Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રિયલ એસ્ટેટમાં ભયાનક મંદી : રાજકોટમાં ૧૫ હજાર એપાર્ટમેન્ટ વેચાયા વિનાના પડયા છે : અમદાવાદમાં ૩૫ હજાર એપાર્ટમેન્ટ

સરકારની એફોર્ડબલ સ્કીમોમાં જેમને ડ્રોથી ફલેટ મળ્યા છે તે લોકોએ રૂપિયા જમા નહી કરાવતા ૫૦ હજાર ફલેટ ખાલીખમ : સવા લાખ આવાસો તૈયાર પણ ખરીદનાર વર્ગ નથી : બેંક લોનમાં ફાંફાં : નવા મકાનો માટેની ઓફરમાં : અમદાવાદ - સુરત - દિલ્હી - મુંબઇ - પૂના - બેંગ્લોર - હૈદ્રાબાદ - ચેન્નાઇ - કોલકત્તામાં મકાનોનું વેચાણ ૬૦ થી ૭૦ ટકા ઘટયું

રાજકોટ તા. ૨૭ : ગુજરાતના રિયલ એસ્ટેટમાં ભયાનક મંદીનું મોજું ફરી વળ્યું છે. લોકો પાસે ઘરનું ઘર ખરીદવાના રૂપિયા નથી. સરકારની એફોડબલ સ્કીમોમાં જે લોકોને ડ્રી થી ફલેટ મળ્યાં છે તેમાં સરકારમાં બાકી રૂપિયા જમા કરવા માટે પણ લોકો આગળ આવી શકતા નથી. રાજયમાં ૫૦ હજારથી વધુ ફલેટોમાં ખરીદનારાઓએ રૂપિયા જમા કરાવ્યા નહીં હોવાથી તેમને કબજો મળી શકયો નથી.

રાજ્યના શહેરોમાં ઓછામાં ઓછા સવા લાખ આવાસો તૈયાર છે પરંતુ તેને ખરીદનારો વર્ગ નથી. બેન્ક લોનમાં વધારે સખ્તાઇ હોવાથી લોન મેળવવાના ફાંફા પડો રહ્યાં છે. તે લોકોએ લોન લઇને મકાન બુક કરાવ્યા છે તેઓ મકાનનો હપ્તો ભરી શકવાની હાલતમાં નથી. એકલા અમદાવાદમાં ૨૫૦૦ આવાસ એવાં છે કે જેમણે બુકીંગ કેન્સલ કરાવ્યા છે.

કોરોના સંકટ અને તેનાં કારણે લાદવામાં આવેલા લોકડાઉનનાં પગલે રિયલ એસ્ટેટ સેકટરમાં ભયાનક મંદીનાં અંધાણ જોવા મળી રહ્યા છે, એક સામાન્ય અંદાજ મુજબ ચાલુ કેલેન્ડર મહિનામાં મકાનોનું વેચાણ ૭૦ ટકા ઘટી ગયું છે. એક જાણીતી રિયલ એસ્ટેટ એજન્સીના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુના, બેંગલુરૂ, હૈદરાબાદ, ચેન્નઇ, અને કોલકાતામાં મકાનોનું વેચાણ ૬૦ થી ૭૦ ટકા ઘટ્યું છે.

એટલું જ નહીં આ સમયગાળામાં નવા મકાનો માટેની ઓફરમાં ૮૫ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ સમાન સમયગાળામાં ૭૦ હજારથી વધુ નવા મકાનો વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતાં પરંતુ આ વખતે નવા મકાનોનું બુકીંગ ઘટ્યું છે. ફલેટ સાથે કાર અને અન્ય સામગ્રી જેવી લાલચો પણ ખરીદનારા વર્ગને આકર્ષી શકતી નથી.

કોરોના રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે ૨૫ માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને તેના કારણે બાધકામ પ્રવૃતિ સંપુર્ણપણે અટકી ગઇ હતી, તે સાથે જ તેનાથી ઘરોનાં વેચાણ પણ લગભગ થંભી ગયા હતાં, હાલની સ્થિતિને જોતા હવે ઘણા ડેવલપર્સ પોતાની ડિઝિટલ વેચાણની ક્ષમતા વધારી દીધી છે. અમદાવાદના બિલ્ડરોએ જયાં આવાસની સ્કીમ હજી શરૂ કરી નથી તેને શ્રમિકો નહીં મળતાં અટકાવી રાખી છે. તેઓ તૈયાર થયેલા મકાનો વેચવાની ગોઠવણ કરી રહ્યાં છે.

ગુજરાતમાં સૌથી વધુ ૩૫૦૦૦ એપાર્ટમેન્ટ અમદાવાદમાં, ૨૭૦૦૦ એપાર્ટમેન્ટ સુરતમાં, ૧૫૦૦૦ એપાર્ટમેન્ટ રાજકોટમાં અને ૧૦૦૦૦ એપાર્ટમેન્ટ વડોદરામાં વેચાયા વિનાના પડી રહ્યાં છે. ગાંધીનગરમાં આ આંકડો ૬૫૦૦ એપાર્ટમેન્ટનો થયો છે. બીજા નાના-મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ અને મકોનોની સંખ્યા ૨૦ હજાર કરતાં વધુ છે કે જે તૈયાર છે છતાં વેચાયા નથી અથવા તો રૂપિયા બાકી હોવાથી માલિકો કબજો લેવા આવ્યા નથી.

(3:33 pm IST)