Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સૌરાષ્ટ્ર- કચ્છમાં તપ, ત્યાગ, ધર્મ આરાધનામાં લીન જૈન સમાજ

આત્મ શુધ્ધિનું મહાપર્વ પર્યુષણઃ કાલથી કલ્પસૂત્ર વાચનનો પ્રારંભઃ જિનાલયોમાં રોશનીનો શણગાર- સુશોભનઃ પર્યુષણ પર્વમાં પરમાત્માને લાખેણી આંગીઃ ભકિત સંગીતના કાર્યક્રમોઃ સ્થાનકવાસી જૈનોમાં આજે પર્યુષણ પર્વનો બીજો દિવસઃ ઉપાશ્રયોમાં સાધ્વીજી ભગવંતોના વ્યાખ્યાનઃ અનેરો ધર્મોત્સાહ

પ્રભુજીને મનમોહક આંગીઃ પર્યુષણ પર્વ દરમિયાન દેરાસરોમાં પ્રભુજીને મનમોહક આંગી રચવામાં આવે છે. જિનાલયોમાં રોશનીનો શણગાર કરાય છે. શહેરના ૧૯૩ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી દેરાસર અને એરપોર્ટ રોડ જિનાલયે પ્રભુજીને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી.(તસવીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૮: પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. સોમવારથી મૂર્તિપૂજક જૈનોના અને ગઈકાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વ શરૂ થયા છે. આજે બુધવારે ત્રીજા દિવસે વ્યાખ્યાનમાં જૈન શાસનનો પ્રાણ કલ્પસૂત્રની ઉછામણી થઈ હતી અને લાભાર્થીના ઘેર વાજતે ગાજતે કલ્પસૂત્રની પધરામણી કરવામાં આવેલ આજે  સાંજના પ્રતિક્રમણ બાદ લાભાર્થી પરિવારને ત્યાં ભકિત સંગીત યોજાશે. ગુરૂવારથી કલ્પસૂત્રનું વાચન શરૂ થશે. આવતીકાલે બે વ્યાખ્યાન થશે. કલ્પસૂત્રના પ્રથમ વ્યખ્યાનમાં સાધુના દસ આચાર બતાવ્યા છે. સાધુના ચાતુર્માસ માટે ૧૩ ગુણોવાળું ઉત્તમ ક્ષેત્ર અને ૪ ગુણોવાળું જધન્યક્ષેત્ર કહ્યું છે. બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલા રાણીએ જે ૧૪ સ્વપ્નો જોયા તેમાં પ્રથમ ચાર સ્વપ્નનું વર્ણન કરવામાં આવે છે.

ભકિતનગર સ્થા.જૈન સંઘ

ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભ. પૂ.પુરૂષોત્તમજી મ.સા.ના સુશિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.ના સુશિષ્યા અધ્યાત્મયોગિની પૂ.સૂર્યવિજય મ.સ.ના સુશિષ્યા પ્રવચન પ્રભાવક પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠા-૮ના સાંનિધ્યે શ્રી ભકિતનગર સ્થા.જૈન સંઘના આંગણે પર્યુષણ  પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે. પર્યુષણ પર્વ દરમ્યાન નિત્ય, જાપ, પ્રવચનમાળા, બપોરે બહેનો માટે વિધવિધ આયોજનનો પ્રતિક્રમણ ધર્મચર્ચા ઉપરાંત સવારે વ્યાખ્યાન બાદ બાળકો તથા બહેનોના વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.

ચાતુર્માસ પ્રારંભથી જ અનેક અનુષ્ઠાનોથી ઉપાશ્રય ધમધમી રહ્યો છે. ચાતુર્માસ દરમ્યાન ઉપવાસની અઠ્ઠાઈ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યાની પાંચ સાંકળ ચાલે છે. પાંચ દંપતિઓએ યાવત જીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી તે ઉપરાંત દર રવિવારે નાના- મોટા દરેક માટે નવી- નવી કોમ્પીટીશન આયોજન કરવામાં આવે છે. સંઘ પ્રમુખ હિતેનભાઈ અજમેરાએ સર્વેને લાભ લેવા શ્રી સંઘ તરફથી અનુરોધ કર્યો છે.

શાંતમૂર્તિ પૂ.શાંતાબાઈ મ.સ.ના સાંનિધ્યે ''જય જિનેન્દ્ર આરાધના ગૃહ'' જન કલ્યાણ સોસાયટી ખાતે પર્યુષણ પર્વ દરમ્યાન પ્રતિક્રમણ તથા બાળકો માટે ગુરૂદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

પૂ.હિરાબાઈ મ.સ.ની નિશ્રામાં સદર સંઘમાં પર્યુષણ આરાધના

રાજકોટ,તા.૨૮: શ્રી સદર સ્થા.જૈન સંઘના સવાયા સદ્દભાગ્યે સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને ગોંડલ સંપ્રદાયના શાસનચંદ્રિકા બા.બ્ર.પૂ.હીરાબાઈ મ.સ. ઠાણા- ૫ જૈન પર્યુષણપર્વની ઉત્કૃષ્ટ આરાધના કરાવવા નિશ્રા પ્રદાન કરી રહ્યા છે. સદર સ્થા.જૈન સંઘમાં સર્વે શ્રાવક- શ્રાવિકાઓને વ્યાખાન- વાણી- દર્શનનો લાભ લેવા સંઘે આમંત્રણ પાઠવ્યું છે. વ્યાખ્યાન સવારના ૯:૧૫ થી ૧૦:૩૦ યોજાશે.

પૂ.ઉષાબાઈ- પૂ.વિણાભાઈ મ.સ.ની નિશ્રામાં

શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘમાં સવા કરોડ જાપની આરાધના

રાજકોટ,તા.૨૮: શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ પારેખ ઉપાશ્રય ખાતે નવપલ્લવિત રજત જયંતિ વર્ષ ચાતુર્માસ અંતર્ગત પર્વાધિરાજ પયુર્ષણ પર્વ મવડી મે.રોડ સ્વાશ્રય હોલ ખાતે ધર્મલોક નગરી ખાતે ઉજવાશે. સવારની વ્યાખ્યાનમાળા ૯ થી ૧૧ બપોરના ૩:૩૦ થી કાર્યક્રમો થશે. ઉપાશ્રયે સાંજનું ભાઈઓ- બહેનોનું પ્રતિક્રમણ ૭ કલાકે યોજાશે.

નવપલ્લવિત રજત જયંતિ વર્ષ નિમીતે સંઘમાં સવા કરોડ જાપની આરાધનાનું આયોજન જેના કોટુંમ્બીક જાપ કાર્ડ ચાતુર્માસ બિરાજીત પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.વિણાબાઈ મ.સ., પૂ.જાગૃતિબાઈ મ.સ. પાસેથી મેળવી લેવાના રહેશે.

સમસ્ત જૈન સમાજ લગ્ન પરિચય વાર્ષીક પુસ્તિકામાં નિઃશુલ્ક નામ નોંધણી શરૂ

રાજકોટ,તા.૨૮: જૈન સંપ્રદાયના ચાર ફિરકા માટે સમસ્ત જૈન લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા ૨૦૨૦ (છઢ્ઢી આવૃતિ)માં લગ્નોત્સુક યુવક- યુવતીઓ માટે નિઃશુલ્ક નામ નોંધણી માટે પર્યુષણના પ્રથમ દિવસથી ફોર્મ ભરવા માટે ફકતકુવારા ઉમેદવાર ઉંમર વર્ષ ૧૮ થી ૩૯ વયના લગ્નોત્સુકોએ પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા બાયોડેટા તંત્રી કૌશલભાઈ જે.શાહ, દુકાન નં.૨૦, સેંટરપોઈન્ટ કોમ્પ્લેકસ, પંચવટી પાંચ રસ્તા, સી.જી.રોડ, અમદાવાદ(સમય બપોરે ૨ થી ૬) ખાતે  અથવા વોટ્સએપ (૯૧૭૩૭ ૦૩૮૮૩ ) ઉપર પણ સંપર્ક કરી શકાય છે.

પર્યુષણ મહાપર્વે  ઘાટકોપર- મુંબઈમાં પૂ.ધીરજમુનિની પ્રવચન માળા

 ઉપલેટા,તા.૨૮: સ્થાનકવાસી જૈન સંઘ ઉપલેટા ખાતે ૧૯૮૨માં પૂ.પાદ શ્રી પ્રેમમુની મ.સા. અને પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. પિતા પુત્રએ દીક્ષા અંગીકાર કરેલ તેવા ગોંડલ સંપ્રદાયના અને જેમનું દેશ- વિદેશમાં ખુબજ મોટુ નામ છે. એવા પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. તા.૨૭ ઓગષ્ટથી તા.૩ સપ્ટેમ્બર સુધી હિંગવાલા લેન, ઘાટકોપર મુંબઈ ખાતે પર્યુષણ પ્રસંગે પર્વાધિરાજ પર્યુષણ પ્રવચન માળાનું ભકિતભાવ પૂર્વક આયોજન કરેલ છે. તેમાં વેલકમ પર્યુષણ, વોટ ઈઝ કર્મ, નોલેજ ઈઝ પાવર, લાઈફ મેનેજમેન્ટ, મહાવીરનો સંદેશ, એકશન ટુ રીએકશન, સુપર ડુપર આત્મા હેવન ઈઝ હિયર સહીતના વિષયો ઉપર પ્રવચન આપશે.  પૂ.ગુરૂદેવના દર્શન અને તેમની વાણીનો લાભ લેવા મુંબઈના જૈન ભાઈ બહેનો યુવાનોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ છે.

દુનિયામાં મહામંત્રમાંનો એક છે જૈન ધર્મનો નવકારમંત્ર

૧ સપ્ટેમ્બર- વર્લ્ડ નવકાર ડે

બારને નવ ગુણતા જેટલા થાય એટલા ગુણોનો ભરેલો ભંડાર એટલે જ નવકાર મંત્ર અને પંચ પરમેષ્ઠિએ જગતની સર્વોત્તમ પાંચ વસ્તુઓ નમો અરિહંતાણં, નમો સિધ્ધાણાં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણાં

આ પવિત્ર વાકયોને આપણો નવકાર નમસ્કાર મહામંત્ર કે પંચપરમેષ્ઠી મંત્ર તરીકે  ઓળખીએ છીએ. શ્રી અરિહંત ભગવંતના બારગુણ, શ્રી સિધ્ધ ભગવંતના આઠ ગુણ, શ્રી આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના પચ્ચીસ ગુણ, શ્રી સાધુ ભગવંતના સત્યાવીશ ગુણ, કુલ મળીને એકસો આઠ ગુણ ગણાવ્યા છે.

આ મહામંત્રમાં વ્યકિત વિશેષની ઉપાસના નહીં પણ ગુણોની ઉપાસના કરવામાં આવેલ છે. આત્મીક ગુણોને વિકસીત કરનારા જે મહાપુરૂષો છે તેમને નમસ્કાર કરવામાં આવેલ છે. આ મહામંત્ર પંથ, પરંપરા કે સંપ્રદાયની પરિધિથી મુકત છે. તેથી માનવ માત્રની એક અણમોલ નિધિ છે અને બધાને માટે સમાન ભાવથી સદા સ્મરણીય છે.

આ મહામંત્ર અનાદિ છે. ભૂતકાળમાં અનંત તિર્થંકર થયા છે, ભવિષ્યમાં અનંત તિર્થંકર થશે પરંતુ કોઈપણ આ મહામંત્રની આદિને જાણતા નથી જેની આદિ પણ કઈ રીતે જાણી શકાય ? માટે તે અનાદિ અનંત મંત્ર છે.

નવકાર મંત્ર જૈન સંસ્કૃતિનો એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છે, તે સંસારના સર્વ મંત્રોમાં મુગટ મણી સમાન છે. કલ્પતરૂ ચિંતામણી, કામકુંભ અને કામધેનુ સમાન  સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળો છે લોકમાં અનુપમ છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈનિક બધી જાતની અડચણોને દૂર કરનાર અમોધ મંત્ર છે. તેના ભયથી પાપ નષ્ટ થાય છે. બુધ્ધિની વૃધ્ધિ થાય છે. લક્ષ્મીની વૃધ્ધિ થાય છે. સિધ્ધીની ઉપલબ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે ચિંતાઓ નષ્ટ થાય છે ભૂત, પ્રેત, રાક્ષસ, પિમાશ, ડાકિની વગેરે બધી જાતન ઉપદ્વવોનું ઉપશમન થાય છે. લૌકિક અને લોકોત્તર બધી જાતના સુખ પ્રાપ્ત થાય છે.

નવકારના એકજ અક્ષરના જાપની સાત સાગરોપમના પાપનો નાશ થાય છે. નવકારના એક જ પદનો જાપ કરવાથી પચાસ સાગરોપમના પાપનો નાશ થાય છે. સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી પાંચસો સાગરોપમના પાપનો નાશ થાય છે.

આ મહામંત્રરૂપ પારસમણીના સ્પર્શ માત્રથી કથીર, કંચન બની જાય છે. તેથી તો તેને ''મંત્રાધિરાજ''નું બિરૂદ મળેલ છે.

નમસ્કાર મંત્રથી પ્રગટ થાય છે- નમ્રતાનો ભાવ, નમસ્કાર મંત્ર ભૂલાવે છે- સંસારનો ભાવ, નમસ્કાર મંત્રની શ્રધ્ધા રૂઝાવે છે- કર્મનો ધાવ, નમસ્કાર મંત્ર પ્રતિ રાખો સદા પૂજયભાવ

સંકલનઃ અરવિંદ વોરા, ભૂતપૂર્વ મંત્રી શ્રી ગીતગુર્જરી ઉપાશ્રય,

મિત્ર મંડળ ભૂતપૂર્વ સહમંત્રી, શ્રીગાંધીનગર સ્થાનકવાસી જૈન સંઘ, ગાંધીનગર

(11:58 am IST)