Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોટામવાની જમીન કૌભાંડના ગુનામાં વધુ ત્રણ શખ્સોને ઝડપી લેતી પોલીસ

એસીપી જે. એસ. ગેડમની ટીમે અગાઉ ત્રણને પકડયા બાદ વધુ ત્રણ હરકિશન દેવડા, મહેશ ડોબરીયા અને ભુપેન્દ્ર નાથાણીની ધરપકડ કરી

રાજકોટ તા. ર૮: મૂળ ઉપલેટાના સાજડીયાળીના વતની હાલ નાના મવા રોડ પર ગોવિંદ પાર્કમાં રહેતા પટેલ વૃધ્ધના પિતાશ્રીની માલીકીની મોટામવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાના ગુનામાં તાલુકા પોલીસે અગાઉ ત્રણને ઝડપી લીધા બાદ વધુ ત્રણ શખ્સોને પકડી લીધા છે.

બનાવ અંગે તાલુકા પોલીસે નાના મવા રોડ પર ગોવિંદ પાર્ક-૧ પંચશીલ કોમ્પ્લેક્ષ ફલેટ નં. ૩૦૧માં રહેતા મૂળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતીભાઇ ભુરાભાઇ બાણગોરીયા (ઉ.વ. ૭૧) ની ફરિયાદ પરથી પોપટપરા રઘુનંદન સોસાયટી પોસ્ટ ઓફીસ સામે શિવ લહેરી ખાતે રહેતા મીલન ખોડાભાઇ મકવાણા, દેવભુમી દ્વારકા નરસંગ ટેકરીએ રહેતા દોલુભા દેવાભા સુમાણીયા, ગોંડલ નાની બજારમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઇ ગજેરા તથા એક વકીલ તથા ફરિયાદી કાંતીભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇ નું ખોટું નામ ધારણ કરનાર શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૧૯, ૪ર૦, ૧ર૦બી ગુજરાત જમીન અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

કાંતીભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાશ્રી ભુરાભાઇ ભાણજીભાઇ બાણુગોરીયાની માલીકીનો પ્લોટ રાજકોટ તાલુકાના મોટા મવા ગામના સર્વે નં. ૬પ વાળી જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં. ૪પ ની જમીન ચો.મી. ર૪૦-૮૦ ચોરસવાર આ. ર૮૮ આવેલો છે. તેમનું (ભુરાભાઇનું) તા. ર૧-૧૧-ર૦૦૧ના રોજ અવસાન થયું છે. આમ છતાં આરોપીઓએ એક સંપ કરી પૂર્વયોજીત કાવત્રુ રચી મારા પિતાશ્રીની જગ્યાએ કોઇ ત્રાહીત વ્યકિતને ભુરાભાઇ ભાણજીભાઇ પટેલ (ફળદુ) (ઉ.વ. ૭પ) (રહે. મધુવન સોસાયટી ઝાંઝરડા રોડ જુનાગઢ)નું નામ ધારણ કરાવી મારા પિતાશ્રીની ખોટી બોગસ સહીઓ કરી અમારી મોટા મવાની જમીનનો પ્લોટ પચાવી પાડવા તેનો વેંચાણ દસ્તાવેજ ઉભો કરી મિલન મકવાણાના નામે કરી અપાયો હતો, આ કૌભાંડમાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એસીપી જે. એસ. ગેડમ, એ.એસ.આઇ. પ્રદિપસિંહ અને હેડ કોન્સ. જયંતીલાલ રાઠોડ સહિતે અગાઉ મીલન ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા અને એક વકીલની ધરપકડ કરી હતી. બાદ આ પ્રકરણમાં સામેલ હરકિશન નાનાલાલભાઇ દેવડા (ઉ.૭૭) (રહે. રામનાથપરા મુકરબા શેરી બાવાજીરાજ રોડ), મહેશ ચનાભાઇ ડોબરીયા (ઉ.૪પ) (રહે. રઘુનંદન સોસાયટી  શેરી નં. પ) અને ભુપેન્દ્ર ગણેશભાઇ નાથાણી (ઉ.વ.૪પ) (રહે. રણછોડનગર શેરી નં. ર૯ પેડર રોડ પાણીના ઘોડા પાસે) ની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા હરકિશન નાનાલાલભાઇ દેવડા અને મહેશ ચનાભાઇ ડોબરીયાને જેલ હવાલે કરાયા હતાં. જયારે ભુપેન્દ્ર ગણેશભાઇ નાથાણી તા. ૩-૭ સુધી રીમાન્ડ પર છે.

(4:53 pm IST)