Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટ સહિત રાજયના ૧૦ હજાર રેવન્યુ કર્મચારીઓ કાલથી બેમુદતી હડતાલ પરઃ કાલે ધરણા-દેખાવો સુત્રોચ્ચાર

પુરવઠા- બીનખેતી- ઇ- ધરા- કલેકટર- મામલતદાર- ડે. કલેકટર કચેરીઓમાં તમામ કામો ઠપ્પ થશેઃ રાજયમાં ર૪૦૦ નાયબ મામલતદારની જગ્યા ખાલીઃ સમાધાન માટે બોલાવાયા નથીઃ એલાને જંગ...

રાજકોટ તા. ર૮ :.. બઢતી-બદલી-સિનિયોરીટી તથા રાજયમાં ર૪૦૦ જેટલી નાયબ મામલતદારોની જગ્યા વર્ષોથી ખાલી હોવા છતાં અને અનેક વખત રજૂઆતો છતાં સરકારે કોઇ નિર્ણય નહી લેતા રાજયના મહેસુલ કર્મચારી મહામંડળે ગત તા. ૧૯ થી આંદોલનના મંડાણ કર્યા છે, વર્ક ટુ રૂલ, કાળી પટ્ટી ધારણ કર્યા બાદ ર૬ મીએ એક દિ'ની રાજયવ્યાપી હડતાલ પાડી હતી, તમામ સરકારી કામો ખોરંભે પડી ગયા હતા, પરંતુ આમ છતાં સરકારે સમાધાન માટે નહી બોલાવતા, આપેલા એલાન  મુજબ કાલથી રાજયના ૧૦ હજાર રેવન્યુ કર્મચારીઓ જેમાં કલાર્ક, તલાટી -નાયબ મામલતદારનો સમાવેશ થાય છે, તે તમામ કાલથી બેમુદતી હડતાલ ઉપર ઉતરી જશે, જેના પરિણામે લોકોના કામો ઉપર જબરી અસર થવાની સંભાવના ઉભી થઇ છે.

કાલે રાજકોટ સહિત રાજયભરની કલેકટર કચેરી ખાતે ધરણા, સુત્રોચ્ચાર- દેખાવોનો કાર્યક્રમ અને તે સાથે હડતાલ શરૂ થઇ જશે.

રાજકોટ મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, ર૪૦૦ જગ્યા ખાલી પડી છે, જેના કારણે કામગીરીનું ભારણ ઉતરોતર વધી રહ્યું છે, અમુક જીલ્લામાં નાયબ મામલતદારોને પ્રમોશન અપાયા, અમુક વર્ષોથી રાહ જોઇ રહ્યા છે, કલાર્કમાંથી નાયબ મામલતદારના પ્રમોશનની માંગણી લાંબા સમયથી પેન્ડીંગ છે. સીનીયોરીટી લીસ્ટ તૈયાર કરવાના મુદે રજૂઆતો થઇ તેમાં પણ કોઇ નિર્ણય લેવાયો નથી. રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મર્જ કરી દેવાની માંગણી ઉડાવી દેવાઇ છે, આ ઉપરાંત ર૦૦૯ ની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા, વિગેરે અનેક મુદાઓ અંગે રજૂઆતો છતાં કોઇ નિર્ણય નહી લેવાતા આખરે લડત શરૂ કરાઇ છે.

શ્રી કિરીટસિંહ ઝાલાએ ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર જીલ્લાના ૩૦૦થી વધુ મહેસુલ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જશે.

દરમિયાન અમદાવાદ જીલ્લાના ૪૦૦ મહેસુલી કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે, આ અંગે જીલ્લા પ્રમુખ રૂદ્રદતસિંહ વાઘેલા માર્ગદર્શન આપી રહ્યા છે. વિવિધ કુલ ૧૭ પડતર પ્રશ્નો અંગે એલાને જંગ કરાયું છે.

(11:39 am IST)