Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

રાત્રે એરપોર્ટ રોડના લોકોની ઊંઘ હરામ થઇ ગઇ

મુખ્યમંત્રી પસાર થવાના હતા.. તંત્રએ પાંચ કલાક પરિવારોને નૃત્ય કરાવ્યું: ઘરની બહાર કરેલા વાહનો હટાવીને ગમે ત્યાં શેરી-ગલીમાં મૂકી આવવા તોછડાઇભર્યા આદેશો આપ્યાઃ સાંજે ૭-૩૦ થી રાત્રે ૧૨ સુધી લોકો હેરાન થયાઃ તંત્રના અભુતપૂર્વ ઉત્સાહ સામે લોકરોષઃ

રાજકોટ તા.૨૮: ગઇકાલે રાત્રે એરપોર્ટ રોડ વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઇ ગઇ હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવવાના હતાઃ તંત્રએ વધારે પડતો ઉત્સાહ દેખાડીને તૈયારી કરી હતી તંત્રનો ઉત્સાહ ઓવરફલો થયો અને એરપોર્ટ રોડના લોકોની ઊંઘ હરામ થઇ ગઇ.

આ વિસ્તારના લોકો કહે છે કે મુખ્યમંત્રી રાત્રે દશેક વાગ્યે એરપોર્ટથી પોતાના ઘેર ગયા, પરંતુ તંત્રએ સાંજ ૭-૩૦ વાગ્યાથી હનુમાન મઢીથી એરપોર્ટ રોડ ફાટક સુધી મન ફાવે તેવા ફતવા ચલાવ્યા હતા.

ઘરની બહાર પાર્ક કરેલા વાહનો તોછડાઇ પૂર્વક દૂર કરાવ્યા હતા.  ''વાહનો અહીંથી હટાવો, શેરી-ગલીમાં ગમે ત્યાં મૂકી આવો...'' તંત્ર બેફામ બની ગયું હતું.

લોકો કહે છે કે, આ માર્ગ પરથી દેશના અનેક રાજકીય મહાનુભાવો પસાર થયા છે, કયારેય લોકોને તકલીક પડી નથી. ગઇકાલે તંત્રએ અભુતપૂર્વ સ્થિતિ સર્જીને સાંજે ૭-૩૦ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી આ રોડના લોકોની નીંદર હરામ કરી હતી. રાત્રીના વડીલોએ પોતાના વાહનો માટે પાર્કિગ શોધવા નીકળવું પડ્યું હતું.

લોકો કહે છે કે, મુખ્યમંત્રી કયારેક એરપોર્ટથી આમ્રપાલી ફાટક થઇને પોતાના નિવાસે જાય તો ખ્યાલ આવે કે રાજકોટમાં દબાણ અને ટ્રાફિકની કેટલી અવદશા છે એરપોર્ટ રોડ પર લોકોને અકારણ પરેશાન કરાયા હતા.જો કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એરપોર્ટ રોડવાસીઓની હેરાનગતીથી અજાણ હોઇ શકે છે. નવા અધિકારી મુખ્યમંત્રીને વહાલા થવા માટે દોઢા થયા હોય તેમ લાગે છે. વિજયભાઇ રૂપાણીએ અધિકારીને લોકો અકારણ હેરાન  ન થાય તેવી સૂચના આપવી જોઇએ, તેમ લોકો કહે છે.

(4:09 pm IST)