Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટના સાયકલવીર વિજય દોંગાની વિદેશમાં ઐતિહાસિક સિદ્ધિ

પેરીસ ખાતે યોજાએલ ૧૨૧૯ કિ.મી. સાયકલીંગ ૮૮ કલાક અને ૫૨ સેકન્ડમાં પૂર્ણ કરી : નિકુલ ગોસાઈએ પણ પ્રોત્સાહિત કર્યા : આ સાયકલવીરોનું રાજકોટ રેન્ડોનિયર્સ દ્વારા તા.૨ સપ્ટેમ્બરે સ્વાગત - સન્માન

રાજકોટ : વિશ્વભરની લોન્ગ ડિસ્ટન્સ સાયકલીંગ ઈવેન્ટનું મોનીટરીંગ કરતી સંસ્થા ઓડેકસ કલબ પેરીસીયન દ્વારા તાજેતરમાં સાયકલીંગના મહાકુંભ સમી ઈવેન્ટ પેરીસ બ્રેસ્ટ પેરીસ યોજાઈ ગયેલ. છેલ્લા ૧૦૦ કરતા વધુ વર્ષોથી યોજાતી આ ઈવેન્ટમાં ભાગ લેવા સમગ્ર વિશ્વમાંથી સાયકલીસ્ટ આવતા હોય છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે સાયકલીસ્ટને પહેલા તો પોતાના વતનમાં સુપર રેન્ડોનીયર સિરીઝની સાયકલીંગ રાઈડ જેમાં ૨૦૦, ૩૦૦, ૪૦૦ અને ૬૦૦ કિ.મી.ની રાઈડ નિશ્ચત સમય મર્યાદામાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ પૂર્ણ કરવાની રહે છે.

પેરીસ બ્રેસ્ટ પેરીસની ઈવેન્ટમાં સાયકલીસ્ટને ૧૨૧૯ કિ.મી.નું અંતર ૯૦ કલાકમાં પૂર્ણ કરવાનું રહે છે તે ઉપરાંત ફ્રાન્સનું હવામાન, ત્યાંના ઢાળ વાળા રસ્તાઓ વગેરે પડકારોનો સામનો પણ કરવાનો રહે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાંથી આશરે ૭૦૦૦ સાયકલીસ્ટ ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા હતા જેમાં ગુજરાતના ૫૩ સહિત સમગ્ર ભારતમાંથી કુલ ૩૩૪ જેટલા સાયકલીસ્ટ્સનો પણ સમાવેશ થાય છે.

રાજકોટ રેન્ડોનિયર્સના ૭ સહિત રાજકોટના ૯ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાંથી કુલ ૧૭ સાયકલીસ્ટ્સ ફ્રાન્સ ખાતે ગયા હતા. સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૪ સાયકલવીરો આ અંતર ૯૦ કલાકની સમય મર્યાદામાં પૂર્ણ કરી શકયા હતા. રાજકોટ રેન્ડોનિયર્સના શ્રી વિજય દોંગા (મો.૯૮૨૫૦ ૧૫૪૦૦) એ અનેક પડકારોનો સામનો કરી આ રાઈડ ૮૮ કલાક ૫૨ મિનિટ્સમાં પૂર્ણ કરી પ્રતિષ્ઠિત મેડલ પ્રાપ્ત કર્યો હતો. તે ઉપરાંત રાજકોટ રેન્ડોનિયર્સના શ્રી નિકુલ ગોસાઈ (મો.૯૭૨૭૭ ૦૦૭૦૭)એ પણ આ અંતર પૂર્ણ કર્યુ હતું પણ સમય મર્યાદા પૂર્ણ થઈ જતા તેમને લેટ ફિનીશ મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત જામનગર સાયકલીંગ કલબના બે સાયકલવીરોએ પણ સમય મર્યાદા બાદ આ અંતર પૂર્ણ કર્યુ હતંુ તે આમ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર વિજય દોંગા એકમાત્ર સાયકલીસ્ટ છે કે જેમણે પેરીસ બ્રેસ્ટ પેરીસનું અંતર નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી રાજકોટ રેન્ડોનિયર્સ સહિત સમગ્ર રાજકોટને ગૌરવ અપાવ્યુ છે.

રાજકોટ રેન્ડોનિયર્સમાંથી આ ઉપરાંત બીજા પણ સભ્યોએ ભાગ લીધો હતો. જેમણે ૬૦૦ કિ.મી.થી વધુ અંતર પૂર્ણ કર્યા બાદ આ રાઈડને અધૂરી મૂકવી પડી હતી જેમાં પરેશ બાબરીયાને ઘૂંટણમાં ઈજા થવાથી, રાજેશ ઘેલાણી અને આરતી ચાપાણીને તબિયત ખરાબ થવાથી તો નિલેશ ગોટી અને મનીષકુમાર ચાવડાને અકસ્માત નડવાથી આ રાઈડ પૂર્ણ કરી શકય નહોતા.

રાજકોટ રેન્ડોનિયર્સના દ્વારા આ તમામ સાયકલવીરોને અભિનંદન પાઠવ્યા હતા. આગામી તા.૨ સપ્ટેમ્બરના રોજ તમામ સાયકલીસ્ટ્સનું ભવ્ય સ્વાગત સાથે સન્માન આપશે તેમ યાદીમાં જણાવાયુ છે.(૩૭.૬)

(11:59 am IST)