Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

બાઇક પરથી ફંગોળાતા સુલતાનપુરના આરોગ્ય કર્મચારી રૂદ્રેશભાઇ પંડ્યાનું મોતઃ પુત્રનો બચાવ

શાપરના પારડી પાસે મોટું વાહન બાજુમાંથી નીકળતાં બેલેન્સ ગુમાવતાં અકસ્માતઃ પિતા-પુત્ર નોકરી પુરી કરી ગોંડલ થઇ રાજકોટ કાંગસીયાળી આવતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૮: શાપર નજીક પારડી પાસે શિતળા મંરિ નજીક રાત્રીના બાજુમાંથી કોઇ વાહન બંબાટ સ્પીડથી નીકળતાં બાઇક ચાલક કોઠારીયા પાસે કાંગસીયાળીમાં આસ્થા ગ્રીન સીટીમાં રહેતાં બ્રાહ્મણ યુવાન અને પાછળ બેઠેલા તેમના સુલતાનપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં તેના પિતા એમ બંને ફંગોળાઇ જતાં પુત્રનો ચમત્કારીક બચાવ થયો હતો અને પિતાને ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ કાંગસીયાળી આસ્થા ગ્રીનમાં રહેતાં અને ગોંડલના સુલતાનપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં રૂદ્રેશભાઇ રમણિકલાલ પંડ્યા (ઉ.વ.૪૮) ગત રાત્રે નોકરીએથી પરત ઘરે પુત્ર નિરવભાઇ પંડ્યા (ઉ.૨૪) સાથે બાઇક પર બેસીને આવી રહ્યા હતાં ત્યારે રાત્રીના દસેક વાગ્યે પારડી શિતળા મંદિર પાસે પહોંચ્યા ત્યારે કોઇ મોટુ વાહન બાજુમાંથી ખુબ ઝડપથી પસાર થતાં ચાલક નિરવભાઇએ હવાને કારણે બેલેન્સ ગુમાવી દેતાં તે અને પાછળ બેઠેલા પિતા રૂદ્રેશભાઇ ફંગોળાઇ ગયા હતાં.

જેમાં પુત્ર નિરવભાઇનો બચાવ થયો હતો. જ્યારે પિતા રૂદ્રેશભાઇને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે શાપર પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે પંડ્યા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર નિરવભાઇ અરડોઇ નોકરી કરતો હોઇ બંને પિતા-પુત્ર દરરોજ બાઇક પર અપડાઉન કરતાં હતાં. ગત રાતે નોકરી પુરી ગોંડલ કામ સબબ ગયા હતાં ત્યાંથી પરત રાજકોટ આવતી વખતે અકસ્માત નડ્યો હતો. 

(11:39 am IST)