Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રેલનગરમાં ટાઉનશીપમાં મયુરે અપશબ્દોવાળુ રેકોર્ડિંગ સંભળાવી મશ્કરી કરતાં રજાકે છરીના ઘા ઝીંકયા

અજાણ્યા શખ્સે મદદ કરીઃ બાવાજી યુાવનને હાથમાં ગંભીર ઇજા થતાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૮: રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ આર-એ/૦૧માં રહેતાં બાવાજી યુવાને રવિવારે સાંજે સોશિયલ મિડીયામાં આવેલુ અપશબ્દોવાળુ મજાકીયું રેકોર્ડિંગ પરિચીત એવા મુસ્લિમ શખ્સને સંભળાવતાં તેને આ કારણે ગુસ્સો આવતાં બોલાચાલી કરી હતી. એ પછી રાતે સાડા બારેક વાગ્યે બાવાજી યુવાન પર બીજા એક શખ્સ સાથે મળી છરીથી હુમલો કરી હાથમાં ગંભીર ઇજા પહોંચાડતાં તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતાં મયુર રમેશભાઇ કુબાવત (ઉ.વ.૨૧)ને રાતે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર રજાક અને અજાણ્યાએ છરીથી હુમલો કર્યાનું જણાવતાં હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે હોસ્પિટલે પહોંચી મયુરની ફરિયાદ પરથી સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં જ રહેતાં રઝાક ભાડુલા અને એક અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (એ) મુજબ ગુનો નોંધ્યો હતો.

મયુરે જણાવ્યું હતું કે પોતે બે ભાઇ અને બે બહેનમાં વચેટ છે અને કારખાનામાં મજૂરી કરે છે. સાંજે મિત્રો ટાઉનશીપ પાસે ઉભા હતાં ત્યારે વ્હોટ્સએપમાં ફરતાં રહેતાં ગાળો બોલતાં હોય તેવા મજાકીયા ઓડિયો રેકોર્ડિંગ પોતે સાંભળતો હતો. આવું રેકોર્ડિંગ તેણે અહિ જ રહેતાં રઝાકને પણ સંભળાવ્યું હતું અને મશ્કરી કરી હતી. આ કારણે રઝાકને ગુસ્સો આવ્યો હતો અને ત્યારે બોલાચાલી કરી હતી. એ પછી મોડી રાતે અજાણ્યા શખ્સ સાથે આવી પોતાને રાતે સાડા બારે બહાર બોલાવી તે કેમ મશ્કરી કરી હતી? કહી ગાળો દઇ છરીથી હુમલો કરતાં જમણા હાથમાં બે ઘા લાગી ગયા હતાં.

હાથની નસ કપાઇ ગઇ હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલના તબિબોએ તેને અમદાવાદ વધુ સારવાર માટે રિફર કર્યો હતો. પીએસઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફે હુમલો કરી ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:53 pm IST)