Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટ એસટીને તહેવારો ફળ્યાઃ ૧૦ દિ'માં પોણા ચાર કરોડની આવકઃ દરેક ડેપો પરથી એકસ્ટ્રા બસો દોડી

૮ દિ'માં ૧ર૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાઇઃ રોજની આવક પપ થી પ૮ લાખે પહોંચી...: રાજકોટથી અમદાવાદ-વેરાવળ સોમનાથ-જૂનાગઢ-દીવ-કચ્છ-ભુજ-મોરબી તરફ ચિક્કાર ટ્રાફીક...

રાજકોટ તા. ર૮ :.. સાતમ-આઠમના તહેવારો લોકોએ મનભરીને માણ્યા, અને તેનો લાભ રાજકોટ એસ.ટી. ડીવીઝનને ફળ્યો છે, ૮ દિ' માં એસટી તંત્રને પોણા ચાર કરોડની તોતીંગ આવક થયાનું એસટીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

આ સાધનોએ જણાવેલ કે દરેક ડેપો ઉપરથી ૧૦ થી ૧પ એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી, ૮ દિ' માં ૧ર૦ થી વધુ એકસ્ટ્રા બસો મુકાઇ હતી, અને દરરોજની આવક પપ થી પ૮ લાખે પહોંચી હતી, સોમવારે તો આ આવક ૭૦ લાખને પણ વળોટી ગઇ હતી.

ખાસ કરીને રાજકોટથી અમદાવાદ, વેરાવળ-સોમનાથ, જુનાગઢ-કચ્છ-ભુજ-દીવ-મોરબી તરફ ચિક્કાર ટ્રાફીક રહ્યો હતો.

અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે ૮ દિ' માં વધારાની ૩રપ થી વધુ ટ્રીપો કરાઇ હતી. સાતમ-આઠમ-નોમના દિવસે એસટીની વોલ્વો બસમાં જબ્બરો ટ્રાફીક થયો હતો., દર અર્ધા કલાકે સતત ડીમાન્ડ રહેતી હતી.

(11:55 am IST)