવા માટે આંક-૧૩ થી એક અરજી આપેલી. કારણ કે આ કિસ્સામાં પોલીસે ઉપરોકત વિદ્યાર્થીઓને કોઈપણ જાતના તેઓનો આ ગુનામાં કોઈ રોલ નહિં હોવા છતા ખોટી રીતે હોસ્ટેલના રૂમમાં દાખલ થઈ વિદ્યાર્થીઓ સુતા હતા ત્યાં જઈ કાઠલા પકડી લાકડીઓથી માર મારી ગુનામાં ફીટ કરી દીધેલ. આરોપીઓને અટક કર્યા અંગેનું કોઈપણ પંચનામુ કરેલ નહિં. કયા આરોપીએ, કઈ જગ્યાએ, શું ગુનો કર્યો? તે મતલબનો કોઈ પુરાવો હતો જ નહિં. એફ.આઈ.આર.માં આરોપીઓના નામોના કોઈ ઉલ્લેખ જ ન હતો. તેમજ આરોપીઓના શરીરનું કે ચહેરાનું કોઈ વર્ણન હતું નહિં. પોલીસે રજૂ કરેલ ચાર્જશીટમાં જે જે સાહેદોના નિવેદનો રજૂ થયેલા તેમાં આરોપીઓના કોઈ નામો હતા નહિં. ઉપરાંત આરોપીઓના નામ કે શરીર કે ચહેરાના કોઈ નિશાનનું વર્ણન હતું નહિં. એટલુ જ નહિં આ બનાવ પછી આરોપીએ અટક કર્યા પછી નજરે જોનારા સાહેદો સમક્ષની આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામાં આવેલ નહિં. આ રીતે આરોપીઓ વિરૂદ્ધ લેશમાત્ર પુરાવો નહિં હોવા છતા પોલીસે ખોટુ ચાર્જશીટ કરતા તેઓએ વકીલ મારફતે આવી અરજી કરતાં તે અરજી અંગે આરોપીના વિદ્વાન વકીલ શ્રી કે. બી. રાઠોડ (મો.૯૪૨૭૭ ૮૧૧૮૮)ની તથા સરકાર પક્ષે વિદ્વાન એ.પી.પી.ની દલીલો સાંભળી ગઈ તા.૨૬-૮-૨૦૧૯ના રોજ હુકમથી વિદ્વાન મેજીસ્ટ્રેટ (ફ.ક.) મેડમ એમ.એ. કૌશિકે આરોપીઓ વિરૂદ્ધના પ્રિસીડીંગ ડ્રોપ કરી આરોપીઓને ડિસ્ચાર્જ કરી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

(1:24 pm IST)