Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ત્રીજો દિવસઃ વાર્ષિક કર્તવ્યો

પર્વપતિના આગમન પછીની ત્રીજી પ્રભાત આકાશને આંગણે ખુશનુમા વાતારણ સાથે ખીલે છે અને જૈન જગતની હૈયાસિતારના તાર વધુને વધુ ઝણઝણી ઉઠે છે.

વાર્ષિક કર્તવ્યોનું અઘુરૃં રહેલું વર્ણનને અધૂરી કહાણીઓય ત્રીજે દિવસે આગળ વધે છે.

દેવ- દ્રવ્યવૃદ્ધિ આ કર્તવ્યની કહાણી વખતે દરેક શ્રોતાની આંખ આગળ ગરવો ગઢ ગિરનાર ખડો થઈ જાય છે.

એ ગિરનાર ! ત્યાં સર્જાયેલો એ વિવાદ! અને સૌથી વધુ સુવર્ણ બોલીને, ઈન્દ્રમાળ પહેરવા દ્વારા, એ વિવાદનો અંત લાવનારાએ મહામાત્ય પેથડશાહ ! આ આખો પ્રસંગે મિત્રપટની જેમ શ્રોતાની આંખ આગળથી પસાર થાય બાદ સહુની આંખ આગળ શ્રી હેમચંદ્રસૂરિજી અને કુમારપાળની જોડલી, દેવનગરીશ્રી શત્રુંજયનાએ યુગાદિ મંડપમાં ખડી રહેલી જણાય છે. એમા વાગભટ પણ હોય છે, પરંતુ સૌથી આગળ આવીને મેદાન તો મારી જાય છે. મહુવાના જગડ શેઠ!

અનેરી રસ- જમાવટ સાથે આ વાર્તાની પુર્ણાહુતિ થયા પછી 'મહાપૂજા' અને 'રાત્રિજાગરણ'ના વર્ણનમાં પણ થોડીક વિરલ વ્યકિતઓ દર્શન દઈ જાય છે.

'શ્રુતપૂજા'ની વાત આરંભાતા જ ૧૪૪૪ મહાન ગ્રંથોના નિર્માતા, યકિતી- મહત્તરા- સુનુ શ્રી હરિભદ્રસૂરિજીનાએ ઉરબોલની સ્મૃતિ થઈ આવે છેઃ ઓહ્! અમારૃં ભાવિ કેવું ભયાનક હોત, જો શ્રી વીતરાગદેવે શ્રીમુખે ભાયેલાં આગમો અમને વરસામાં ન મળ્યાં હોત?

આ ઉરબોલ સભાને ઝણઝણાવી જાય છે. ઈતિહાસની ઈમારતમાંથી શ્રી દેવદ્ધિગણિ શ્રમાશ્રમણ બહાર આવે છે. જેમણે કલ્યાણકારી કદમ ઉઠાવીને આગમોને તાડપત્રો પર શબ્દસ્થ કરવા દ્વારા મિર- જીવન બક્ષ્યું.

મહારાજા કુમારપાળ પણ સભાને સાંભરે છે. ગુજરાતના સંસ્કાર- સ્વામી શ્રી હેમચંદ્રાચાર્યની કલમમાંથી એટલું તો અઢળક સર્જન બહાર પડયું કે, ગુજરાતમાં તાડપત્રોની અછત વરતાઈ અને સર્જનની એ સરવાણી કાગળ પર ઠલવાતી ચાલી. ત્યારે જેમણે શ્રુતપૂજાની ટેકે જાળવીને નવો ઈતિહાસ સરજયો!

'ઉદ્યાપન'નું આ કર્તવ્ય પણ થોડીક ઐતિહાસિક વિરલ વ્યકિતઓના વર્ણન સાથે પૂર્ણ થાય છે. 'તીર્થ પ્રભાવના'નું કર્તવ્ય વર્ણવાય અને રાજવી દશાર્ણભદ્ર યાદ ન આવે, એવું તો બને જ કેમ ? ભગવાન મહાવીરનો પ્રવેશ મહોત્સવ ઉજવીને તીર્થ- પ્રભાવના- કરવાનીએ ઝંખના કેટલી ઉત્કૃષ્ટ હશે કે, જે ઝંખણામાંથી ગર્વ ઉભો થતાં, ખુદ દેવરાજને સ્વર્ગનું સિંહાસન છોડીનેએ ગર્વ- ખંડન કરવા માનવલોકમાં દૈવી- ઋદ્ધિ સહિત ઉતરવું પડ્યું ?

ને આશ્ચર્ય ! હરાવવા આવેલા દેવરાજને જ હાર મળી, દશાર્ણભદ્રે દીક્ષા સ્વીકારવા દ્વારા અનુપમ કાર્ય કરી બતાવ્યું !

જગદ્ગુરૂ હિરસૂરીશ્વરજીના આગમનની વધામણી આપનાર સંદેશવાહક તરફ ગંધારનાએ શ્રાવકની ખેલદિલી કેટલી બધી કે, ઈતિહાસનું પાનું એ પ્રસંગને ગ્રહણ કરીને ઝળહળી ઉઠયું ! 'પ્રાયશ્ચિત' આ છેલ્લા- કર્તવ્યની પૂર્ણાહૂતિ સાથે વાર્ષિક કર્તવ્યો પૂર્ણ થાય છે.

પાપની શૂલને ફલ બનાવી દઈને એનાં ડંખ ડૂલ કરી દેવાની ચમત્કારિક શકિત પ્રાયશ્ચિતમાં સમાયેલી છે.

ચોથા દિવસથી તો ભગવાન ભદ્રબાહુ સ્વામીની આરાધના આરંભાવાની હોય છે અને 'કલ્પસૂત્ર'નું વાચન શરૂ થનાર હોય છે, પણ એનો ઉલ્લાસ તો પર્વપતિ પર્યુષણના ત્રીજા દિવસથી જ સૌના મોં પર છવાઈ ગયેલો જોવા મળે છે.(૩૦.૫)

(11:56 am IST)