Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શ્રી કૃષ્ણ જીવનમાંથી પ્રેરણા લઇ આપણું જીવન કૃષ્ણમય બનાવીએઃ પૂ.દેવકૃષ્ણદાસજી

રાજકોટ ગુરૂકુલના આંગણે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજકોટઃ નટખટ બાલકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પર૪૬ મો જન્મોત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિશાળ મેદાનમાં અતિભવ્ય રીતે ધામધૂમપૂર્વક હજારો હરિભકતોની હાજરીમાં ઉજ્વાયો.

આ ઉત્સવમાં યુવાન પુરાણીસ્વામી અક્ષરપ્રિયદાસજી સ્વામીએ કૃષ્ણજન્મના હેતુ સુંદર રીતે વર્ણવી લોકોને ભકિતબન બનાવી તાદૃશ્ય દ્રશ્ય ખડું કરી દીધું હતું. સદ્દગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજીએ કૃષ્ણના જીવનના પ્રેરણાત્મક પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

આ પ્રસંગે ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે ભારતની ભૂમિ પવિત્ર છે અહીં ભગવાનને જન્મ લેવાથી અને પોતાના ભકતોને લાડ લડાવી પ્રેરણા આપવાની ઇચ્છા થાય છે. આપણે કૃષ્ણજીવનમાંથી પ્રેરણા લઇ આપણું જીવન કૃષ્ણમય બનાવીએ.

પુરાણી વિશ્વજીવનદાસજીએ સુંદર સભાસંચાલન સાથે ગાંધીજી (મોહન) અને કૃષ્ણના જીવનની સરખામણીના દૃષ્ટાંતો દ્વારા સૌને રસબોળ કર્યા હતા.

આ પ્રસંગે ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા રાસ, જુદા જુદા પ્રેરણાત્મક રૂપકો રજૂ કર્યા હતા. ખાસ કરીને વિશાળ સ્ટેજ પર અલ્ટાવાયોલેટ કિરણો દ્વારા નીલકંઠ વર્ણીના વનવિચરણ દરમિયાનની વિશાળ-વડ અને ભૂતાવળનું દ્રશ્ય અને આકાશમાંથી ઉડીને આવતા અંજલિપુત્રનું અદ્દભુત દ્રશ્ય જોઇ સૌ કોઇ અચંબિત થઇ ગયા હતા.

બરાબર બારના ટકોરે ગુરુવર્ય સદ્દગુરુ દેવકૃષ્ણદાસજીએ કૃષ્ણ જન્મોત્સવની આરતી ઉતારી ત્યારે વાતાવરણ ભાવમય બની ગયું હતું. આરતી સમયે ''નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયાલાલકી'' ના સુમધુર સ્વરોની ધૂન વાતાવરણને પવિત્ર દિગંતમાં ગૂંજી રહી હતી.

આ પ્રસંગે સંતો, હરિભકતો તથા ભાઇ-બહેનો તથા વિદ્યાર્થીઓ મનમૂકી રાસ લઇને નાચ્યા હતા એમ બાલુભગત તથા નિલકંઠ ભગતની યાદીમાં જણાવાયું છે.

(9:53 am IST)